Gujarat CM : દેશમાં આ યોજના લાગુ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય, પરિવારને મળશે રૂપિયા 10 લાખ
Bhupendra Patel : અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના હેઠળ રૂ. 289 અને રૂ. 499ના પ્રીમિયમમાં કામદારોને મૃત્યુ અથવા આંશિક અપંગતાના કિસ્સામાં સહાય મળશે. અકસ્માતમાં મજૂરનું મૃત્યુ થાય તો તેના વારસદારને 10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે
Trending Photos
Gujarat Government : કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડા જિલ્લામાં કામદારોને સુરક્ષા આપવા માટે આ યોજનાનો ઔપચારિક પ્રારંભ કર્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે આ યોજનાનો ઉદ્દેશ્ય એવા મજૂરોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે જેમણે રાષ્ટ્ર નિર્માણમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.
ગુજરાત સરકારે કામદારોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના શરૂ કરી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાનો ઉદ્દેશ્ય આપણા મજૂરોના કલ્યાણ અને સલામતીને પ્રાથમિકતા આપવાનો છે, જેથી તેઓને અકસ્માતના કિસ્સામાં આર્થિક સુરક્ષા મળી શકે. અમારો ઉદ્દેશ્ય તેમને રક્ષણાત્મક કવચ આપવાનો છે. આ સાથે કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે.
શું છે આ સ્કીમ?...
અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના હેઠળ રૂ. 289 અને રૂ. 499ના પ્રીમિયમમાં કામદારોને મૃત્યુ અથવા આંશિક અપંગતાના કિસ્સામાં સહાય મળશે. અકસ્માતમાં મજૂરનું મૃત્યુ થાય તો તેના વારસદારને 10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત અકસ્માતમાં કાયમી અપંગતાના કિસ્સામાં કામદારોને 10 લાખ રૂપિયાની રકમ ચૂકવવાપાત્ર રહેશે. કામદારોના મૃત્યુની સ્થિતિમાં તેમના બાળકોને 1 લાખ રૂપિયાની શિક્ષણ સહાય પણ આપવામાં આવશે. આ રીતે આ યોજના મજૂરોના સશક્તિકરણમાં ઘણી ઉપયોગી સાબિત થશે.
ગુજરાતમાં આ યોજના હમણાં જ ખેડા જિલ્લામાં શરૂ કરવામાં આવી છે. જેમાં પોસ્ટ વિભાગ, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક અને શ્રમ અને રોજગાર મંત્રાલયના સહયોગથી ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા કામદારો માટે 'અંત્યોદય શ્રમિક સુરક્ષા' અકસ્માત વીમા યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો.
1 લાખ કામદારોને લાભ મળશે
આ યોજનાને ક્રાંતિકારી ગણાવતા કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે કહ્યું કે તેનાથી કામદારોની ચિંતાઓ દૂર થશે. ચૌહાણે કહ્યું કે, આવનારા સમયમાં ભારતના 28 કરોડ કામદારોના ડેટા એકત્ર કર્યા બાદ તેમને અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાનો લાભ આપવામાં આવશે. આ યોજના સામાન્ય લોકો માટે પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. તેમણે મુખ્યમંત્રીને ખાતરી આપી હતી કે ખેડા જિલ્લામાં 60 દિવસમાં 1 લાખ ગરીબ પરિવારોને અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાનો લાભ મળશે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) ની શરૂઆત 1 સપ્ટેમ્બર 2018 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે