ગુજરાતની A કેટેગરીમાં આવતી નગરપાલિકા માટે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય : જાણો શું છે
Big Decision : રાજ્યની ‘અ’ વર્ગની નગરપાલિકાઓની હદ આસપાસના પાંચ કિ.મી. આઉટગ્રોથ વિસ્તારની ગ્રામપંચાયતો દ્વારા એકત્ર કરાતા ડોર-ટુ-ડોર ઘન કચરાને નગરપાલિકાની લેન્ડ ફિલ સાઈટ પર પ્રોસેસ કરાશે... રાજ્યની ૮ મહાનગરપાલિકાઓમાં હાલ પ્રવર્તમાન વ્યવસ્થાને વધુ વિસ્તૃત કરી હવે ‘અ’ વર્ગની ૨૨ નગરપાલિકાની પાંચ કિ.મી. ત્રિજ્યામાં આવતી ૧૪૦ જેટલી ગ્રામપંચાયતો આવરી લેવાશે
Trending Photos
Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘સ્વછતા હી સેવા’ અભિયાનને રાજ્યમાં ગ્રામીણ કક્ષાએ વધુ વેગ આપતો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્યની ‘અ’ વર્ગની નગરપાલિકાઓની પાંચ કિલોમીટરની ત્રિજ્યા-આઉટગ્રોથ વિસ્તારમાં આવતી ગ્રામ પંચાયતોમાં એકત્ર કરવામાં આવતા ડોર-ટુ-ડોર ઘન કચરાનો નિકાલ નજીકની ‘અ’ વર્ગની નગરપાલિકાની ડમ્પીંગ સાઈટ પર કરવામાં આવશે.
અત્યારે રાજ્યમાં ૮ મહાનગરપાલિકાઓનાં આઉટ્ગ્રોથ વિસ્તારમાં આવેલા ગામો-નગરપાલિકાઓમાં અમલી આ વ્યવસ્થાને વધુ વિસ્તૃત બનાવી રાજ્યની ‘અ’ વર્ગની બાવીસ નગરપાલિકાઓના આઉટગ્રોથ વિસ્તારમાં સમાવિષ્ટ ૧૭૪ ગ્રામ પંચાયતોને આ અન્વયે આવરી લેવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે.
ગ્રામ પંચાયતો દ્વારા પોતાના વિસ્તારોમાં ડોર ટુ ડોર ઘન કચરો એકત્ર કરવાની તેમજ તેને નજીકની નગરપાલિકાની ડમ્પીંગ સાઈટ પર લાવવાની જવાબદારી નિભાવવાની રહેશે. આવા ઘન કચરાના પ્રોસેસીંગની જવાબદારી સંબંધીત નગરપાલીકાને સોંપવામાં આવી છે.
તાજેતરમાં યોજાયેલી રાજ્ય સરકારની વાર્ષિક ચિંતન શિબિરનાં ચર્ચા સત્રો દરમિયાન પંચાયતી રાજ્ય વ્યવસ્થા વધુ કાર્યક્ષમ બનાવવા થયેલા વિસ્તૃત ચર્ચા-મંથનની ફલશ્રુતી રૂપે મુખ્યમંત્રીશ્રીએ ગ્રામીણ સ્વછતા વધુ સુદૃઢ બનાવવા કરેલા આ નિર્ણયનાં પરિણામે ગ્રામ પંચાયત વિસ્તારોમાં સ્વછતા સફાઈને લગતી કામગીરીનું તમામ પ્રકારનું આયોજન, દેખરેખ અને અમલીકરણ તેમજ નિર્ણયો અંગેની સંપૂર્ણ સત્તા પાંચ સભ્યોની જિલ્લા કક્ષાની સમિતી હસ્તક રહેશે.
જિલ્લા કક્ષાની આવી સમિતીનાં અધ્યક્ષ તરીકે સંબંધીત જિલ્લાનાં જિલ્લા કલેક્ટર અને જે તે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામક સભ્ય સચિવ તરીકે સેવાઓ આપશે.
સમિતીનાં અન્ય સભ્યોમાં સંબંધીત જિલ્લાનાં જિલ્લા વિકાસ અધિકારી અને સંબંધીત ઝોનનાં રિજીયોનલ મ્યુનિસિપલ કમિશનરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે