ગુજરાત ભાજપના નેતાએ કહ્યું; 'આર.એસ.એસ. કોંગ્રેસને આંખમાં કણાંની જેમ ખૂંચે છે'

જો કોંગ્રેસ પોતાના ઈટાલીના ચશ્મા ઉતારશે તો તેને ચોક્કસ દેખાશે કે, “આર.એસ.એસ. એ દેશભક્તિ, જનસેવા, સામાજીક સમરસતા માટે સતત કામ કરતું એક નિસ્વાર્થ સંગઠન છે.”

ગુજરાત ભાજપના નેતાએ કહ્યું; 'આર.એસ.એસ. કોંગ્રેસને આંખમાં કણાંની જેમ ખૂંચે છે'

ગાંધીનગર: આર.એસ.એસ. સામેના કોંગ્રેસના આક્ષેપોને સખ્ત શબ્દોમાં વખોડતા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, આર.એસ.એસ. એ છેવાડાના માનવીનું કલ્યાણ, સામાજીક સમરસતા, દેશને શક્તિ, સમૃદ્ધિ અને ગૌરવ અપાવવાના ધ્યેય અને “વસુદૈવ કુંટુંમ્બકમ”ની ભાવના સાથે પ્રકૃતિ અને હિન્દુ સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટે સતત કામ કરતું એક સામાજીક સંગઠન છે. દેશહિત અને લોકહિતને ધ્યાનમાં રાખીને સંઘ ૩૯ પરીવારના પ્રકલ્પો સાથે દેશના 820થી વધુ જીલ્લામાં 1,72,000થી વધુ સેવાકાર્યો સાથે કામ કરી રહ્યું છે. 

જો કોંગ્રેસ પોતાના ઈટાલીના ચશ્મા ઉતારશે તો તેને ચોક્કસ દેખાશે કે, “આર.એસ.એસ. એ દેશભક્તિ, જનસેવા, સામાજીક સમરસતા માટે સતત કામ કરતું એક નિસ્વાર્થ સંગઠન છે.” “કોંગ્રેસ જ્યાં સુધી ઈટાલીના ચશ્મા નહીં ઉતારે ત્યાં સુધી દેશની સંસ્કૃતિ, સભ્યતા, પરંપરા, આસ્થા-શ્રદ્ધા કેન્દ્રો અને માનબિંદુઓ,માનચિત્રો વગેરેની સમજ-ર્દષ્ટિ નહીં આવે”.

આર.એસ.એસ.આંખના કણાંની જેમ ખૂંચે છે
ભરત પંડ્યાએ કહ્યું હતું કે ભગવાનશ્રી રામનું અસ્તિત્વ નથી” - આ કોંગ્રેસની સોચ અને એકશન છે. સંસદ પર હુમલો કરનાર આતંકવાદી અફઝલની વરસી વાળીને તેને શહીદ ગણાવવો અને સર્જીકલ સ્ટ્રાઈક સમયે વિશ્વના બધાં દેશોએ ભારતની પ્રસંશા કરી ત્યારે કોંગ્રેસે પાકિસ્તાનની ભાષા બોલી હતી. સર્જીકલ સ્ટ્રાઈક પાકિસ્તાનમાં થઈ પરંતુ કોંગ્રેસ અહીં “કોમા” જતી રહી હતી. એટલે સ્વાભાવિક છે કે, આ પ્રકારની વિચારધારા વાળી કોંગ્રેસને દેશભક્તિવાળુ સંગઠન આર.એસ.એસ.આંખના કણાંની જેમ ખૂંચે છે.

કોંગ્રેસને સેવા સાથે કોઈ જ લેવા દેવા નથી
ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, અત્યારનું આ કોંગ્રેસનું સેવાદળ એ આઝાદી સમયનું સેવાદળ નથી. તેણે માત્ર ગાંધી પરીવાર આવે ત્યારે માત્ર સલામી આપવાનું કામ કર્યું છે. “કોંગ્રેસને સેવા સાથે કોઈ જ લેવા દેવા નથી.” સૂર્યોદય અને સૂર્યાસ્ત કોને કહેવાય તેમાં કોંગ્રેસને જ ખબર પડતી નથી. ભૂતકાળમાં કોંગ્રેસના 21 રાજ્યો હતાં અને હવે માત્ર 4 બાકી રહ્યાં છે. સંસદમાં 401 સભ્યો હતાં અત્યારે 44 બાકી રહ્યાં છે. શું આને સૂર્યાસ્ત તરફ જતી કોંગ્રેસ ગણી શકાય કે કેમ ? જયારે ભાજપ જનતાના આશીર્વાદ-જનસમર્થન-જનમતથી 21 રાજ્યોમાં સેવા-સુત્રો સંભાળી રહી છે. 272 ભાજપના સંસદ છે. 11 કરોડ પ્રાથમિક સભ્યો છે. દેશના લગભગ 68.25 ટકા ભુભાગ પર સત્તામાં છે. જ્યારે કોંગ્રેસ માત્ર 7.54 ભુભાગ પર રહી છે. ત્યારે કોંગ્રેસ ક્યાં મોઢે સૂર્યોદયની વાત કરે છે.

ઝીરો ટકે લોન આપવાનો નિર્ણય ભાજપે કર્યો
ગુજરાત કોંગ્રેસ દ્વારા ચાલી રહેલ ખેડૂતના આંદોલન અંગે પ્રતિક્રિયા આપતાં તેમણે જણાવ્યું હતું, નર્મદા ડેમનું કામ નરેન્દ્ર મોદીની સરકારે જ પૂર્ણ કર્યું. 18 ટકા વ્યાજે મળતી લોન, “0” (શુન્ય) ટકે ભાજપે નિર્ણય કર્યો છે. આઝાદી પછી પહેલીવાર 4000 કરોડથી પણ વધારે મગફળી, કપાસ,ઘઉં, રાયડો જેવા અન્ય ખેત પેદાશોની ટેકાના ભાવે ખરીદી કરી છે. તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં આ દેશનું સૌથી મોટું અને લાંબુ જળસંગ્રહ અભિયાન ખેડૂતો માટે અમારી સરકારે ચલાવ્યું છે. 

ખેડૂતોની લાગણીને ધ્યાનમાં રાખીએ છીએ, ખેડૂતના હિતમાં સતત નિર્ણયો કરતા આવ્યાં છીએ અને હજૂ પણ કરતાં રહીશું. પરંતુ કોંગ્રેસ ખેડૂતોને ખોટી રીતે ઉશ્કેરે છે. કોંગ્રેસની શાકભાજી, દૂધ ઢોળી દેવાની પ્રવૃતિએ ગુજરાતની સંસ્કૃતિ નથી. આ આંગણવાડીમાં બાળકોને દૂધ, શાકભાજી આપી હોત તો વધુ સારૂં હતું. કોંગ્રેસની પ્રકૃતિ-પ્રવૃતિ હંમેશા ઢોળી દેવાની, તોડફોડ, અફવા, અપપ્રચાર અને અરાજકતા ફેલાવવાની રહી છે. તે ગુજરાતની જનતા કયારેય સાંખી લેશે નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news