દિનેશ પ્રજાપતિ અને રામ મોકરીયાએ રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભર્યાં
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની આગેવાની સાથે ભાજપના રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે. રામભાઇ મોકરીયા અને દિનેશ પ્રજાપતિએ રાજ્યસભાના સભ્ય તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી છે. ભાજપના પ્રમુખ સીઆર પાટીલ તથા પક્ષના દિગ્ગજ નેતાઓ પણ ઉમેદવારી ફોર્મ ભરતી વખતે હાજર રહ્યા હતા. જોકે, ચૂંટણીના અલગ અલગ નોટિફિકેશન હોવાથી કોંગ્રેસે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી નથી.
આ પણ વાંચો : મળો ગુજરાતની પ્રથમ ટ્રાન્સવુમન ડોક્ટરને, પોતાના જ બાળકની માતા અને પિતા બનશે
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, કોંગ્રેસ પાસે પૂરતા ધારાસભ્યો જીતવા માટે નથી. કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ આ જાહેરાત કરી છે. ધારાસભ્યો નહિ હોવાથી તેઓ ઉમેદવાર ઊભા રાખવાના નથી. એટલે ભાજપના બંને ઉમેદવારો ચકાસણી પછી વિજેતા જાહેર થશે. રાજ્યસભાની બેઠકોમાં ભાજપનો વધારો થતો જાય છે. ભાજપની રેલીમાં અમારી મર્યાદિત વિસ્તારમાં મર્યાદિત સંખ્યામાં કાર્યકરો જોડાય છે. સ્વયંભૂ માસ્ક ના પહેરે એ અલગ વસ્તુ છે. અમે તમામને પૂરતી સૂચના આપી છે. કોંગ્રેસને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ઉમેદવારો મળતા નથી, એટલે જ માટે ભાજપના ઉમેદવારો અનેક જગ્યાએ બિનહરીફ વિજેતા થયા છે. ભાજપનું સંગઠન અને ભાજપના પ્રમુખ સી.આર. પાટીલના પેજ પ્રમુખની યોજના અમલમાં મૂકી તેનાથી ભાજપને ખૂબ મોટો ફાયદો થયો છે. ભાજપનો ચૂંટણી પ્રચાર જોઈને કોંગ્રેસના અનેક ઉમેદવારોએ ફોર્મ ભર્યા નથી.
તો પેટ્રોલમાં સતત વધી રહેલા ભાવ વધારા પર નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, ભારતમાં કુદરતી રીતે ઓઇલ મળવાની મર્યાદા છે. પ્રધાનમંત્રીએ ગઈકાલે જાહેરાત કરી તે પ્રમાણે 85% ક્રૂડ ઓઇલ ભારતીય આયાત કરવું પડે છે. ઓઈલની કિંમતો વધી છે એટલે પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધી ગયો છે. યુપીએ સરકારે કેવી રીતે વહીવટ તેમને કર્યો તેમને ખબર.
આ પણ વાંચો : ધોરાજીમાં ઉમેદવારી પરત ખેંચનાર ભાજપના ઉમેદવારે ઝેર પીધું
તો ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું કે, ભાજપના બંને ઉમેદવારોએ ઉમેદવારીપત્રકો ભર્યા છે. બંને ભારતીય જનતા પાર્ટીના વર્ષો જૂના કાર્યકરો અને આગેવાનો છે. કોંગ્રેસે ઉમેદવારી ફોર્મ ભર્યા નથી તે સમય પહેલા કહેવું યોગ્ય નથી. દિનેશ પ્રજાપતિ એ અહેમદ પટેલની ખાલી થયેલી સીટ ઉપર લડી રહ્યા છે. જ્યારે કે, રામભાઈ મોકરીયા એ અભયભાઈની ખાલી પડેલી સીટ ઉપર ચૂંટણી લડી રહ્યા છે.
ભાજપના રાજ્યસભાના ઉમેદવાર રામભાઈ મૂળ પોરબંદરના વતની છે. તેમને એક દિકરી અને બે દિકરા છે. તેઓ 1976થી વિદ્યાર્થી પરિષદ, સંઘ પરિવાર અને VHP સાથે જોડાયેલા છે. તેમને વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી રૂપાણી સાથે ખૂબ જ સારા સંબંધો છે. તેઓ 1978 જનસંઘમાં જોડાયા બાદમાં ભાજપમાં જોડાયા હતાં.1989 નગરપાલિકામાં પ્રથમવાર કાઉન્સિલર બન્યા હતાં. તેઓ ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય રહી ચૂક્યા છે. તેઓ પોરબંદરમાં ભાજપના અનેક હોદ્દા પર રહી ચૂક્યા છે. તેમણે પ્રથમ ટ્રાવેલ્સના વ્યવસાય સાથે 1985માં મારૂતિ કુરિયરની શરૂઆત કરી હતી. તેઓ ખેતી સાથે સંકળાયેલા પણ છે. ભાજપે રાજ્યસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને સાચવી લીધું છે. રામભાઈ મોકરીયાની સાથે ઉત્તર ગુજરાતમાં ભાજપના આગેવાન તથા ગુજરાત ભાજપમાં બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ દિનેશ પ્રજાપતિને ટિકિટ આપી છે. દિનેશ પ્રજાપતિ ડિસા ભાજપના આગેવાન છે.
પહેલી માર્ચે સવારે 9થી 4 વાગ્યા સુધી રાજ્યસભા માટે મતદાન યોજાશે. ચૂંટણીની મતગણતરી પહેલી માર્ચે સાંજે પાંચ વાગે યોજાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે