વિધાનસભાની વાતઃ વીસાવદરમાં કોણ જીતશે મતદારોનો વિશ્વાસ? આ વખતે શું છે સમીકરણો
Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી રાજકીય પાર્ટીઓ કરી રહી છે. જેમાં આ વખતે આમ આદમી પાર્ટી પણ સૌરાષ્ટ્રમાં પોતાનો દમ બતાવી રહી છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રની 44 બેઠક છે. જૂનાગઢની 5 બેઠકમાં વીસાવદરનો પણ સમાવેશ થાય છે. જે ગુજરાતની રાજનીતિમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ જૂનાગઢના વીસાવદરને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો ગઢ માનવામાં આવે છે. જોકે 2001માં મુખ્યમંત્રી બનતાં જ હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેશુભાઈ પટેલની રાજનીતિને ખતમ કરી દીધી હતી. આ વિસ્તારમાં કેશુભાઈ પટેલે પોતાની રાજકીય કારકિર્દીમાં અનેક ઉતાર-ચઢાવ જોયા. સંઘે નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવ્યા અને કેશુભાઈ પટેલે ભાજપને અલવિદા કહીને નવી પાર્ટી બનાવી. પરંતુ તે રાજનીતિમાં સફળ ન થઈ શકી. 2014માં પેટાચૂંટણીમાં કોંગ્રેસના હર્ષદ રીબડિયાએ ભાજપ પાસેથી આ બેઠક છીનવી લીધી. હવે ફરી એકવાર વીસાવદર બેઠક પર ભાજપની નજર છે. તો કોંગ્રેસ પણ ફરીથી બેઠક જાળવી રાખવા માટે આતુર છે.
વીસાવદરનો ભૌગોલિક પરિચય:
વીસાવદર ગીર શાસનના નજીકના વિસ્તારનો ભાગ છે. આ વિસ્તારમાં મોટા ઉદ્યોગ કે ફેક્ટરીઓ ન હોવાના કારણે અહીંયાનો વિકાસ બહુ થયો નથી. શિક્ષિત વર્ગ અને ખેડૂતો ખેતી છોડીને સુરત, અમદાવાદમાં નવા રોજગાર અને બિઝનેસ માટે શિફ્ટ થઈ ગયા. સુરતમાં હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા અનેક વેપારી વીસાવદરથી જ આવ્યા છે. આ જ કારણ છે કે હવે વીસાવગર સમૃદ્ધ અને ધનવાન લોકોનો ગઢ પણ બની રહ્યો છે.
વીસાવદર બેઠકના મતદારો:
આ બેઠક પર કુલ 2 લાખ 58 હજાર 104 મતદારો છે. જેમાં 1 લાખ 34 હજાર 870 પુરુષ મતદારો છે. જ્યારે 1 લાખ 23 હજાર 232 મહિલા મતદારો છે. જેમાં સૌથી વધારે 1 લાખ 35 હજાર મતદારો પાટીદાર છે. 21,000 દલિત મતદારો, 20,000 કોળી મતદારો અને 12,000 મુસ્લિમ મતદારો છે.
વીસાવદરનું રાજકીય સમીકરણ:
પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે 1995માં આ બેઠક પરથી જીત હાંસલ કરીને બીજેપીને આ વિસ્તારમાં મજબૂત બનાવ્યું હતું. જે 2001 સુધી મુખ્યમંત્રી પણ રહ્યા. 2001માં કચ્છમાં આવેલા ભૂકંપ બાદ સંઘના ઈશારે નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રીની કમાન સોંપવામાં આવી. 2002 અને 2007માં બીજેપીએ કેશુભાઈને ટિકિટ આપી નહીં અને કેશુભાઈએ ભાજપને અલવિદા રહીને નવી પાર્ટી બનાવી. પરંતુ તે માત્ર 2 જ બેઠક જીતી શક્યા. જેના કારણે તેમણે રાજનીતિને અલવિદા કહી દીધું.
વીસાવદર બેઠકનો ટ્રેક રેકોર્ડ:
વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ
1962 મદીનાબેન નાગોરી કોંગ્રેસ
1967 કે ડી ભેસાણીયા સ્વતંત્ર
1972 રામજીભાઇ કરકર કોંગ્રેસ
1975 કુરજીભાઇ ભેસાણીયા કેએલપી
1980 ધીરજલાલ રિબડીયા જેએનપી
1985 પોપટલાલ રામાણી કોંગ્રેસ
1990 કુરજીભાઇ ભેસાણીયા જેડી
1995 કેશુભાઇ પટેલ ભાજપ
1998 કેશુભાઇ પટેલ ભાજપ
2002 કનુભાઇ ભાલાળા ભાજપ
2007 કનુભાઇ ભાલાળા ભાજપ
2012 કેશુભાઇ પટેલ જીપીપી
2014 હર્ષદ રીબડિયા કોંગ્રેસ
(પેટાચૂંટણી)
2017 હર્ષદ રિબડીયા કોંગ્રેસ
વીસાવદરનું 2017નું પરિણામ:
2017માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર હર્ષદ રીબડિયાએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને 25,000 મતથી પરાજય આપ્યો. આ પહેલાં તે 2014માં યોજાયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા હતા. જોકે હાલમાં તેમણે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનું કમળ પકડી લીધું છે અને ભાજપમાંથી બેઠક પરથી દાવેદારી કરી છે.
વીસાવદરની સમસ્યાઓ:
વીસાવદર એક એવો વિસ્તાર છે જે ખેતી પર નિર્ભર છે. અહીંયા પાણીની તંગી, વીજળીનું સંકટ છે. ગામ સુધી રસ્તાની કોઈ વ્યવસ્થા નથી. જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ પણ ખરાબ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે