વિધાનસભાની વાતઃ જસદણમાં ભાજપના બોઘરા અને બાવળિયાની લડાઈમાં શું કોઈ ત્રીજું મારશે બાજી?
Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃ પાર્ટીને કે ઉમેદવાર, આખરે કોને વફાદાર છે જસદણની જનતા? કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠકમાં ભાજપે પાડ્યું હતું છીંડું, આ વર્ષે શું થશે? જાણો જસદણ બેઠક ભાજપના 'બાવળિયા' કોને નડશે અને કોને ફળશે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ એક પેટા ચૂંટણીએ જે બેઠકનું નસીબ બદલી નાખ્યું તે જસદણ વિધાનસભા બેઠક આ વખતે હાઈપ્રોફાઈલ બની છે. 2018 સુધી આ બેઠક કોંગ્રેસનો ગઢ રહી હતી. આ બેઠકનો પર્યાય ગણાય છે કુંવરજી બાવળિયા. કુંવરજી બાવળિયા આ બેઠક પરથી 1995 થી 2009 સુધી ધારાસભ્ય રહ્યા. વર્ષ 2009 થી 2014 સુધી બાવળિયા રાજકોટ વિધાનસભા મતવિસ્તારથી સાંસદ રહ્યા. 2017માં ફરી તેઓ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયા અને 2018માં ભાજપમાં જોડાયા બાદ ફરી લડ્યા અને જીત્યા.
જસદણ બેઠક કેમ મહત્વની?
કુંવરજી બાવળિયાના ભાજપમાં જોડાયા બાદ કોળી સમાજે તેમની સામે બાંયો ચડાવી હતી. એક સમય એવો પણ હતો જ્યારે કોળી સમાજમાં બે ફાંટા પડી ગયા હતા. વિરોધ બાદ બાવળિયાએ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષપદેથી રાજીનામું આપવું પડ્યું હતું. ફરિયાદ એવી છે કે, કોળી સમાજને રાજકીય પ્રભુત્વ નથી મળી રહ્યું. હવે ભાજપમાં ફરી કુંવરજી બાવળિયાએ ટિકિટ માંગી છે. તો કોંગ્રેસમાંથી ટિકિટની રેસમાં અવસર નાકિયા અને ભોળાભાઈ ગોહેલ છે.
શું છે જાતિવાદી સમીકરણો?
જસદણમાં અંદાજે કુલ 2 લાખ 28 હજાર 223 મતદારો છે, જેમાં અંદાજે 1 લાખ 07 હજાર 935 મહિલા મતદાર અને 1 લાખ 20 હજાર 288 પુરૂષ મતદાર છે. અહીં લેઉવા પટેલ, કોળી, કડવા પટેલ, ક્ષત્રીય, માલધારી, દલિત અને લઘુમતી સમાજનું પ્રભુત્વ છે. અહીં સૌથી વધુ 35 ટકા કોળી, 20 ટકા લેઉવા પટેલ, 10 ટકા દલિત, 7 ટકા લઘુમતી, 7 ટકા કડવા પટેલ, 8 ટકા ક્ષત્રીય અને બાકી અન્ય મતદારો છે.
શું છે જસદણનો ઈતિહાસ?
વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ
2018(પેટા ચૂંટણી) કુંવરજી બાવળિયા ભાજપ
2017 કુંવરજી બાવળિયા કોંગ્રેસ
2012 ભોળાભાઈ ગોહેલ કોંગ્રેસ
2009(પેટા ચૂંટણી) ભરત બોઘરા ભાજપ
2007 કુંવરજી બાવળિયા કોંગ્રેસ
2002 કુંવરજી બાવળિયા કોંગ્રેસ
1998 કુંવરજી બાવળિયા કોંગ્રેસ
1995 કુંવરજી બાવળિયા કોંગ્રેસ
2022માં શું થશે?
જસદણ બેઠક સૌરાષ્ટ્ર વિસ્તાર માટે મહત્વની ગણાય છે. એમાં પણ આ વખતે આમ આદમી પાર્ટી મેદાનમાં છે. એટલે જંગ ત્રિપાંખિયો બની શકે છે. જસદણની જતા પક્ષને વફાદાર છે કે ઉમેદવારને એ કહેવું મુશ્કેલ છે પરંતુ એક વાત ચોક્કસ છે કે, આ જંગ રસપ્રદ બની રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે