15 જ દિવસમાં ફરી ગુજરાત વિદ્યાપીઠ ગંદકીનો ઉકરડો બની! રાજ્યપાલે દુ:ખી થઈને કીધું; 'માનસિકતા બદલો'
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ફરી એકવાર ગૂજરાત વિદ્યાપીઠની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા હતા અને સ્વચ્છતાની વાતો કરનારા ગુજરાત વિદ્યાપીઠના સંચાલકો અને સ્ટાફ સહિત વિદ્યાર્થીઓનો દંભ ફરી એકવાર ખુલ્લો પડી ગયો છે.
Trending Photos
અમદાવાદ: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ફરી એકવાર વિદ્યાપીઠની ઓચિંતી મુલાકાત લીધી હતી. પરંતુ આજે પણ જૈસે થે વૈસે જેવી સ્થિતિ જોવા મળી હતી. વિદ્યાપીઠની બિલ્ડિંગની અગાસી પર ગંદકીના ઠગ જોવા મળતાં રાજ્યપાલે કહ્યું સફાઈ ચાલુ કરો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ફરી એકવાર ગૂજરાત વિદ્યાપીઠની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા હતા અને સ્વચ્છતાની વાતો કરનારા ગુજરાત વિદ્યાપીઠના સંચાલકો અને સ્ટાફ સહિત વિદ્યાર્થીઓનો દંભ ફરી એકવાર ખુલ્લો પડી ગયો છે. આ અગાઉ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સતત એક અઠવાડિયું આવીને વિદ્યાપીઠની સફાઈ કરાવી ગયા હતા પરંતુ તેના 15 જ દિવસમાં ફરીથી ગુજરાત વિદ્યાપીઠ ગંદકીનો ઉકરડો બની ગઈ છે. જીહા...રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સૂચનાઓને ઘોળીને પી ગઈ છે.
ગુજરાત વિદ્યાપીઠમાં આજે અચાનક જ રાજ્યપાલ સફાઈનું નિરીક્ષણ કરવા છાત્રાલયના ધાબે પહોંચ્યા અને જોયું તો વિદ્યાપીઠની હોસ્ટેલ અને બીજી બિલ્ડિંગના ધાબા પર કાટમાળના ઢગલા પડ્યા હતા. અગાશી પર કચરો અને બિનજરૂરી ભંગારના ઢગલા પડ્યા હતા. સૌથી મોટી વાત એ છે કે અત્યારે આખું વિશ્વ ગ્રીન એનર્જીની વાત કરી રહ્યું છે, ખુદ ગાંધી બાપુએ બચતનો મંત્ર આપીને કુદરતી સંસાધનોનો સંયમિત રીતે ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો. પરંતુ ગુજરાત વિદ્યાપીઠમાં સોલાર પેનલ્સ જ ભંગાર હાલતમાં બંધ પડેલી છે અને તેના પર ધૂળ ચડી ગઈ છે. એટલે કે રાજ્યપાલની સૂચનાને ઘોળીને પી ગયા છે.
ગુજરાત વિદ્યાપીઠના સંચાલકો અને લાખો રૂપિયાનો પગાર લેતો સ્ટાફ. જી હા... ચોખલિયા બનીને ફરતા ગાંધીવાદીઓ ફરીથી રંગેહાથ ઝડપાયા છે અને ગુજરાત વિદ્યાપીઠની ગંદકી જોઈને રાજ્યપાલે અત્યંત વ્યથિત થઈને કહ્યું કે -વ્યવહારમાં ઘર કરી ગયેલી આળસની ગંદકીને દૂર કરો. રાજ્યપાલ એટલા દુ:ખી થયા કે તેમણે ગુજરાત વિદ્યાપીઠના છાત્રોને કહ્યું તમે તમારી માનસિકતા બદલો. સાથે જ વિદ્યાપીઠના સંચાલકોને સાથે રાખીને તમામ પરિસરની વિઝિટ કરી અને સ્વચ્છતાનું નિરીક્ષણ કર્યું.
રાજ્યપાલે કહ્યું કે દર મહિને તમામ ધાબાંની સફાઈ કરાવો અને તેઓ આ જ રીતે ગમે ત્યારે ઓચિંતી મુલાકાત લેતા રહેશે. તો રાજ્યપાલના સ્વચ્છતા અભિયાન પછી પણ ગુજરાત વિદ્યાપીઠમાં સ્વચ્છતાના મુદ્દે સ્થિતિ ઠેરની ઠેર છે. ગુજરાત વિદ્યાપીઠનાં ભવનોના ધાબા પર કાટમાળ અને ગંદકીના ઢગ પડ્યા છે. વિદ્યાપીઠનાં ભવનોની અગાશીને ઉકરડો બનાવી દેવામાં આવી છે. ધાબાં અને અગાશી પર ગંદકી જોઈને રાજ્યપાલ અત્યંત વ્યથિત દેખાયા.
વારંવાર સફાઈની સૂચનાઓ આપ્યા પછી પણ વિદ્યાપીઠ નિષ્ક્રિય
6 આંકડામાં પગાર લેતા કહેવાતા ગાંધીવાદીઓને જાણે કે ફક્ત વાતો કરવામાં રસ છે. પરંતુ તેમનું આચરણ કેવું છે તેની ચાડી ખાઈ રહ્યાં છે વિદ્યાપીઠનાં દ્રશ્યો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે સીધા જ વિદ્યાપીઠના ભવનોના ધાબા પર પહોંચ્યા અને ધાબા પર ભંગાર અને કાટમાળ હોવાથી તમામને ખખડાવ્યા છે.
રાજ્યપાલ સામે વિદ્યાપીઠના સ્ટાફનાં મોં રીતસર સિવાઈ ગયાં. જો કે વિદ્યાપીઠના આળસુ સ્ટાફ પાસે કોઈ જવાબ નહોતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે હું નિયમિત તપાસમાં આવીશ. વિદ્યાપીઠના સમગ્ર પરિસરમાં સ્વચ્છતા જાળવવાની તેમણે ફરી એકવાર સ્પષ્ટ સૂચના આપી છે. એટલું જ નહીં દર મહિને વિદ્યાપીઠનાં તમામ ભવનોના ધાબાઓની વ્યવસ્થિત સફાઈ કરવાની પણ સૂચના આપી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે