યુવતીનો પરિવાર જ બન્યો તેના માટે યમરાજ, ગળુ દબાવી કરી નિર્મમ હત્યા

કોરોના મહામારી વચ્ચે સમાજ માટે લાલબત્તી સમાન ઓનર કિલિંગનો કિસ્સો સામે આવ્યો છે. પંચમહાલના હાલોલ નજીક કંજરી ગામથી. જ્યાં ભાઈ અને માતા-પિતાએ જ ભેગા મળી પુત્રીની નિર્મમ હત્યા કરી નાખી. કારણ આ વખતે પણ પ્રેમ જ હતું

યુવતીનો પરિવાર જ બન્યો તેના માટે યમરાજ, ગળુ દબાવી કરી નિર્મમ હત્યા

જયેન્દ્ર ભોઇ, હાલોલ: કોરોના મહામારી વચ્ચે સમાજ માટે લાલબત્તી સમાન ઓનર કિલિંગનો કિસ્સો સામે આવ્યો છે. પંચમહાલના હાલોલ નજીક કંજરી ગામથી. જ્યાં ભાઈ અને માતા-પિતાએ જ ભેગા મળી પુત્રીની નિર્મમ હત્યા કરી નાખી. કારણ આ વખતે પણ પ્રેમ જ હતું. ઘરની દીકરી ફળિયામાં જ રહેતા યુવકના પ્રેમમાં પડી જેની જાણ પરિવારને થતા જ પરિવારે ભેગા મળી દીકરીની હત્યા કરી લાશને કોતરમાં ફેંકી દીધી.

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાનું કંજરી ગામ મધ્યમ વસ્તી ધરાવતું ગામ છે. આજ ગામના પેટા ફળિયા ધનપુરીમાં ઉદેસિંહ અભેસિંગ નાયક પોતાના પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં એમને પત્ની અને પુત્રી સુનિતા અને એક પુત્ર છે. ઉદેસીંગ પરિવારનું ગુજરાન ચલાવવા માટે નાની મોટી મજૂરી અને ખેતીકામ કરતા હતા અને પત્ની અને પુત્રી તેમને આ કામમાં મદદ કરતા હતા. જયારે સૌથી નાનો પુત્ર અભ્યાસ કરતો હતો. પરિવારનું ગુજરાન શાંતિથી ચાલતું હતું.

પરંતુ યુવાનીના એક પડાવ પર પહોંચેલી દીકરી સુનિતાના લગ્નની ચિંતા માતા-પિતાને અંદરથી કોરી ખાતી હતી. બીજી તરફ પરિવારની વ્હાલસોયી પુત્રી સુનિતા ઉમરનાં એ મુકામ પર હતી, જ્યાંથી બે રસ્તા પસાર થાય છે. સુનિતાએ બીજો અને જોખમી એટલે પ્રેમનો રસ્તો પસંદ કર્યો હતો. ગામના જ હર્ષદ નામના યુવકના પ્રેમમાં સુનિતા એટલી પાગલ થઇ કે ઘરના કોઈ કામકાજમાં તેનું મન લાગતું નહોતું. સુનિતા બદલાયેલ સ્વભાવથી પરિવારજનોને શંકા ગઈ કે ઘરની દીકરી ઘરની લાજ ખોવા તો નથી બેઠીને?

આ સમગ્ર ઘટનાક્રમના મૂક સાક્ષી એવા પરિવારના સૌથી નાની ઉમરના સભ્ય એવો સુનિતાનો ભાઈ આ તમામ વાતો સમજતો હતો. ભાઈને પણ પોતાની બહેન પર શક જતા સુનિતાની વોચ રાખી હતી. સુનિતા ક્યારે અને કોને મળે છે. કોની સાથે વાત કરે છે. આ તમામ બાબતો ધ્યાન રાખતા બહેન સુનિતા ગામના જ એક યુવક હર્ષદના પ્રેમમાં પાગલ હોવાનું ભાઈના ધ્યાને આવ્યું હતું. આ સમગ્ર વાત પુત્રએ પોતાના માતા-પિતાને કરી પરંતુ ઘરમાં સૌથી નાનો અને સગીર ઉમર ધરાવતો હોઈ પરિવારે આ વાતને વધારે ગંભીરતાથી ન લીધી.

ત્યારે વધારે ગુસ્સે ભરાયેલ સગીર વયના સુનિતાના ભાઈ એ જાતે જ સુનિતાના પ્રેમપ્રકરણનો પર્દાફાશ કરવાનું નક્કી કર્યું હતું. નાની ઉંમરે વધુ સમજ ધરાવતા પુત્રએ પરિવારને જણાવી દીધું કે સુનિતા અવળા રસ્તે હોઈ એના લગ્ન કરાવી દો. આજ બાબતને લઇ ગત 24 માર્ચના રોજ સુનિતાના ભાઈએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી સુનિતાની સાથે ઝગડો કર્યો હતો. માતાપિતાને પણ પુત્રીના કથિત પ્રેમપ્રકરણ અંગે જાણ થતા એમને પણ સગીર પુત્રને ટેકો આપી સુનિતા સાથે મારઝુડ કરી હતી.

પરંતુ મામલો આટલે થાળે ન પડ્યો અને કુમળી માનસિકતા અને ઓછી ઉંમરના સુનિતાના ભાઈ પર કાળ સવાર હતો એને સુનિતાનું ગાડું દબાવ્યું હતું. માતાપિતાએ હાથથી મારઝૂડ કરી એમને પણ સુનિતાનું ગળું દબાવી દીધું. સુનિતા પગ પછાડતી રહી પરંતુ જે હાથોમાં ઉછરીને મોટી થઇ અને જે હાથે પોતાની રક્ષા કાજે રાખડી બાંધી હતી. તે તમામ હાથ પોતાને મોતને ઘાટ ઉતારશે એવી પ્રેમાંધ પુત્રીને ક્યાં ખબર હતી?

થોડી જ વારમાં તરફડીયા મારતી પગ પછાડતી સુનિતાનો શ્વાસ રોકાવા લાગ્યો પગ શાંત થઇ ગયા થોડી મિનિટ, આ જ પોતાના જ પરિવારના હાથે સુનિતાનું પ્રાણપંખેરું ઉડી ગયું. સુનિતાના શાંત જમીન પર પડેલા મૃતદેહને જોઈ પરિવાર ન કરવાનું કરી બેઠાની લાગણી સાથે પારાવાર પશ્ચાતાપ કરવા લાગ્યા.

પરંતુ હવે શું કરવું એ સમજ પડતી નહોતી. ત્યારે પરિવારે ભેગા મળી સમાજ અને પોલીસના ડરથી બચવા પોતાના હાથે પોતાના જ કાળજાના કટકાની કરેલ નિર્મમ હત્યાનું પાપ છુપાવવા માટે પુત્રીની લાશને બાજુમાં આવેલ કોતરમાં જાતે જ નાખી આવ્યા અને આખો પરિવાર ફરાર થઇ ગયો હતો.

આ ચકચારી ઓનર કિલિંગની હાલોલ પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી ગઈ અને કોતરમાં પડેલી સુનિતાની લાશને પીએમ માટે મોકલી હત્યારા પરિવારની શોધખોળ આદરી હતી. તપાસ દરમિયાન પરીવાર ગુમ હોઈ પોલીસને શક હતો કે સુનિતાની હત્યા થઇ છે અને તે કરનાર બીજું કોઈ પણ તેનો પોતાનો જ પરિવાર છે. પોલીસ પ્રાથમિક તપાસમાં અકસ્માતનો ગુનો નોંધી શકમંદ પરિવારને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

જો કે ગણતરીના કલાકોમાં જ પોલીસે પરિવારને શોધી કાઢી પૂછપરછ કરતા પ્રેમાંધ બનેલ પુત્રી પોતે જ હત્યા કરી હોવાનું પરિવારે કબૂલી લીધું હતું. ત્યારે હાલોલ રૂલર પોલીસે પરિવારના મોભી અને મૃતક સુનિતાના પિતા ઉદેસિંહ અભેસિંગ નાયક, મૃતક સુનિતાની માતા સુમિત્રાબેન ઉદેસિંહ નાયક અને કાયદાના સંઘર્ષમાં આવેલ સુનિતાના 15 વર્ષીય સગીર ભાઈ વિરુદ્ધ હત્યા અને ષડ્યંત્ર સહીતની કલમો સાથે ગુનો દાખલ કરી પરિવારના તમામ સભ્યોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news