અમદાવાદના પોશ વિસ્તારમાં વધુ એક ઘરેલું હિંસાનો કિસ્સો, આરોપી પિતા પુત્રની ધરપકડ

પોલીસ કસ્ટડીમાં ઉભેલા આરોપી સસરા વીરેન્દ્ર પટેલ અને પતિ ગિરીશ પટેલ દેખાવે સરળ અને સીધા લાગે છે પરંતુ હકીકતમાં એવું નથી. બંને આરોપીઓએ પરિણીતાનું જીવન નર્ક બનાવી દીધું.

અમદાવાદના પોશ વિસ્તારમાં વધુ એક ઘરેલું હિંસાનો કિસ્સો, આરોપી પિતા પુત્રની ધરપકડ

મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદમાં વધુ એક ઘરેલુ હિંસાની ફરિયાદ પરિણીતાએ નોંધાવી છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ પતિ અને સાસુ સસરા સામે ઘરેલુ હિંસા અને કરોડો રૂપિયાની છેતરપિંડી ફરિયાદ નોંધાવી છે. વસ્ત્રાપુર પોલીસે ફરિયાદના આધારે પતિ અને સસરાની ધરપકડ કરી છે.

પોલીસ કસ્ટડીમાં ઉભેલા આરોપી સસરા વીરેન્દ્ર પટેલ અને પતિ ગિરીશ પટેલ દેખાવે સરળ અને સીધા લાગે છે પરંતુ હકીકતમાં એવું નથી. બંને આરોપીઓએ પરિણીતાનું જીવન નર્ક બનાવી દીધું. પરિણીતાના લગ્ન બાદ આરોપી પતિ માનસિક ત્રાસ આપી વારંવાર મારઝૂડ કરી પરિણીતાને ઘરની બહાર કાઢી મૂકતો હતો. પરિણીતા જો સાસુ સસરાને ફરિયાદ કરે તો સાસુ સસરા પણ પતિનું ઉપરાણું લઈને પરિણીતા પર ત્રાસ ગુજારતા હતા.

તેટલું જ નહિ દહેજના ભૂખ્યા સાસુ સસરા અને પતિએ પરિણીતાને કરિયાવરમાં આવેલ સોના ચાંદીના દાગીના અને રોકડ એમ અલગ અલગ થઈને કુલ 3 કરોડ રૂપિયા લઈ પરત ના આપી પરિણીતાને ઘરની બહાર કાઢી મૂકી હતી. આખરે સાસરિયાંના ત્રાસથી કંટાળીને પરિણીતાએ પોલીસ સ્ટેશનમાં સાસુ, સસરા અને પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડ કરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ કન્સ્ટ્રક્શનના વેપાર સાથે સંકળાયેલ હોવાનું સામે આવ્યું છે. જોકે ફરિયાદી અને આરોપી પતિના લગ્ન 2010 માં થયા બાદ આરોપીઓએ પરિણીતાના પિતા પાસેથી ધંધા માટે ટુકડે ટુકડે 1 કરોડ 79 લાખ રૂપિયા લઈ લીધા હોવાનો આરોપ પણ લાગ્યા છે. પરિણીતાના પિતાએ પૈસા પાછા માંગતા ફોન પર બિભસ્ત ગાળો બોલી જો પૈસા માંગ્યા તો જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. જોકે પોલીસે ફરિયાદના આધારે તપાસ કરતા પતિ અને સસરાની ધરપકડ કરી જેલ સળિયા પાછળ ધકેલી દીધા છે.

હાલ તો વસ્ત્રાપુર પોલીસે સસરા અને પતિની ધરપકડ કરી સાસુની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે. સાથે છેતરપિંડી કરી લીધેલા પૈસા રિકાવર માટેની તજવીજ હાથ ધરી છે. પરંતુ દિવસેને દિવસે વધતું જતું દહેજનું દૂષણ દરેક સમાજ માટે ચેતવણી રૂપ સાબિત થઈ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news