ફુલ જેવી દીકરીને જોઈ પિતાનું દિલ ન પિઘળ્યું, આગથી શરીર પર ફોલ્લા થયા, મોત બાદ ધૈર્યાના શરીરમાં કીડા થયા હતા

અંધશ્રદ્ધાના વહેમમાં એક પિતા એટલો ક્રુર થઈ ગયો કે, તે ભૂલી ગયો કે તેની માસુમ દીકરીને કેટલી પીડા થાય છે... દીકરીનું મોત નિપજાવીને પિતાએ બારોબાર તેના અગ્નિસંસ્કાર પણ કરી નાંખ્યા

ફુલ જેવી દીકરીને જોઈ પિતાનું દિલ ન પિઘળ્યું, આગથી શરીર પર ફોલ્લા થયા, મોત બાદ ધૈર્યાના શરીરમાં કીડા થયા હતા

ગીર સોમનાથ : ગીર સોમનાથની 14 વર્ષીય ધૈર્યા હત્યા કેસમાં ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી. ધાવા ગીર ગામે 14 વર્ષીય પુત્રી પર ભૂતનું વળગણ હોય તેવી શંકાથી પિતા દ્વારા ત્રાસ આપી પુત્રીની હત્યા કરાઈ હતી. ત્યારે એક પિતા કેટલી હદ સુધી ક્રુર બની શકે તેનુ ઉદાહરણ આપતો આ કિસ્સો છે. દીકરી પરથી વળગાડ ઉતારવા પિતા-મોટા બાપુજીએ તેને અગ્નિ પાસે ઊભી રાખી હતી, એટલુ જ નહિ, તેના શરીરે આગથી ફોડલા ઊપડેલા છતાં પિતાનું હૃદય ન દ્રવ્યું ન હતું. 

આરોપી પિતા ત્રણ મહિના પહેલા સુરતથી બાળકીને મૂકી ગયો હતો અને નવરાત્રિમાં અનુષ્ઠાનના બહાને વતન પોતે પણ આવેલો જેને કારણે કાવતરું પૂર્વ આયોજીત હોવાનું પૉલીસને અનુમાન છે. પોતાની પુત્રીને વળગણ છે તેવું ભાવેશ અકબરીને લગતા પોતાના ભાઈ દિલીપ અકબરી સાથે પોતાની વાડીએ બાળકીને બાંધીને તેના ઉપર અનેક અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. 1 થી 7 ઓક્ટોબર સુધી બંને નરાધમોએ બાળકીને ખાવાપીવાનું પણ આપ્યુ ન હતું. તંત્રમંત્રમાં બાળકીના કપડાં સળગાવી તે અગ્નિની નજીક બાળકીને ઉભી રાખી હતી. જેથી તેના શરીર ઉપર ફોડલા ઉપડેલા છતાં પણ શેતાન પિતાનું હૃદય ન દ્રવ્યુ હતું.

જ્યારે નવરાત્રિના આઠમા દિવસે બાળકીનું મૃત્યુ થયું હતું. એટલુ જ નહિ, બાળકીના શરીરમાં કીડા પણ પડી ગયા હતા. તેની પિતાને જાણ થઈ ત્યારે સાત સગા સંબંધીઓ સાથે બાળકીને સ્મશાને લઈ ગયા હતા. સ્મશાનમાં સગા સંબંધીઓએ બાળકીના મોઢામાંથી દુર્ગંધ આવતી હોવાનું કારણ પૂછતા સંબંધીઓને રવાના કરી બંને ભાઈઓએ પોતે બાકીના અંતિમ સંસ્કાર કર્યા હતા. 

અગ્નિસંસ્કાર કરવા ભાવેશે પત્નીને પણ ન બોલાવી
ભાવેશના મોટા ભાઈ દિલીપભાઈ અકબરીએ ધૈર્યાનાના મોતની જાણ તેના નાના વાલજીભાઈ ડોબરિયાને કરી હતી. જેથી તેઓ પરિવારજનો સાથે ઘાવા ગામે પહોંચ્યા હતા. ત્યારે ધૈર્યાની માતા કપિલાબેન સુરતમાં હતા. માતાની પણ રાહ જોયા વગર ધૈર્યાના અગ્નિસંસ્કાર ભાવેશ અકબરીએ આપમેળે કરી નાંખ્યા હતા. ત્યાર બાદમાં સાંજે તેમની પુત્રી સુરતથી આવતાં તેને મળીને તેઓ પરત નીકળી ગયા હતા.

વાત આટલેથી અટકી ન હતી. પુત્રીની હત્યા બાદ આરોપી ભાવેશ અકબરીએ પોતાની પત્ની પર પણ તંત્ર મંત્ર કરવાનો પ્રયાસ કર્યો હતો. જે પોલીસ તપાસમાં બહાર આવ્યું. ભાવેશના સર્કલમાં કેટલાક એવા લોકો છે જે અગાઉ તંત્ર મંત્ર કરી ચૂક્યા હતા, તેમાંથી ભાવેશે પ્રેરણા લીધી હોય તેવી શક્યતાને આધારે પોલીસે વધુ ત્રણ આરોપીને રાઉન્ડ અપ કરવા ટીમો અન્ય જિલ્લાઓમાં રવાના કરી અને ત્રણ‌ વ્યક્તિને રાઉન્ડ અપ કર્યા છે. 

આ બનાવમાં વધુ આરોપીઓના નામ ઉમેરાવાની શક્યતા છે. આરોપી પોલીસ તપાસમાં સહકાર ન આપતો હોવાનૅ કારણે પોલીસ દ્વારા તેને સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ અપાઈ રહી છે. આરોપી પિતા સિવાય કોઈપણ તાંત્રિકે ઘટના સ્થળ પર આવીને તંત્ર મંત્ર કર્યાની વાત પોલીસે નકારી છે. હજુ પણ તપાસમાં અનેક ચોંકાવનારી ઘટનાઓ સામે આવવાની શક્યતા છે. તેમજ આ કેસમાં પરિવારના અન્ય સભ્યોની સંડોવણી સામૅ આવવાની શક્યતાઓ છે. શરૂઆતમાં પોલીસને સમગ્ર પરિવાર દ્વારા ખોટી માહિતી અપાયા બાદ પુરાવાઓ એકત્રિત કરી પોલીસે ફરી ઉલટ તપાસ કરતા બાળકીના નાના ભાંગી પડ્યઆ હતા અને આખો બનાવ પોલીસને જણાવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news