રાજકોટમાંથી ગાર્બેઝ ટીપર વાનની ચોરી; તંત્ર ચોરીથી અજાણ, પણ મધ્યપ્રદેશ પોલીસે RMCને કરી જાણ

રાજકોટ શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે ટીપરવાન આવે છે જેની ખરીદી મનપા કરે છે પણ તેને ચલાવવા માટે કોન્ટ્રાક્ટ અપાય છે. આ પૈકી વોર્ડ નં.13, 14 અને 17 નંબરના વોર્ડમાં આ કોન્ટ્રાક્ટ સીડીસી નામની કંપની પાસે છે.

 રાજકોટમાંથી ગાર્બેઝ ટીપર વાનની ચોરી; તંત્ર ચોરીથી અજાણ, પણ મધ્યપ્રદેશ પોલીસે RMCને કરી જાણ

ગૌરવ દવે/રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાની વધુ એક લાલીયાવાડી સામે આવી છે. બે મહિના પહેલા ચોરી થયેલી ટીપર વાન મધ્યપ્રદેશના પોલીસ સ્ટેશનમાં કોન્ટ્રાકટના કર્મચારીઓએ જમા કરાવતા મામલો સામે આવ્યો હતો. જોકે એક ટીપરવાન ચોરાઈ ગઈ છે તે કહેવાના બદલે પણ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના અધિકારીઓએ ફરિયાદ કરવાનું તો દૂર મ્યુનિસિપલ કમિશનરને ઊંધા ચશ્મા પહેરાવ્યા હતા.

રાજકોટ શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે ટીપરવાન આવે છે જેની ખરીદી મનપા કરે છે પણ તેને ચલાવવા માટે કોન્ટ્રાક્ટ અપાય છે. આ પૈકી વોર્ડ નં.13, 14 અને 17 નંબરના વોર્ડમાં આ કોન્ટ્રાક્ટ સીડીસી નામની કંપની પાસે છે. જેમાં કર્મચારીઓનું સંકલન અને મેનેજમેન્ટ યોગેશ નામની વ્યક્તિ કરે છે. આ કંપનીએ ટીપરવાનના ચાલકો તરીકે મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારના 30 યુવાન રાખ્યા છે. જોકે છેલ્લા છ મહિનાથી તેણે પગાર ન ચૂકવતા ચાર કર્મચારીઓ રાજકોટથી ભાગી વતન ચાલ્યા ગયા છે. 

જોકે તેઓ ખાલી હાથે નથી ગયા પણ મનપાની ટીપરવાન ચોરી કરી લઈ ગયા છે. GJ03 GA 1520 નંબરની ટીપરવાન વાહન છેક મધ્યપ્રદેશ સુધી હંકારી ગયા છે. કોન્ટ્રાકટ કર્મચારી ગંગારામ, રાજુ અને તેની સાથેના ચાર લોકો કઈ ગઈ ગયા અને ત્યારબાદ તેઓએ થાંદલા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા. પોલીસ સ્ટેશનમાં વાહન મૂક્યું હતું અને ત્યાં એવી નોંધ કરાવી છે કે કોન્ટ્રાક્ટરે પગાર ન ચૂકવતા તેમજ તેની સાથે ઉદ્ધતાઈ અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા તેઓ આ વાહન અહીં લઈ આવ્યા છે તેથી કોન્ટ્રાક્ટર પાસેથી તેમનું મહેનતાણું લઈને આ વાહન તેમને આપવામાં પોલીસ મદદ કરે. ટીપરવાનની માલિકી મનપાની છે અને કોન્ટ્રાક્ટર અને કર્મચારી વચ્ચેના પગારના વિવાદમાં ટીપરવાન ચોરી થઈ જાય તો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા તુરંત જ પોલીસ ફરિયાદ કરે અને સાથે કોન્ટ્રાક્ટર સામે પગલાં લ્યે પણ આવી આદર્શ સ્થિતિની કલ્પના રાજકોટમાં મનપામાં શક્ય નથી કારણ કે ફરિયાદ તો દૂર ઘટનાને બે મહિના બાદ પણ મનપાએ પોલીસને જાણ પણ કરી નથી. 

આ મામલે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરાઈ છે. ટીપરવાન હાલ મધ્યપ્રદેશના પોલીસ સ્ટેશનમાં હોવાથી મનપા સીધો કબજો લઈ શકે નહિ તેથી સ્થાનિક પોલીસ અને મધ્યપ્રદેશ પોલીસ સંકલન કરી રહી છે. મ્યુ.કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે, કોન્ટ્રાકટરે પરપ્રાંતીય લોકોને કામે રાખ્યા છે. જે ટીપર વાન ચોરી થઈ છે તેમા GPS સિસ્ટમ નહોતી. હવે તમામ ટીપર વાનને અપગ્રેડ કરવામાં આવશે. કોન્ટ્રેટરને આ ઘટના બાદ નોટિસ આપવામાં આવી છે અને પેનલ્ટી પણ ફટકારવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news