શાતિર દિમાગની મહિલાની હનીટ્રેપની જાળમાં ખેડૂત એવો ફસાયો કે, ચાર લાખ ગુમાવ્યા
Trending Photos
દિનેશ ચંદ્રવાડીયા/ઉપલેટા :રાજ્યમાં હનીટ્રેપના કિસ્સા નોંધપાત્ર રીતે વધી રહ્યા છે. ત્યારે રાજકોટના ધોરાજીમાં રાજકોટની શાતિર દિમાગની મહિલાએ ફોન પર ફરિયાદીને ફોસલાવીને 4 લાખ રૂપિયા ખંખેર્યા હતા. જે મામલે ચાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. ધોરાજી પોલીસે હાલમાં ચારેય આરોપીઓને ઝડપી પાડીને વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
શું બન્યો હતો બનાવ
રાજકોટના ધોરાજીમાં એક મહિલાએ ફોન પર વાતો કરીને ફરિયાદીને ફસાવ્યો હતો. મહિલાએ ચોકીથી અકાળા ગામ સુધી મુકી જવા ફરિયાદીને કહ્યું હતું. જે દરમિયાન રસ્તામાં અરવિંદ ગજેરા નામના શખ્સે પોલીસ હોવાની ઓળખ આપીને તેને રોક્યો હતો. આ દરમિયાન અન્ય બે શખ્સો પણ ત્યાં પહોંચી ગયા. આમ ચારેય જણા ફરિયાદીને ગીર જંગલમાં લઇ ગયા હતા, જ્યાં ફરિયાદીને ધાક ધમકી આપીને પૈસાની માંગણી કરી હતી. આરોપીઓએ ફરિયાદી પાસેથી અલગ અલગ સમયે 4 લાખ રૂપિયા પડાવ્યા હતા.
સોનાની વીંટી પડાવી લીધી
હનીટ્રેપનો ભોગ બનનાર 59 વર્ષીય ખેડૂત શંભુભાઈ ભાગિયાએ જણાવ્યુ કે, પરબત ઠાકોર, ભરત પારઘીએ મને એવું કહ્યું હતું જીન્નત તેમના પરિવારની જ વ્યક્તિ છે અને જીન્નતને કારમાં અકાળા ગામે મૂકી જજો. ત્યારે રસ્તામાં સરકલીયા હનુમાન મંદિર પાસે જંગલ વિસ્તારમાં રોડ પર અગાઉના કાવતરા મુજબ અરવિંદ ગજેરા બાઈક લઈને પાછળ આવ્યો હતો અને કાર અટકાવી ‘મારી પત્નીને કેમ લઈ જાવ છો?’ તેમ કહીં મને ધમકાવ્યો હતો. બાદમાં નાની પરબડીના પરબત ઠાકોર, ભરત પારઘી વચ્ચે આવી ગયા હતા અને કારમાં ગુપ્ત રીતે અપહરણ કરી લઈ ગયા હતા. આ શખ્સોએ પોતાની પોલીસ તરીકે ઓળખ આપી હતી અને ડરાવી ધમકાવી સોનાની વીંટી પડાવી લીધી હતી. સાથે અવારનવાર ફોન કરી ચાર લાખ જેવી રોકડ રકમ પડાવી લીધી હતી.
આ પણ વાંચો : એશિયાની સૌથી મોટી હોસ્પિટલની કેન્ટીનમાં ફરી રહ્યાં છે ઉંદર, વીડિયો જોઈને આરોગ્ય મંત્રીને પણ હાર્ટ એટેક આવી જશે
ચાર આરોપીઓને ઝડપી પાડ્યા
ધોરાજીમાં હનીટ્રેપમાં ફસાવી લાખોનો તોડ કરનાર ટોળી સામે ગુનો દાખલ થયા બાદ પોલીસે આ ટોળીનાં આરોપીઓને દબોચી લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે, ધોરાજીના નવા બસ સ્ટેન્ડ પાસે રહેતા એક ખેડૂતને રાજકોટની જીન્નત ઉર્ફે બિલીબેન અલારખાભાઈ શેરવાડીયા, પરબત ભીખા કુવાડીયા, ભરત ડાયા પારઘી તેમજ અરવિંદ આંબા ગજેરા મળીને હનીટ્રેપમાં ફસાવી નાણા ખંખેર્યા હતા. આ અંગે ધોરાજી પોલીસમાં ફરિયાદ થતા પોલીસે આઈપીસી કલમ 365-384-386-120 મુજબ ગુનો નોંધ્યો હતો. આ બનાવમાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી આરોપીઓને દબોચી લીધા છે.
હનીટ્રેપનાં માસ્ટર માઈન્ડ છે આરોપીઓ
પોલીસ તપાસમાં ખૂલ્યુ કે, આ ટોળકીએ અન્ય લોકોને પણ હનીટ્રેપમા ફસાવીને તેમની પાસેથી રૂપિયા વસૂલ્યા હતા. જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ઢોળવા ગામના યુવાનને રાજકોટની મહિલા અને અન્ય બે શખ્સે વિશાળ હડમતીયા નજીકથી હનીટ્રેપમાં ફસાવી અપહરણ કરી જૂનાગઢ લઈ જઈ ધમકી આપી બે લાખ માંગ્યા હતા. બાદમાં 1.20 લાખમાં ડીલ કરી હતી. પરંતુ આ ટોળકીનો પ્લાન સફળ થયો ન હતો અને એલસીબી પોલીસે રાજકોટની મહિલા સહિતની ટોળકીને પકડી લીધી હતી જયારે અન્ય એક કેસમાં ધોરાજીના યુવક પાસેથી પણ 38000 રૂપિયા અને એક વીંટી પડાવી લીધેલ જેમની ફરિયાદ પણ જૂનાગઢમાં નોંધાયેલ છે. આ બાબતની જાણ થતાં જેતપુરના પટેલ નગર સોસાયટીમાં રહેતા અને ડ્રેસની દુકાનમા કામ કરતા યુવકે પણ પોલીસ સ્ટેશને આવી આ ટોળકી સામે ફરિયાદ કરી હતી. આ ટોળકીનો ભોગ અનેક લોકો બન્યા હોવાની આશંકાથી હાલ પોલીસે ટોળકીના વધુ રિમાન્ડ માંગ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે