GANDHINAGAR: ત્રીજા વેવની પૂર્વ તૈયારી, પાંચ મહાનગરોનાં કમિશ્નર સાથે સીએમનો સંવાદ
Trending Photos
ગાંધીનગર : કોરોનાના ત્રીજા વૅવની સંભાવના અને અનુમાનો સામે ગુજરાતની સજ્જતાની વિસ્તૃત સમીક્ષા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી હતી. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પાંચ મહાનગરોના મ્યુનિસિપલ કમિશનર્સ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કોર કમિટીનો સીધો સંવાદ કર્યો હતો. કોરોનાના કેસો ઘટી રહ્યા છે પણ ગુજરાતે સંયમ દાખવીને સજાગ અને સાવધાન રહેવાનું છે તેવું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુચન કર્યું હતું.
કોરોના સંક્રમણના ત્રીજા વૅવની સંભાવના સામે રાજ્ય સરકારની સજ્જતાની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વિસ્તૃત સમીક્ષા કરી હતી. કોરોનાની કોર કમિટીની બેઠક દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના પાંચ મહાનગરોના મ્યુનિસિપલ કમિશનર્સ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વાત કરીને વર્તમાન આરોગ્ય સુવિધાઓ અને ભવિષ્યની જરૂરિયાતને પહોંચી વળવાના આયોજન અંગે વિગતવાર ચર્ચા કરી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, કોરોનાના કેસો ઘટી રહ્યા છે ત્યારે આપણે સ્હેજ પણ નિશ્ચિંત રહેવાનું નથી. ગુજરાતે સાવધાન અને સજાગ રહેવાનું છે. કોરોનાના સંક્રમણને અટકાવવા આવશ્યક એવા તમામ પગલાં લેવાના છે. નિયમોને અનુસરવાનું છે. દરેક વ્યક્તિએ સંયમ જાળવવાનો છે અને એ રીતે સ્વસ્થ રહેવાનું છે. જેથી આપણે ત્રીજા વૅવને ટાળી શકીએ. આમ છતાં રાજ્ય સરકાર કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પ્રતિબદ્ધ અને પ્રયત્નશીલ છે.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, મંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, સૌરભભાઇ પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન અને અન્ય વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી કોર કમિટીની બેઠક દરમિયાન અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને જામનગરના મ્યુનિસિપલ કમિશનર્સ તથા એવા વરિષ્ઠ અધિકારીઓ કે જેમણે કોરોનાના સંક્રમણના પહેલા અને બીજા વૅવ દરમિયાન નોંધપાત્ર ફરજ બજાવી છે એવા અધિકારીઓ સાથે વિસ્તૃત વિચારવિમર્શ કરાયો હતો.
દેશના અને દુનિયાના નિષ્ણાતો કોરોનાના સંક્રમણના બીજા વૅવ પછી ત્રીજા વૅવની સંભાવના અને અનુમાનો કરી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં હોસ્પિટલ બેડની સંખ્યા, ડૉક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફની ઉપલબ્ધિ, ઓક્સિજન વ્યવસ્થા, દવાઓ અને ઈન્જેકશનની આવશ્યકતા અને ઉપલબ્ધિ જેવા તમામ વિષયો પર વિસ્તૃત વિગતો મેળવી હતી. તેમણે દરેક મહાનગરના મ્યુનિસિપલ કમિશનર્સ અને અધિકારીઓ સાથે સીધો સંવાદ કરીને કોરોનાના સંક્રમણના પહેલા અને બીજા તબક્કાના અનુભવો જાણીને ત્રીજા તબક્કા વિશેના તેમના અનુમાનો તથા આયોજનોની વિગતવાર માહિતી મેળવીને જરૂરી આદેશો આપ્યા હતા.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગુજરાતે કોરોનાના ત્રીજા વેવની સંભાવના સામે ઘણા સમય પહેલાંથી જરૂરી આયોજન અને વ્યવસ્થા શરૂ કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અગાઉ ગુજરાતની કોરોના માટેની ટાસ્ક ફોર્સના નિષ્ણાત તબીબો સાથે વિસ્તૃત બેઠક કરીને આ સંદર્ભે વિચારવિમર્શ કર્યો હતો. તાજેતરમાં જ ગુજરાતના બાળરોગ નિષ્ણાત તબીબો અને રાજ્ય સરકારની સિવિલ હોસ્પિટલના તજજ્ઞ ડૉક્ટર્સ સાથે પણ સંવાદ કરીને રાજ્ય સરકારની અને મેડિકલ ક્ષેત્રની સજ્જતાની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, મનોજકુમાર દાસ, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. મતી જયંતી રવિ, મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, હારિત શુક્લ ઉપસ્થિત રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે