ATMમાં મદદ કરવાના બહાને એટીએમ કાર્ડ બદલી છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ, આ મોડસ ઓપરેન્ડીથી લોકોને બનાવતા હતા ટાર્ગેટ

આજના સમયમાં લોકો સાથે છેતરપિંડીના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. છેતરપિંડી કરવા માટે અલગ-અલગ તરબીક અજમાવવામાં આવતી હોય છે. ત્યારે આણંદમાં એટીએમમાં મદદ કરવાના બહાને લોકોને છેતરનાર ગેંગ ઝડપાઈ છે. 

 ATMમાં મદદ કરવાના બહાને એટીએમ કાર્ડ બદલી છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ, આ મોડસ ઓપરેન્ડીથી લોકોને બનાવતા હતા ટાર્ગેટ

બુરહાન પઠાણ/ આણંદઃ આણંદ શહેરમાં આવેલા લોટીયા ભાગોળ વ્યાયામ શાળા પાસે આવેલા તળાવ નજીકથી મળેલ માહિતીને આધારે સિનિયર સિટીઝનો તથા મહિલાઓને તેમજ અન્યને  ટાર્ગેટ કરી મદદ કરવાને બહાને એટીએમ કાર્ડ બદલી પાસવર્ડ જાણી પૈસા ઉપાડી લઈ છેતરપિંડી આચરનાર ગેંગના મુખ્ય સૂત્રધારને 48 એટીએમ કાર્ડ તથા સ્વીફટ કાર સાથે આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો છે. આ સાથે પોલીસે અન્ય ચાર સાગરીતોને ઝડપી પાડી તેઓની પૂછપરછ કરતાં 50થી વધુ જગ્યાએ એટીએમ કાર્ડ બદલી પૈસા ઉપાડી લઈ છેતરપિંડી કરી હોવાની કબુલાત કરી છે. જેથી, પોલીસે ચારેય વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે.

છેલ્લાં કેટલાંક સમયથી આણંદ જિલ્લાના પેટલાદ, તારાપુર, આણંદ, આંકલાવ ના જુદા જુદા વિસ્તારોમાં એટીએમ કાર્ડ બદલી છેતરપિંડી ગુના કર્યાના બનાવોમાં બનવા પામ્યા હતાં. જે તે પોલીસ મથકે આ બાબતે ગુનોઓ નોંધીને તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ આ ગુનાઓની તપાસ આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ કરી રહી હતી. બાદમાં પોલીસે હ્યુમન ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી અને સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ હાથ ધરતા એટીએમ રૂમના સીસીટીવી કેમેરા ચેક કરતાં એટીએમમાં ચાર સંદિગ્ધ ઈસમો દેખાયા હતાં. તેમજ એટીએમની નજીક એક શંકાસ્પદ કાર પણ જણાઈ આવી હતી. તે દરમિયાન માહિતી મળી હતી કે આણંદ લોટીયા ભાગોળ વ્યાયામ શાળા પાસે આવેલ તળાવ નજીક એક શંકાસ્પદ સ્વીફટ  ગાડી ઉભેલ છે. જેથી પોલીસે ત્યાં જઈને ગાડીને રોકીને તપાસ કરતાં ઞાડીમાથી જુદી જુદી બેંકોના એટીએમ કાર્ડ નંગ 48, પી.ઓ.એસ મશીન, મોબાઈલ નંગ છ, રોકડ રૂપિયા મળી આવ્યાં હતાં.

 જેથી પોલીસે ઞાડીમાં સવાર ચારેય ઈસમોના નામ ઠામ પૂછતા તેમણે અંકિતકુમાર કિરણપાલ સિંહ ચૌધરી રહે, ભબોરકા શિવ મંદિર પાસે ઉત્તર પ્રદેશ, પંકજકુમાર ઉર્ફે પિન્ટુ સત્યદેવસિંહ લેખરાજસિહ ચૌહાણ રહે, શાહેપુર કલા ઉત્તર પ્રદેશ, અમિતકુમાર રમેશચંદ્ર જાટ રહે, ફિરોજપુર ઉત્તર પ્રદેશ તથા કૈલાશકુમાર જગદીશ સિંહ પાલર્સિંગ જાદવ રાજપુત રહે, શાહેપુર કલા ઉત્તર પ્રદેશ હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેમની પાસે મળી આવેલી જુદી- જુદી બેંકોના એટીએમ કાર્ડ બાબતે પૂછપરછ કરતાં તેઓ કોઈ યોગ્ય જવાબ આપી શક્યા ન હતાં. યોગ્ય જવાબ ન મળતાં પોલીસે તેમની પાસેથી એટીએમ કાર્ડ  નંગ 48 પી.ઓ.એસ મશીન, મોબાઈલ નંગ 6, રોકડ રૂપિયા તથા સ્વીફટ કાર મળી કુલે રૂપિયા 5, 47,220 નો મુદ્દામાલ જપ્ત કરી તેની અટકાયત કરી પોલીસ મથકે લાવી આખરી રીતે પુછપરછ  કરતાં ગુજરાત રાજ્યના અલગ -અલગ જિલ્લાઓમાં તથા રાજ્ય બહાર જે એટીએમ પૈસા ઉપાડવા માટે આવનાર વ્યક્તિઓના એટીએમ કાર્ડ બદલી મદદ કરવાની બહાને એટીએમ કાર્ડનો પાસવર્ડ જાણી લઈ બાદમાં પૈસા ઉપાડી લેતાં  હોવાની કબુલાત કરી હતી.      
                             
પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલ ચારેય ઈસમોએ 50 જેટલા થી વધુ ગુનાઓની કબુલાત કરી છે. જેમાં ચારેય જણાએ ભેગા મળી બોરસદ શહેરમાં,આણંદ શહેરમાં, હાલોલ સિટીમાં બસ સ્ટેશન નજીક આવેલા bank of baroda એટીએમમાંથી, હાલોલ સીટી પાવાગઢ રોડ ઉપર આવેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમમાંથી, કલોલ સિટી બસ સ્ટેશન નજીક આવેલા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એટીએમમાંથી, કલોલ સિટીમાં આવેલ એટીએમમાંથી, છાણીથી નંદેસર હાઈવે ઉપર આવેલા એટીએમમાંથી, સુરત શહેર મોટા વરાછા તથા રેલવે સ્ટેશન  વિસ્તારમાં આવેલા એટીએમમાંથી, સુરત રૂરલના સાયણ, કોસંબા, પલસાણા, બારડોલી વિસ્તારમાં આવેલા એટીએમમાંથી, હાલોલ તથા કાલોલ વિસ્તારમાં આવેલા એટીએમમાંથી, વડોદરા શહેરમાં અલકાપુરી, ફતેગંજ, દિવાળીપુર, અકોટા વિસ્તારમાં આવેલા જુદા જુદા એટીએમમાંથી, આણંદ જિલ્લાના પેટલાદ, તારાપુર, આણંદ, આંકલાવ વગેરે વિસ્તારમાં આવેલા એટીએમમાંથી, વડોદરા ડભોઇ, નર્મદા, બોડેલી, હાલોલ, કાલોલ, વાઘોડિયા વગેરે વિસ્તારમાં આવેલા એટીએમમાંથી, ઉત્તર પ્રદેશના મથુરામાં આવેલા એસબીઆઇ બેન્ક તથા કેનેરા બેન્કના એટીએમમાંથી, રાજસ્થાનના રાજ્યના જયપુર સિટીમાં તથા બાયપાસ રોડ ઉપર આવેલા એચડીએફસી બેન્ક તથા કનેરા બેન્કના એટીએમ માંથી, હરિદ્વારમાં રવાલી મહદુદ વિસ્તારમાં આવેલા એટીએમ માંથી, હરિદ્વાર બહાદરાબાદ એક્સિસ બેન્કના એટીએમમાંથી, દેહરાદુન ઋષિકેશ રોડ રાણી પુખરી, લીસ્ટબાદ વિસ્તારમાં આવેલા એસબીઆઇ એટીએમમાંથી, સુગર મીલ રોડ, ડોઈવાલા, ઉત્તરાખંડ ખાતે પંજાબ નેશનલ બેંકના એટીએમમાંથી, આગ્રા  કેટ ડિફેન્સ આગ્રા યુપી રોડ ઉપર વિસ્તારમાં આવેલા બેંક ઓફ મહારાષ્ટ્રના એટીએમમાંથી, ફિરોજાબાદ બડા બજાર, વિસ્તારમાં આવેલા એટીએમમાંથી, ત્રિવેદીનગર ગણેશનગર રાવતપુર કાનપુર ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં આવેલ bank of baroda ના એટીએમમાંથી, તેલીબાઞ લખનઉ ના સૈનિક નગર વિસ્તારમાં આવેલા અલાદાબાદ બેંકના એટીએમ માંથી, લખનઉ ના જલવાયુ વિહાર, આશિયાના વિસ્તારમાં આવેલા પંજાબ નેશનલ બેંકના એટીએમમાંથી, તેલીબાગ લખનઉ ના સૈનિકનગર વિસ્તારમાં આવેલા અલ્હાબાદ બેન્કના એટીએમ માંથી, અજમેર સૈની પેલેસ નસીરાબાદ રોડ શાલીમાર કોલોની આદર્શ નગર રાજસ્થાન વિસ્તારમાં આવેલ કનેરા બેન્કના એટીએમમાંથી, તથા મુંબઈ આગરા નેશનલ હાઈવે સુખેર રોડ રાજસ્થાન વિસ્તારમાં આવેલા બેંક ઓફ બરોડા ના એટીએમ માંથી કુલે 50થી વધુ એટીએમ કાર્ડ બદલી છેતરપિંડી આચરી હતી. ચારેય જણે  એટીએમમાંથી સિનિયર સિટીઝનો, મહિલાઓ તેમજ અન્ય જણના એટીએમ કાર્ડ બદલીને લાખો રૂપિયા ઉપાડી લીધા હોવાની કબુલાત કરી છે. 

પોલીસ તપાસમાં પકડાયેલ મુખ્ય સૂત્રધાર અંકિતકુમાર ચૌધરી તેના સાગરીતો પંકજકુમાર ચૌહાણ, અમિતકુમાર જાટ અને કૈલાસ કુમાર જાદૌન ભેગાં મળી  એટીએમ આગળ જઈને ઊભા રહીને સિનિયર સિટીઝન, મહિલાઓ તેમજ  અન્યોને ટાર્ગેટ કરી એટીએમ પૈસા ઉપાડવા માટે મદદ કરવા માટે બહાને વિશ્વાસમાં લઈ તેઓનું એટીએમ કાર્ડ બદલી તેનો પાસવર્ડ જાણી લેતાં હતાં. બાદમાં ટેકનીકલ ખામી હોવાનું જણાવીને પોતાની પાસેનું ડમી એટીએમ કાર્ડ તેઓને આપીને અસલી એટીએમ કાર્ડ પોતાની પાસે રાખીને તે એટીએમમાંથી પૈસા ઉપાડી લઈ તેમજ પોતાની પાસેના સ્વાઈપ  મશીનમાંથી પૈસા કાઢી લઈ છેતરપિંડી આચરતા હતાં.

 વઘુમાં  પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલ આરોપી અંકિતકુમાર કિરણપાલસિંહ ચૌધરી સને 2016માં ઉત્તર પ્રદેશ ખુરજા પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુનામાં પકડાયેલ છે. તેમાં સને 2019માં બાપોદ પોલીસ સ્ટેશનમાં તેના બે સાથીદારો સાથે લૂંટના ગુનામાં પકડાયેલ છે.  2022માં સુરતના કાપોદરા પોલીસ સ્ટેશનમાં તથા વડોદરા શહેર જેપી રોડ પોલીસ સ્ટેશનમાં એટીએમ કાર્ડ બદલી પૈસા ઉપાડી લેવાના ગુનામાં તથા ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ છે. ફેબ્રુઆરી 2023 માં વેરાવળ પોલીસ મથકે એટીએમ કાર્ડ બદલી પૈસા ઉપાડી લેવાના ગુનામાં પકડાયેલ છે. જ્યારે આરોપી પંકજકુમાર ઉફે  પિન્ટુ સત્યદેવસિંહ ચૌહાણ સને 2022 માં રાજસ્થાન રાજ્યના અલીગઢ ખાતે ડિસેમ્બર 2022 માં એટીએમ કાર્ડ બદલી ગુનો કરવા દરમિયાન પકડાઈ જતા સિવિલ લાઇન પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ગુનો નોંધાયેલ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news