આ જેલ છે કે ગોરખઘંધા માટેની પરમીશનવાળી દુકાન?, મળી આવ્યા 173 મોબાઇલ
છેલ્લા 5 વર્ષમાં અમદાવાદ સેન્ટ્રલ જેલમાંથી 17૩ જેટલા મોબાઈલ અને 73 સીમકાર્ડ મળી આવ્યા છે. જે અંગે 192 આરોપીની ધરપકડ પણ કરવામા આવી છે. જોકે આ સિલસિલો હજી પણ ચાલુ છે. જે અટકવાનુ નામ લેતો નથી
Trending Photos
મૌલિક ધામેચા, અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલમા મોબાઈલ અને પ્રતિબંધીત વસ્તુઓ અવાર નવાર મળી આવતી હોય છે અને જેનો આંક દિવસે અને દિવસે વધી રહ્યો છે. તાજેતરમાં જ ભટનાગર બંધુઓ પાસેથી મોબાઈલ મળી આવ્યા અને સુરેન્દ્રનગરની સબજેલનો એક વિડીયો વાયરલ થયો હતો. તેમાં મોબાઈલ સહિત અન્ય ફેસેલીટી બેરોકટોક મળતી હોવાના ખુલાસા સામે આવ્યા. બીજી તરફ નવાઈની વાત એ છે કે અત્યારસુધી મળી આવેલા મોબાઈલ હાઈપ્રોફાઈલ કેસના આરોપી પાસેથી મળી આવ્યા હોય તેવું વધારે જોવા મળ્યું હતું. આમ તો જેલને સુધારણા કેન્દ્ર કે કારાગૃહ કહેવામાં આવે છે. પણ તેવી જેલની અંદર ગુનેગારો મોબાઈલનો પણ ઉપયોગ કરે છે તે જોતા એવું લાગે કે જેલ કારાગૃહ નહીં પણ ગોરખધંધા માટેની પરમીશનવાળી દુકાન હોય. ત્યારે છેલ્લા 5 વર્ષમાં અમદાવાદ સેન્ટ્રલ જેલમાંથી 17૩ જેટલા મોબાઈલ અને 73 સીમકાર્ડ મળી આવ્યા છે. જે અંગે 192 આરોપીની ધરપકડ પણ કરવામા આવી છે. જોકે આ સિલસિલો હજી પણ ચાલુ છે. જે અટકવાનુ નામ લેતો નથી.
આ પોલીસ ચોપડે નોંધાયેલ ડીટેઈલ છે જેની તપાસ હાલ એસઓજી કરી રહી છે. આ ચોકાવનારા આંકડા સામે આવતા એ સમજવું મુશ્કેલ નથી કે જે જેલમાં બ્લાસ્ટ કેસના આરોપીઓ, કુખ્યાત વિશાલ ગોસ્વામી જેવી ગેંગ, અને ખુંખાર આરોપીઓ રાખવામાં આવ્યા છે. એ ખરેખર જેલ જ છે કે ગોરખઘંધા માટેની પરમીશનવાળી દુકાન?. રાજ્યની અલગ અલગ જેલમાં વિજીલન્સ ટીમ રાખવામાં આવી હોય છે અને તે અચાનક ચેકિંગ કરે છે. તેવા જ એક ચેકીંગ દરમિયાન નવી સાબરમતી જેલની હાઈ સિક્યુરીટી ઝોનમા રહેતા આરોપી કિશોર ભાવસિંહ રાઠોડ કે જે કરોડોના ડ્રગ્સ કેસનો આરોપી છે, બિરઝુ સલ્લા કે જે પ્લેન હાઈઝેકીંગ કેસનો આરોપી છે, 2600 કરોડના બેંક કૌભાંડમાં પકડાયેલ અમિત અને સુમિત ભટનાગર બંધુઓ છે, તેમની બેરેક પાસેથી આ મોબાઈલ અને સિમકાર્ડ મળી આવ્યા હતા. સાથે જ એસઓજી દ્વારા પણ અઠવાડિયે વિઝીટ અને સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવતી હોય છે. ત્યારે આટલી મોટી સંખ્યામાં મોબાઈલ મળી આવવા એ ખુબ જ ગંભીર બાબત કહી શકાય.
વાંચવા માટે અહીં ક્લિક કરો: રાજપુતો પણ મરાઠાની જેમ અનામત આપવાની માગ કરવા OBC પંચ પહોંચ્યા
સામાન્ય રીતે કેદીઓ પોતાના પરિવાર સાથે વાત કરવા માટે ટેલીફોન બૂથ બનાવવામાં આવ્યું છે. જેનો ઉપયોગ કરી ત્યાં રાખવામાં આવેલા રજીસ્ટરમાં એન્ટ્રી કરી ફોનનો ઉપયોગ કરી શકાય છે. ત્યારે આખરે ગુનેગારોને મોબાઈલથી વાત કરવાની જરૂરત કેમ ઉભી થાય છે? એ સવાલ મહત્વનો છે. અને જેલમા મોબાઈલ પહોંચે છે કેવી રીતે તે અતિ ગંભીર વાત છે. પોલીસ તપાસમા સામે આવેલી માહીતી અંગે વાત કરીએ તો ગુનેગારો જેલમાં બેઠા બેઠા પોતાના ગોરખ ધંધા ચલાવવા માટે મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે. તો અત્યાર સુધીની તપાસમાં એ પણ હકીકત સામે આવી છે આરોપીઓ મોબાઈલ રાખી ખંડણી, ધમકી આપવી વગેરે જેવા ગુના કરતા હોય છે. થોડા સમય અગાઉ જેલમા ફરજ બજાવતા તમામ પોલીસ કર્મીની આંતરીક બદલી કરવામા આવી છે અને તેમ છતાં પણ સુરેન્દ્રનગરની સબ જેલમાંથી મોબાઈલ આસાનીથી મળી રહે છે અને સાથે અન્ય વસ્તુઓ પણ ઉંચી કિંમત આપવાથી જેલ સિપાહી કે અન્ય મદદગારો પૂરી પાડતા હોય છે.
એક તરફ જેલમાથી મળી આવતા મોબાઈલો તો બીજી તરફ જેલના અધીકારી અને સ્ટાફની આંતરીક બદલી. જોકે સિક્કાની બે બાજુ સમાન કેદી અને સુરક્ષા કર્મીની મિલિભગત વિના જેલમા મોબાઈલ પહોંચવા કોઈ કાળે સક્ય નથી, માટે જ જો જેલની 20 ફુટ ઉંચી અને સુરક્ષીત જેલોમા ચાલતા ગોરખધંધા બંધ કરવા હશે તો સુરક્ષાકર્મીઓ સાથે કેદીઓની સાંઢગાંઢ અટકાવવી પડશે અને જો તે અટકાવી શકાશેતો જ જેલનો ખરો અર્થ સાર્થક થસે અને તે કેદીઓનુ સુધારણા ગૃહ બની શકશે. ત્યારે જોવુ એ રહ્યુ કે આખરે તે શક્ય ક્યારે બને છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે