સુરત એરપોર્ટ આજથી ફરી ધમધમશે, વોટન કેનનથી નવી ફ્લાઈટનું સ્વાગત કરાયું

કોરોનાને કારણે સુરત એરપોર્ટ પર બંધ થયેલી હવાઈ સેવા ફરી વખત શરૂ થઈ ગઈ છે. આજથી એર ઇન્ડિયા એરલાઇન્સ પાંચ શહેરને જોડતી ફ્લાઇટ શરૂ કરી

સુરત એરપોર્ટ આજથી ફરી ધમધમશે, વોટન કેનનથી નવી ફ્લાઈટનું સ્વાગત કરાયું

તેજશ મોદી/સુરત :સુરતમાં કોરોનાકાળમાં ધીમું પડેલ એરપોર્ટ આજથી ફરીથી ધમધમશે. એર ઇન્ડિયાની નવી ફ્લાઇટનું વોટર કેનનથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ, ક્વોરેન્ટાઈનને લઇને નિયમો હળવા થતા ફ્લાઇટો વધી છે. જેનાથી સુરતના હીરા અને કાપડના વેપારીઓને ફાયદો થશે. તો બીજી તરફ, ફ્લાઈટ કાર્યરત થતા અન્ય રાજ્યોમાં ગયેલા કારીગરોને પણ પરત બોલાવી શકાશે. 

કોરોનાને કારણે સુરત એરપોર્ટ પર બંધ થયેલી હવાઈ સેવા ફરી વખત શરૂ થઈ ગઈ છે. આજથી એર ઇન્ડિયા એરલાઇન્સ પાંચ શહેરને જોડતી ફ્લાઇટ શરૂ કરી છે, જેનું વોટરકેનનથી સ્વાગત કરવામાં આવ્યું હતું. એરઈન્ડિયા બાદ સ્પાઇસ જેટ અને ઇન્ડિગો એરલાઇન્સ પણ તબક્કાવાર પોતાની ફલાઇટ શરૂ કરવા જઈ રહી છે. સુરત એરપોર્ટથી હાલમાં સ્પાઇસ જેટ અને ઇન્ડિગો એરલાઇન્સની મળી ત્રણ દિલ્હીની, એક બેંગ્લોરની, એક હૈદરાબાદની અને એક કોલકાત્તાની એમ 6 ફ્લાઇટ ઓપરેટ થઈ રહી છે. આજથી એર ઇન્ડિયા એરલાઇન્સ રવિવારે દિલ્હી, ગોવા અને હૈદરાબાદની તેમજ સોમવારે અને બુધવારે દિલ્હી, કોલકાતા અને ભુવનેશ્વરની ફ્લાઇટ ઓપરેટ કરનારી છે. આ અંગે સુરતના સાંસદ દર્શના જરદોષે જણાવ્યું હતું કે સુરતમાં હીરા અને કાપડ ઉદ્યોગમાં છુટછાટ અપાઈ છે, જેને કારણે હવે હવાઈ સેવાની મદદથી ખૂબ ઝડપથી ઉદ્યોગ ધમધમતો થશે, સાથે ઉડાન 4 યોજનાનો લાભ પણ સુરતને મળશે.

તો બીજી તરફ અનલોકને કારણે સુરતમાં ઉદ્યોગોનું જીવન ફરીથી પાટા પર આવી ગયું છે. હીરા ઉદ્યોગમાં હીરાઘસુઓ સૌરાષ્ટ્ર હોવાથી આ ઉદ્યોગમાં તેજી આવી છે. પરંતુ ટેક્સટાઈલ ઉદ્યોગના મોટાભાગના કારીગરો ઉત્તર પ્રદેશ અને ઓરિસ્સાના છે. યુપીના કારીગરો ધીરે ધીરે આવી રહ્યાં છે. પણ ઓરિસ્સાના કારીગરો અટકી પડ્યા છે. ફ્લાઈટ શરૂ થતા ભુવનેશ્વરની ફ્લાઇટથી કારીગરોને પણ લાવી શકાશે. તો હવે રિટર્ન ટિકીટ લઈને આવનાર વેપારીને રાહત થઈ જશે. સાથે જ તેઓને ક્વોરેન્ટાઈન થવાની જરૂર નહિ પડે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news