રાજકોટમાં ફિલ્મી ઢબે ચોરીનો ભેદ ઉકેલાયો, દુકાને વેપારીના દાગીના માટે સોનુ આવ્યું'ને કર્મચારીની દાનત બગડી
સમગ્ર મામલે ડીસીપી ઝોન 2ની લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શેખ નાસુરુદીન સાઈદુલ ઇસ્લામ ઉવ.22ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી 100 ટકા મુદ્દામાલ કબજે કર્યો છે.
Trending Photos
દિવ્યેશ જોશી/રાજકોટ: રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગત 11 એપ્રિલના રોજ પેલેસ રોડ પર આવેલી રાજશૃંગી કોમ્પ્લેક્સમાં એસ એન ઓર્નામેન્ટ નામની દુકાનમાં સોનાના દાગીના તથા રોકડ રકમની ચોરી થઈ હોવાની ફરીયાદ નોંધાઈ હતી. ત્યારે સમગ્ર મામલે ડીસીપી ઝોન 2ની લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શેખ નાસુરુદીન સાઈદુલ ઇસ્લામ ઉવ.22ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી 100 ટકા મુદ્દામાલ કબજે કર્યો છે.
એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગત 11મી તારીખના રોજ આઇપીસીની કલમ 454, 457, 380 મુજબ મોહિઉદ્દીન મલ્લિક નામના બંગાળી દ્વારા પેલેસ રોડ પર આવેલી એસ એન ઓર્નામેન્ટ નામની દુકાનમાં સોની કામગીરી મારુ તેમજ મારા પરિવારનું ગુજરાન ચલાવું છું. મારી સાથે ચાર જેટલા કારીગર પણ કામ કરે છે. સવારે 10:30 વાગ્યાના અરસામાં કારીગર સાદિકનો મને કોલ આવ્યો હતો અને જણાવ્યું હતું કે આપણા દુકાનમાં બધા ખાના તૂટેલા છે. તેમજ સોનાના દાગીનાની ચોરી પણ થયેલી છે. જે તે સમયે પ્રાથમિક રીતે 350 ગ્રામ સોનુ તેમજ સીસીટીવી કેમેરા નું ડીવીઆર સહિતના મુદ્દા માલ ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું હતું કે, ચોરીના ગુનામાં કોઈ જાણ ભેદુ છે. કારણ કે દુકાનની બહારના તમામ આંકડિયા લોક સહિતની વસ્તુઓ તોડ્યા વગર ચોરીનો બનાવ બન્યો હતો. તેમજ કોઈએ દુકાનની પાછળના ભાગમાં રહેલ બારીમાંથી પ્રવેશ કર્યો હોય તેવું જણાઈ આવ્યું હતું. જેથી પોલીસ દ્વારા દુકાનની અંદર કામ કરનારા તમામ લોકોની આકરી પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ તમામ લોકો ઘટનાથી અજાણ હોવાનું જણાવતા હતા. તેમજ ઘટનાના બીજા દિવસથી જ તમામ લોકો રાબેતા મુજબ દુકાન ખાતે કામ કરવા આવતા હતા.
આ સંજોગોમાં દુકાનમાં કામ કરનારા કારીગરો પર શક હોવા છતાં તેમની આ ગુનામાં સંડોવણી છે કે કેમ તે કહેવું મુશ્કેલ હતું. આ સંજોગોમાં ડીસીપી ઝોન ટુ સુધીર દેસાઈ ની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા બનાવના સ્થળથી લઈ આરોપીના ઘર સુધીના જુદા જુદા 80 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ અને તેમજ ટેકનિકલ સોર્સના માધ્યમથી જે જગ્યાએ ચોરી થઈ હતી તે જગ્યાએ કામ કરનાર શેખ નાસુરૂદીન જ ચોર હોવાનું સામે આવતા તેના ઘરે તપાસ કરવામાં આવતા તેના ઘરેથી 13.30 લાખના સોનાના દાગીના તેમજ રોકડ 41500 મળી આવી હતી.
આરોપી છેલ્લા બે મહિનાથી બનાવવાની જગ્યાએ સોની કામ કરી રહ્યો હતો. જેથી તે બનાવવાની જગ્યાથી પૂરી રીતે વાકેફ હતો. દુકાનની પાછળના ભાગની બારીની ગ્રીલ તૂટેલી હતી જેનો લાભ લઈ તેને દુકાનમાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. દુકાનમાં કામ કરતો હોવાથી તેને જાણવા મળેલું હતું કે થોડા દિવસ પૂર્વે સોની કામનું મોટું કામ દુકાનમાં આવેલું છે. જેથી તે રાત્રિના સમયે મોઢા પર દુકાને બાંધીને એપાર્ટમેન્ટમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ એપાર્ટમેન્ટની અગાસી પર અંદાજિત દોઢેક કલાક રોકાણ કર્યું હતું.
એપાર્ટમેન્ટના તમામ લોકો પોતાનું કામકાજ છોડી પોતાના ઘરે ચાલ્યા જાય ત્યારબાદ તેને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. એક દોરડું આરોપીએ પિલરમાં બાંધ્યું હતું જ્યારે કે બીજું દોરડું તેને પોતાના કમરના ભાગે બાંધ્યું હતું. દોરડાના સહારે તે દુકાનની અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ દુકાનમાં રહેલ સોનું તેમજ રોકડની ચોરી કરી હતી. તેમજ પોલીસ સહિતના કોઈને શક ન થાય તે માટે ઘટનાના બીજા દિવસથી તે નિયમિત રીતે દુકાને પણ કામ કરવા આવતો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે