માવઠાથી ઉત્તર ગુજરાતનાં હાલ બેહાલ, શિયાળા વચ્ચે ચોમાસા જેવો માહોલ સર્જાયો

ગુજરાતમાં ભારે ઠંડી વચ્ચે અચાનક બે દિવસ પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોએ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ માવઠાને કારણે જીરાના પાકને વધુ નુકસાન થયું છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે મદદની આશ લગાવી બેઠા છે. 

માવઠાથી ઉત્તર ગુજરાતનાં હાલ બેહાલ, શિયાળા વચ્ચે ચોમાસા જેવો માહોલ સર્જાયો

બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયાઃ માવઠાંને કારણે રાજ્યના ઘણા ભાગોમાં રવિ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, ઉત્તર ગુજરાતમાં તો ઉભા પાકનો સોંથ વળી ગયો છે. ખેડૂતોની મહેનત પર માવઠાંએ પાણી ફેરવી દીધું છે. ખેડૂતો સહાય માટે સરકાર પાસે માગ કરી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી નુકસાનીનો રિપોર્ટ મંગાવ્યો છે. 

પ્રથમ નજરે આ દ્રશ્યો ચોમાસા દરમિયાનનાં લાગશે, પણ એવું નથી. આ દ્રશ્યો હાલનાં જ છે, જ્યારે ગુજરાતનાં ઘણા ભાગોમાં લોકોએ શિયાળામાં ચોમાસાનો અનુભવ કર્યો છે. ઉત્તર ગુજરાતનાં ઘણા ભાગોમાં તો માવઠાથી ઘણું નુકસાન થયું છે.

આ દ્રશ્યો બનાસકાંઠાના દાંતા પંથકના છે, જ્યાં રવિવારે કરા સાથે પડેલા ભારે વરસાદે ઘણું નુકસાન વેર્યું છે. મકાનોમાં વરસાદનાં પાણી ભરાઈ જતાં ઠંડી વચ્ચે લોકોની હાલાકી વધી છે. લોકોએ મકાનોમાંથી પાણી ઉલેચવાની ફરજ પડી હતી.

તો આ તરફ માવઠાને કારણે ખેતરમાં ઉભેલા શિયાળુ પાકને પણ નુકસાન થયું છે. અંબાજી પંથકમાં તો લીલા દુકાળ જેવી સ્થિતિ છે...આ વિસ્તારમાં ઘઉં, રાયડા સહિતનો પાક પાક ખેતરોમાં તૈયાર હતો..ઘઉંનો પાક હજુ ખેતરમાંથી લણવાનો જ હતો. ત્યાં વરસાદે પાકની સાથે ખેડૂતોની મહેનત પર પણ પાણી ફેરવી દીધું છે. ખેતરોમાં ઉભો પાક જમીનદોસ્ત થઇ ગયો છે...ખેડૂતો માટે હાલ કપરી સ્થિતિ સર્જાઈ છે. 

મહેસાણામાં પણ માવઠાના લીધે ખેતરમાં ઊભા પાકમાં નુકસાન થયું છે. ઘઉં, રાયડો, એરંડા, વરિયાળી, જીરું, ઈસબગૂલ અને ઘાસચારાના પાકને કમોસમી વરસાદની વધુ અસર થઈ છે...ખેડૂતો નુકસાન વળતર માટે સરકાર પાસે માગ કરી રહ્યા છે. સાબરકાંઠાના ચાર તાલુકામાં સતત બે દિવસ કમોસમી વરસાદ પડ્યો. જિલ્લાના ચાર તાલુકામાં કરા સાથ વરસાદ પડતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.

તો આ તરફ માવઠાં અને વાદળછાયા હવામાન વચ્ચે કેરીના પાકને પણ જોખમ સર્જાવાની ભીતિ છે. વલસાડમાં બે દિવસથી વાદળછાયા હવામાન વચ્ચે ધરમપુરના અંતરિયાળ વિસ્તારોમાં છૂટોછવાયો હળવો વરસાદ પણ પડ્યો છે, જેના કારણે આંબાવાડીઓમાં ફ્લાવરિંગના સમયે પાકને નુકસાન થવાની શક્યતા છે. જો હવામાન હજુ વાદળતાયું રહે તો કેરીના ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે. જેનાથી ખેડૂતો ચિંતામાં છે.

માવઠાંને કારણે ઉત્તર ગુજરાતમાં શિયાળુ પાક સૌથી વધુ પ્રભાવિત થયો છે, જેને જોતાં હવે કૃષિ વિભાગે માવઠાગ્રસ્ત વિસ્તારોમાંથી શિયાળુ પાકોને નુકસાનનો રિપોર્ટ મંગાવ્યો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે જીરૂના પાકને સૌથી વધુ નુકસાનની ભીતિ સેવાય છે. 2 લાખ 57 હજાર હેકટરમાં જીરૂનું વાવેતર કરવામાં આવ્યું છે. હવામાન સામાન્ય થયા બાદ તંત્રએ રિપોર્ટ મોકલવાનો રહેશે.. 

હાલ તો ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે તેમનાં પાકને માવઠાથી રાહત મળે, એવામાં કયા પાકને કેટલું નુકસાન થયું છે એ તો હવામાન સામાન્ય થયા બાદ જ સામે આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news