વડોદરા ક્રાઈમ સમાચાર : પરિવારે કર્યું પ્રેમલગ્ન કરનાર દીકરી અને જમાઈનું અપહરણ
Trending Photos
હાર્દિક દીક્ષિત/વડોદરા :વડોદરામાં પ્રેમ લગ્ન (love marriage) કરનાર એક યુવતી અને તેના પતિએ પોતાના જ પરિવારના સભ્યો વિરુદ્ધ અપહરણ (kidnapping) ની પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવતીનો આરોપ છે કે, તે તેના પતિ સાથે કારમાં પોતાના ઘરે જઈ રહી હતી, તે દરમિયાન તેના જ પરિવારના સભ્યોએ કારને આંતરી તેના પર હુમલો કર્યો હતો. બાદમાં તેનું અપહરણ કર્યું હતું.
પિયરના લોકોએ તેમના જ ઘરની દીકરીનું અપહરણ કર્યું છે. વડોદરાના સયાજીગંજ નવી જામવાડીમાં રહેતા અને ખાનગી ઓફિસમાં કામ કરતા દિપક ચોપદરે 3 વર્ષના પ્રેમ સંબંધ બાદ તેમના ઘરની સામે રહેતી સંજના પંજાબી સાથે ભાગી જઇને 13 તારીખે લગ્ન કરી લીધા હતા. બાદમાં સાંજે બંને પતિપત્ની સયાજીગંજ પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતાં અને પોતાના લગ્નનું પ્રમાણપત્ર રજૂ કરી પોલીસને સઘળી હકીકત જણાવી હતી. ત્યારબાદ બંને કારમાં બેસીને દિપકનાં માસીના ઘરે કરજણ જવા નીકળ્યાં હતાં, તે દરમિયાન સંજનાની મિત્ર ચૈતાલી ભાવસાર અને તરણજીત સિધ્ધુ બાઈક પર આવી અને સંજનાની બે બહેનો અને માસીએ તેમની કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો, પણ દિપકે ગાડી રોકી નહોતી.
આ પણ વાંચો : સુપર હોટ હીરોઈન બનશે સરપંચ? ગામ લોકોએ કહ્યું, આવા સરપંચ હશે તો ચાંદ પર પહોંચી જશે અમારું ગામ!
સોમવારે સાંજે 7 વાગ્યાના અરસામાં કાર જ્યારે રોઝરી સ્કૂલ પાસે પહોંચી ત્યારે સંજનાના પરિવારના 10 સભ્યો અલગ-અલગ વાહનોમાં આવીને ગાડી રોકી દિપક તથા તેના પરિવારને જેમ તેમ બોલીને ગાડીના આગળના ભાગનો કાચ તોડી નાખ્યો હતો.
સંજનાના માસીના પુત્ર ચિરાગ મલેકે દિપકને કારની બહાર કાઢીને માર મારી તેનાં કપડાં ફાડી નાખ્યાં હતાં. સંજનાની 3 બહેન અને તેની બહેનપણીએ સંજનાને ગાડીની બહાર ખેંચીને તેને રિક્ષામાં બેસાડીને નિઝામપુરા બાજુના રોડ પર લઈ ગયા હતા. જેથી દિપકના વકીલે સયાજીગંજ પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે સંજનાની ગણતરીના સમયમાં ભાળ મેળવી પતિને સોંપી હતી.
પોલીસે ચૈતાલી ભાવસાર, પ્રીતિ પંજાબી, રીતુ પંજાબી, રોશન મલેક અને અંજલી પંજાબી, તરણજીત સિઘ્ધુ, કુનાલ રાવત, ચિરાગ મલેક ઓમકાર ઉત્તેકર અને સુરજીત પંજાબીની ધરપકડ કરી છે. તેમજ આ કેસમાં એક એક્ટિવા, એક બાઇક, બે રીક્ષા અને એક કાર જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે