4 લાખ રૂપિયા સામે 1 કરોડની પઠાણી ઉઘરાણી, અમદાવાદનો આ કિસ્સો ખરેખર તમારી આંખ ઉઘાડી દેશે!

ચાર લાખની સામે એક કરોડની ઉઘરાણી કરનાર વ્યાજખોરો સામે ગુનો નોંધાયો છે. આરોપીએ ચાર લાખની સામે 62 લાખ રૂપિયા લીધા છે. 55 લાખની માંગ કરી આરોપી ધમકી આપતો હતો. આરોપીએ વેપારીની ગાડી પણ બોગસ સહીઓ કરી પચાવી પાડી હતી.

4 લાખ રૂપિયા સામે 1 કરોડની પઠાણી ઉઘરાણી, અમદાવાદનો આ કિસ્સો ખરેખર તમારી આંખ ઉઘાડી દેશે!

ઉદય રંજન/અમદાવાદ: શહેરમાં એક બાદ એક વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ રહી છે. શહેરમાં આશરે 80થી વધુ અરજીઓ પોલીસને મળતા પોલીસે વીસેક ગુના નોંધ્યા છે. ત્યારે અમદાવાદમાં એક એવી ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ જેમાં વ્યાજખોરે ચાર લાખની સામે વ્યાજ સહિત એક કરોડ રૂપિયાની માંગણી કરી ધમકીઓ આપી. જો કોઈ વ્યાજ ન આપે તો આરોપી કોર્ટમાં ચેક બાઉન્સની ફરિયાદ પણ કરી દઇ રૂપિયા કઢાવતો હતો.

અમદાવાદમાં વ્યાજખોરો બેફામ
ચાર લાખની સામે એક કરોડની ઉઘરાણી કરનાર વ્યાજખોરો સામે ગુનો નોંધાયો છે. આરોપીએ ચાર લાખની સામે 62 લાખ રૂપિયા લીધા છે. 55 લાખની માંગ કરી આરોપી ધમકી આપતો હતો. આરોપીએ વેપારીની ગાડી પણ બોગસ સહીઓ કરી પચાવી પાડી હતી.

પૂર્વ વિસ્તારના મણીનગર પોલીસ સ્ટેશનમાં આવી જ કંઈક હકીકત દર્શાવતી પોલીસ ફરિયાદ નોંધાઇ છે. એક વેપારી કે જેઓને થોડા વર્ષો પહેલા બિટકોઇનના મશીન ચાઇનાથી ઇમ્પોર્ટ કરી ભારત લાવવા હતા. પણ ભારત સરકારે ચાઇનાથી આવતા આ મશીન પર પ્રતિબંધ લાદી દેતા વેપારી આર્થિક રીતે ફસાઈ ગયા. તેથી તેને પાંચેક લાખની જરૂર ઉભી થઇ હતી. વેપારી તેના મિત્ર વર્તુળમાંથી રાહુલ ચૌહાણ નામના વ્યક્તિ પાસે પહોંચ્યા. ત્યારે તેની પાસે તેઓએ ચારેક લાખ રૂપિયા એક અઠવાડિયાના 10 ટકા વ્યાજે લીધા હતા. 

થોડા સમય સુધી તેઓએ ભરપૂર વ્યાજ ચૂકવ્યું પણ બાદમાં ફરી આર્થિક રીતે પડી ભાંગતા વેપારીએ મિત્રો પાસેથી ઉછીના લઇ લઇને આરોપી વ્યાજખોર રાહુલ ચૌહાણને 62 લાખ રૂપિયા ચૂકવી દીધા. આરોપીએ હજુય નાણા ઉઘરાવવાનું અને ધમકીઓ આપવાનું શરૂ રાખી વેપારીના ચેક પણ લઇ લીધા અને બાદમાં વેપારી પાસે પૈસા કઢાવવા અને તેઓને ફસાવવા ચેક રિટર્નના કેસ કરી દીધા. આમ ચાર લાખની સામે એક કરોડની ઉઘરાણી કરનાર આરોપી રાહુલ ચૌહાણે વેપારીની ખોટી સહીઓ કરી ગાડી પણ પચાવી પાડી.

આ એક વેપારી પાસેથી આરોપી ચાર લાખની સામે 62 લાખ રૂપિયા લઈ ચૂક્યો છે. હજુ 55 લાખની માંગણી કરી વારંવાર ધમકીઓ આપતો હતો. તેવામાં જ વ્યાજખોરો સામે સરકારે ડ્રાઇવ કરી અને લોકદરબાર યોજાતા વધુ એક મિસ્ત્રી કામ કરતા વેપારી સામે આવ્યા. જેઓએ પણ વ્યાજખોર રાહુલ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવવા તૈયાર થઈ ગયા. મિસ્ત્રી કામ કરનાર હરીશ ભાઈએ આરોપી પાસેથી ત્રણ લાખ રૂપિયા પાંચ ટકા વ્યાજે લીધા હતા પણ આરોપી તેમની પાસેથી પણ 15 લાખ ઉઘરાવી ચૂક્યો હતો.

આરોપીએ આ વેપારીના ચેક પણ લઇ લીધા અને તેમની સામે ચેક રિટર્નનો કેસ કરી ફસાવવાનો પ્રયાસ કર્યો. જો કે, આ આરોપી રાહુલ સામે બે બે ફરિયાદ નોંધાતા પોલીસે એક ગુનામાં તેની ધરપકડ કરી અને બીજા ગુનામાં ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે. જો કે પોલીસે પણ યોગ્ય કાર્યવાહી કરી આરટીઓની મદદથી એક વેપારીની ગાડી પરત અપાવવા મદદ શરૂ કરી છે.

આરોપી રાહુલ ચૌહાણનો ભાઈ ફ્રેક્ચર ગેંગ સાથે સંકળાયેલો છે. તે અનેક લોકોને આ રીતે વ્યાજે નાણાં આપી ત્રણથી પાંચ ગણી રકમ ઉઘરાવી ચૂક્યો છે અને સાથે જ અનેક લોકોના ચેકો લઇ ચેક રિટર્નના કેસ કરી લોકોને ફસાવવામાં માહેર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તો આરોપી સામે અગાઉ પણ અન્ય પ્રકારના ગુના પોલીસ ચોપડે નોંધાયા હોવાનું સામે આવતા પોલીસે તે બાબતે પણ કાર્યવાહી શરૂ કરી કડક સજા થાય અને વેપારીઓને ન્યાય મળે તે દિશામાં કામગીરી શરૂ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news