બજેટ 2020: 'આવકવેરો કાઢી નાખો તો પણ આ દેશને કોઈ ફરક ન પડે, વધુ છૂટ આપવી જોઈતી હતી'
આ બજેટ બાદ અનેક નિષ્ણાંતોએ ઝી 24 કલાક સાથે બજેટ અંગે ચર્ચા કરી જેમાં નાણાકીય નિષ્ણાંત અને પૂર્વ કેબિનેટ મંત્રી જયનારાયણ વ્યાસે પણ બજેટના સારા ખોટા પાસા અંગે માહિતી આપી.
Trending Photos
અમદાવાદ: નાણામંત્રી નિર્મલા સીતારમણે ( nirmala sitharaman) વર્ષ 2020-21 માટેનું સામાન્ય બજેટ સંસદમાં રજુ કર્યું. પોતાના બજેટ ભાષણમાં નાણામંત્રીએ સમાજના તમામ વર્ગો માટે મોટી જાહેરાતો કરી. પરંતુ જે જાહેરાતની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં તે બજેટ ભાષણના લગભગ 2 કલાક બાદ થઈ. નાણામંત્રીએ કહ્યું કે વિકાસ માટે ટેક્સ સંરચનામાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યાં છે. કોર્પોરેટ ટેક્સને 15 ટકા કરાયો છે. આ ઉપરાંત નીચલા તબક્કાને અત્યાર સુધીની મોટી રાહત આપી છે. હકીકતમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે ટેક્સ છૂટની જાહેરાત કરી છે. આ બજેટ બાદ અનેક નિષ્ણાંતોએ ઝી 24 કલાક સાથે બજેટ અંગે ચર્ચા કરી જેમાં નાણાકીય નિષ્ણાંત અને પૂર્વ કેબિનેટ મંત્રી જયનારાયણ વ્યાસે પણ બજેટના સારા ખોટા પાસા અંગે માહિતી આપી.
આ વખતે બજેટ સ્પીચમાં નાણામંત્રીએ પોતાનો જ રેકોર્ડ તોડ્યો જે અંગે જયનારાયણ વ્યાસે કહ્યું કે "લાંબી લાંબી વાત કરો તો તેમાંથી બહુ નીપજે નહીં. અર્થવ્યવસ્થા જે રીતે જઈ રહી છે તે જોતા એમ લાગતું હતું કે મોટા રિફોર્મ્સ કે વાતો આવશે જેથી અર્થવ્યવસ્થાને વેગ મળે. બજેટમાં સારી જાહેરાત થઈ છે કેટલાક સારા પાસે છે જેમ કે આવકવેરા પર થયેલી જાહેરાતો. પરંતુ જે ખરો કેચ છે તે નિર્મલા સીતારમણે કહ્યું કે 100 એક્ઝેમ્પશન છે આવકવેરામાં ડીડક્શન માટે જેમાંથી 70 તેમણે કાઢી નાખ્યા છે જે કયા છે તે ખબર નથી અને 30 રિવ્યુ કરવાના છે. એટલે કે આ જે ટેક્સ સ્લેબ ઘટાડ્યો તેમાં એક્ઝેમ્પશન કેટલા ખવાયા છે તે જ્યા સુધી ના જાણો ત્યાં સુધી તમને ટેક્સ સ્લેબમાં કેટલો ફાયદો થયો તે જાણી ન શકો. જીએસટીમાં રાહતો આપવામાં આવી છે. ગૃહ વપરાશની ચીજો પર જીએસટી ઘટાડ્યો તે આવકારદાયક છે. ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ કાઢી નાખ્યો જેની અપેક્ષા હતી તે આ બજેટનું જમા પાસું છે. પણ ફિસકલ ડેફિસિટ (નાણાકીય ખાદ્ય fiscal deficit) આ વર્ષ માટે 3.3 ટકા નિર્ધારિત હતી તેની જગ્યાએ નાણામંત્રીએ 3.8 ટકા રાખી છે. અને આવતા વર્ષે 3 ટકા થવાની હતી તેની જગ્યાએ 3.5 ટકા એટલે આવતું વર્ષ પણ કઈ સરપ્લસનું વર્ષ નહીં હોય."
તેમણે કહ્યું કે "જે તકલીફ છે તે તમે ગઈ કાલે જે આર્થિક સર્વેક્ષણ રજુ કરો છો તેમાં રિયલ જીડીપી ગ્રોથ 6 થી સાડા સાત ટકા થશે તેમ કહો છો અને આજે બજેટમાં નોમિનલ જીડીપી 10 ટકા થશે તેમ કહો છો. નોમિનલ જીડીપી અને રિયલ જીડીપી સામાન્ય માણસ સમજતો નથી. નોમિનલ જીડીપીમાંથી ફુગાવો ઘટાડો એટલે રિયલ જીડિપી ગ્રોથ આવે. આમાં ઈફ્સ એન્ડ બટ્સ ઘણા છે. આ બજેટ સારૂ છે તેમ કહેવું પણ ઉતાવળીયું અને ખરાબ છે તેમ કહેવું પણ ઉતાવળીયું છે. દર્દી જ્યારે બહુ બીમાર હોય સિરિયસ હોય અને ઓપરેશનની જરૂર હોય તો ગોળી કે ઈન્જેક્શનથી ચાલતું નથી. બજેટમાં એવી અપેક્ષા હતી કે કઈંક એવું આવે કે અર્થવ્યવસ્થામાં એકદમ ઉછાળ આવે. માણસના ખર્ચા વધી શકે, હાથમાં ડિસ્પોઝેબલ ઈન્કમ વધે. ખેડૂતની આવક બમણી કરવાની વાત કરીએ છીએ પરંતુ અત્યારે ખેતીનો ગ્રોથ 3 ટકાથી નીચે છે. જો 2022માં ખેડૂતની આવક બમણી કરવી હોય તો ખેતીનો ગ્રોથ 10થી 12 ટકા જોઈએ. 10થી 12 ટકા એગ્રીકલ્ચર ગ્રોથ આ દેશના ઈતિહાસમાં ક્યારેય થયો નથી કે થવાનો નથી."
ખાસ જુઓ VIDEO
તેમણે વધુમાં કહ્યું કે "5 ટ્રિલિયન ઈકોનોમીની વાત છે તો સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે સાડા અઢાર ટકા તમારી અર્થવ્યવસ્થાનો ગ્રોથ હોય તો તમે 2025માં 5 ટ્રિલિયન ઈકોનોમી પર પહોંચો. કેટલીક વાતો વાસ્તવિક રીતે અવાસ્તવિક લાગે છે જેનો જવાબ આ બજેટમાંથી મળશે એમ હું માનતો હતો. હજુ સુધી શોધી શક્યો નથી. નિરાતે વાંચું તો કદાચ મળી શકશે."
આવકવેરો કાઢી નાખો તો પણ કઈ ફરક પડતો નથી
જયનારાયણ વ્યાસે કહ્યું કે "મેં 2018-19ના વર્ષના જે રિટર્ન ફાઈલ થયા સાડા 3 કરોડ તેનું એનાલિસિસ કર્યું જે મુજબ 1 ટકા કરદાતાઓ પાસેથી 70 ટકા આવક મળે છે. 72 ટકા રિટર્ન ફાઈલ કરનારા 2.5 લાખથી 9 લાખની આવકવાળા, સાડા 40 ટકા 0 ટેક્સવાળા છે. હવે આ પરિસ્થિતિમાં ટોપના ઈન્કમટેક્સ પેયર્સ છે તેમને તો આ જાહેરાતોથી કોઈ અસર થવાની નથી. એટલે કે આવકવેરામાં પણ તેનાથી કોઈ ફરક નહીં પડે. સુબ્રમણ્યમ સ્વામી કહેતા હતાં કે આવકવેરો કાઢી નાખો તો પણ આ દેશને કઈ બહુ ફરક પડતો નથી. તે વાત સાથે હું સહમત છું એટલે આ છૂટછાટ જે આપી તે વધારે લીબરલી થઈને આપી હોત તો નોકરીયાતો માટે ઘરખર્ચ બાદ બીજા ખર્ચા માટે આવક હાથમાં રહેત. જો કે આ પગલું પણ એક પોઝીટીવ દિશામાં લેવાયેલું પગલું છે. જો કે અત્યારે તો એ જોઈ શકાય છે કે બચત થાય છે પરંતુ પેલા 70 એક્ઝેમ્પશન કયા છે તે જાણ્યા પછી ચોક્કસ અંદાજો આવે."
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે