PHD કરનારા વિદ્યાર્થીઓને સરકાર આપશે લાખો રૂપિયાની સહાય, જાણો કોને મળશે લાભ

હાલ ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાતના શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ મહત્ત્વની જાણકારી આપતા જણાવ્યું હતુંકે, શોધ યોજના હેઠળ વર્ષ ૨૦૧૯થી અત્યાર સુધીમાં PHD કરતા ગુજરાતના   કુલ ૩,૫૪૬ વિદ્યાર્થીઓને રૂ. ૯૦ કરોડથી વધુની સહાય ચુકવાઈ છે.

PHD કરનારા વિદ્યાર્થીઓને સરકાર આપશે લાખો રૂપિયાની સહાય, જાણો કોને મળશે લાભ

ગાંધીનગર: ગુજરાત સરકારની માન્ય યુનિવર્સિટી અથવા રીસર્ચ સંસ્થામાં પી.એચ.ડી. કોર્સમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાના ગુણવત્તાયુક્ત સંશોધન માટે આર્થિક સહાય પૂરી પાડતી શોધ યોજના વિશે પુછાયેલ પ્રશ્નના ઉત્તરમાં શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું હતું કે,  શોધ યોજના હેઠળ વર્ષ ૨૦૧૯થી અત્યાર સુધીમાં  કુલ ૩,૫૪૬ વિદ્યાર્થીઓને  રૂ.૯૦.૩૫ કરોડની સહાય ચુકવવામાં આવી છે.

આ યોજનાનો લાભ માટે વિદ્યાર્થીઓએ https://shodh.guj.nic.in/  વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે. મંત્રી પાનસેરીયાએ ઉમેર્યું હતું કે, પી.એચ.ડી. કોર્સમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ પ્રતિ માસ રૂ.૧૫,૦૦૦નું સ્ટાઈપેંડ અને વાર્ષિક રૂ.૨૦,૦૦૦ અન્ય આનુષંગિક ખર્ચ પેટે વધુમાં વધુ બે વર્ષમાં મહત્તમ ચાર લાખ રૂપિયા સુધીની સહાય ચુકવાય છે. 

જે વિદ્યાર્થીઓએ અનુસ્નાતક કક્ષાએ ઓછામાં ઓછા ૫૫% મેળવ્યા હોય તેમને ગુજરાતની માન્ય સરકારી, સેકટોરલ કે ખાનગી યુનિવર્સિટી અથવા રીસર્ચ સંસ્થામાં પી.એચ.ડી. કોર્સમાં રેગ્યુલર ફુલ ટાઈમ મોડમાં પ્રવેશ મેળવ્યો હોય તેવા વિદ્યાર્થીઓને શોધ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news