હું અધ્યક્ષશ્રી બોલું તો ચોકઠું મોંમાંથી નીકળી જાય છે, કહીને મંત્રીએ વિધાનસભા ગૃહમાં ચોકઠું કાઢીને બતાવ્યુ હતું!!
A Samay Ni Vaat Chhe : ઠાકોરભાઈએ કહ્યું, ‘હું પ્રમુખશ્રી એટલે બોલ્યો કેમ કે મેં મારા દાંતનું ચોકઠું કરાવ્યું છે. હું અધ્યક્ષશ્રી બોલવા જાઉં તો એ શબ્દ એવો છે કે હોઠ ભેગા થાય તો મારું ચોકઠું મોંમાંથી નીકળી જાય તેમ છે
Trending Photos
ચિંતન ભોગાયતા/અમદાવાદ :આજકાલ આપણે જોઈએ છીએ કે ધારાસભ્યો વિધાનસભામાં હોબાળો કરીને વોકઆઉટ કરી દે છે અથવા તો ગૃહની ગરિમા નથી જાળવતા. એક સમય હતો જ્યારે ખેલદિલી ધરાવતા ધારાસભ્યો વિધાનસભાને યાદગાર બનાવતા. આવો જ ગુજરાતનો એક કિસ્સો યાદગાર છે.
આ એ સમયની વાત છે જ્યારે વર્ષ હતું 1967. તારીખ હતી ત્રણ ઓગસ્ટ. નિયમ મુજબ ધારાસભામાં સ્પીકરને માનનીય અધ્યક્ષશ્રી કહીને સંબોધન કરવાનું હોય છે. પણ એક દિવસ પંચાયત મંત્રી ઠાકોરભાઈ દેસાઈએ આ પ્રથાથી થોડા અલગ શબ્દો અધ્યક્ષ માટે ઉચ્ચાર્યા. ઠાકોરભાઈ પોતાના પ્રવચનના પ્રારંભમાં બોલ્યા 'માનનીય પ્રમુખ શ્રી'.
હવે અધ્યક્ષ શ્રીના બદલે પ્રમુખ શ્રી બોલતાં ગૃહમાં બધાને આશ્ચર્ય થયું. એવો ગણગણાટ થયો કે અધ્યક્ષ માટે સંબોધનની પ્રણાલી કેમ તોડાય? સભ્યોની ઉત્સુકતા વધી. તરત જ ઠાકોરભાઈએ વિધાનસભા ગૃહમાં જ પોતાના મોઢામાંથી દાંતનું ચોકઠું કાઢ્યું અને ધારાસભ્યોને બતાવ્યું. ઠાકોરભાઈએ કહ્યું, ‘હું પ્રમુખશ્રી એટલે બોલ્યો કેમ કે મેં મારા દાંતનું ચોકઠું કરાવ્યું છે. હું અધ્યક્ષશ્રી બોલવા જાઉં તો એ શબ્દ એવો છે કે હોઠ ભેગા થાય તો મારું ચોકઠું મોંમાંથી નીકળી જાય તેમ છે.’
તેમના આ નિવેદનથી વિધાનસભા ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યુ હતું. ઠાકોરભાઈએ આગળ કહ્યું કે, આ કારણ છે એટલે માનનીય અધ્યક્ષશ્રી, આપના પ્રત્યે પૂરા આદરથી માનનીય પ્રમુખશ્રી સંબોધું છું.
કેવો સરસ સસંદીય જવાબ. ગૃહ પણ ખુશખુશાલ અને સ્પીકર પણ ખુશ...
આવા નેતાઓ ગુજરાત વિધાનસભામાં જનતાનું પ્રતિનિધિત્વ કરવા જતા. ધાંધલ ધમાલ તો ત્યારે પણ થતી પણ આજે થાય છે એવી નહીં. વોકઆઉટ પણ થતાં જ પણ ગૃહમાં જ ધરણાં અને પ્રદર્શન, આ બધું એ સમયે કલ્પના બહાર હતું. અને હવે જુઓ. ગૃહને લાંછન લગાવતી ઘટનાઓ બને છે. ધારાસભ્યો મારામારી પર ઉતરી આવે છે. અપશબ્દોનું ઉચ્ચારણ થાય છે અને જનતાના મુદ્દા ઠેરના ઠેર રહી જાય છે.
જાણવા જેવું
14મી વિધાનસભામાં 18 રાજીનામાં પડતાં સૌથી વધુ પેટા ચૂંટણીઓ યોજાઈ, ગૃહને સ્થગિત રાખવાના 9 બનાવમાં 555 મિનિટનો સમય વેડફાયો. તો સામે 17 કલાક 40 મિનિટ સુધી વિધાનસભા ગૃહ ચાલવાનો રેકોર્ડ પણ 14મી વિધાનસભામાં જ સર્જાયો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે