સુરતના ઉધનામાં તબીબની પત્નીએ આધેડને વધુ ઇન્જેક્શન મારી દેતાં મોત, પરિવારનો મોટો આક્ષેપ
રિક્ષા ચલાવી બે પુત્ર સહિતના પરિવારનું પેટિયું રળતા ભટુભાઈને ગત તા. ૧૦મીએ છાતીમાં દુઃખાવો થતા સ્થાનિક વિસ્તારના યાદવ નામના ડોક્ટર પાસે સારવાર કરાવી હતી. ત્યારબાદ બીજા દિવસે ફરી ભટુ ભાઈને તબિયતમાં સુધારો નહીં જણાતા સાંજે સારવાર લેવા ગયા હતા.
Trending Photos
ઝી બ્યુરો/સુરત: ઉધના વિસ્તારના રિક્ષાચાલક આધેડનું તબીબી બેદરકારીને કારણે મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કરતા ચકચાર મચી ગઈ હતી. પરિવારજનોએ તબીબ દંપતીની ડિગ્રીને લઈ પણ શંકા વ્યક્ત કરતા ઉધના પોલીસ દ્વારા મૃતક આધેડનું સિવિલમાં પોસ્ટમોર્ટમ કરાવવા સાથે તબીબ દંપતીની ડિગ્રીની પણ તપાસ કરવામાં આવનાર છે.
મહારાષ્ટ્ર, પારોળાના બાદરપુરના વતની 45 વર્ષીય ભટુભાઈ નિંબાભાઈ પાટીલ પરિવાર સાથે ઉધના રોડ નં. 4 ખાતે નહેરુ નગરમાં રહેતા હતા. રિક્ષા ચલાવી બે પુત્ર સહિતના પરિવારનું પેટિયું રળતા ભટુભાઈને ગત તા. ૧૦મીએ છાતીમાં દુઃખાવો થતા સ્થાનિક વિસ્તારના યાદવ નામના ડોક્ટર પાસે સારવાર કરાવી હતી. ત્યારબાદ બીજા દિવસે ફરી ભટુ ભાઈને તબિયતમાં સુધારો નહીં જણાતા સાંજે સારવાર લેવા ગયા હતા.
પરંતુ બીજા દિવસે ડોક્ટરને બદલે તેની પત્નીએ ભટુ ભાઈને સલાઈન ચઢાવી તેમાં સાતથી આઠ ઇન્જેક્શન નાંખ્યા હતા. સલાઈન પૂર્ણ થયા બાદ ઘરે પરત ફરેલા ભટુ ભાઈએ ચક્કર આવી રહ્યા હોવાની ફરિયાદ કરતા પરિવારના સભ્યોએ તેમને 108-એમ્બ્યુલન્સમાં સિવિલમાં ખસેડ્યા હતા.
જોકે, સિવિલમાં તબીબી સારવાર મળે તે પહેલા ભટ્ટ ભાઈના પ્રાણપંખેરુ ઊડી ગયા હતા. ભટુ ભાઈની અણધારી વિદાય બાદ પરિવારના સભ્યોએ ડોક્ટર યાદવ અને તેની પત્નીની બેદરકારીને કારણે કુટુંબના મોભીનું મોત થયાનો આક્ષેપ કર્યો હતો. બંનેની ડિગ્રીને લઈ પણ પરિવારજનોએ શંકા વ્યક્ત કરી આક્ષેપ કરતા પોલીસ તપાસની માંગ કરી હતી.
ઉધના પોલીસે મૃતકનુ ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવવાની સાથે ક્લિનીક ચલાવતા તબીબ અને તેની પત્નીની ડિગ્રીની પાલિકા અને જિલ્લા આરોગ્ય વિભાગની મદદથી ખરાઈ કરવાની તજવીજ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમમાં મૃતકના વિશેરાના સેમ્પલ લઈએફએસએલમાં મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ ભટુભાઈના મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. બનાવ સંદર્ભે ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે