શું તમને પણ વાળ ખાવાની ટેવ છે?? ચેતી જજો, જાણો મહેસાણાથી આવેલી નેન્સીનો રસપ્રદ કિસ્સો
મૂળ ઉત્તરપ્રદેશ અને હાલ મહેસાણામાં પેટીયું રળી રહેલા સુર્યકાન્તભાઇ યાદવની દિકરી નેન્સીને છેલ્લા એક વર્ષથી પેટમાં દુખાવાની તકલીફ રહેતી હતી. આ તકલીફ વધુ ગંભીર બનતા તેઓ અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચ્યા.
Trending Photos
ઝી ન્યૂઝ/ મહેસાણા: શું તમને પણ વાળ ખાવાની ટેવ છે? ચેતી જજો આ કિસ્સો જરૂરથી વાંચજો. 9 વર્ષની નેન્સી યાદવના પેટમાંથી વાળનો વિશાળ ગુચ્છ નીકળ્યો! સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોનું માનવું છે કે ‘ઘણી કિશોરીઓ, યુવતીઓને પોતાના કે અન્યના વાળ ખાવાની અથવા વાળ ગળી જવાની ટેવ હોય છે ’ જે પેટમાં જઇને ગુચ્છ સ્વરૂપે ગાંઠ બની મહાકાય સ્વરૂપ ઘારણ કરે છે. જેને તબીબી ભાષામાં ટ્રાયકોબેઝોર તરીકે ઓળખવામાં આવે છે. ટ્રાયકોબેઝારની તકલીફ સાથે મહેસાણાથી આવેલી 09 વર્ષની નેન્સીને સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ કંઇ રીતે સંપૂર્ણપણે પીડામુક્ત કરી આવો જાણીએ આ રસપ્રદ કિસ્સો.
મૂળ ઉત્તરપ્રદેશ અને હાલ મહેસાણામાં પેટીયું રળી રહેલા સુર્યકાન્તભાઇ યાદવની દિકરી નેન્સીને છેલ્લા એક વર્ષથી પેટમાં દુખાવાની તકલીફ રહેતી હતી. આ તકલીફ વધુ ગંભીર બનતા તેઓ અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચ્યા. ત્યાના તબીબોને સમસ્યા વધુ ગંભીર જણાઇ આવતા દિકરીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવા જણાવ્યું. પરિવારજનો વિના વિલંબે દિકરીને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇને આવ્યા. અહીં તબીબો દ્વારા સી.ટી.સ્કેન, એક્સ-રે જેવા જરૂરી રીપોર્ટસ કરાવવામાં આવ્યા. જેમાં બાળકીના પેટમાં ગાંઠ હોવાનું નિદાન થયું.
સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબો દ્વારા સધન સર્જરી કરીને બાળકીને પીડામુક્ત કરવા અમદાવાદ સિવિલ મેડિસીટીની 1200 બેડ મહિલા અને બાળ રોગ હોસ્પિટલમાં ઓપરેશન માટે લઇ જવામાં આવ્યા. અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. જયશ્રી રામજી, એનેસ્થેસિયા વિભાગના ડૉ. સિધ્ધાર્થ અને તેમની ટીમ દ્વારા સર્જરી હાથ ધરવામાં આવી. સર્જરી દરમિયાન બાળકીના પેટમાં કાંપો મૂકી ખોલીને જોયું તો ટીમ સ્તબ્ધ થઇ ગઇ. પેટમાં વાળના ગુચ્છ સ્વરૂપે ગાંઠ હતી. આ વાળના ગુચ્છાએ પેટમાં હોજરીનું સ્વરૂપ ઘારણ કર્યું હતું જે કારણોસર તે ગાંઠ બની ગઇ હતી. જેને ભારે જહેમત બાદ સર્જરી દ્વારા સફળતાપૂર્વક દૂર કરવામાં આવી છે.
ડૉ. જયશ્રી રામજી જણાવે છે કે, આ પ્રકારની ગાંઠને ટ્રાયકોબેઝોર તરીકે ઓળખવામાં આવે છે. જે ખાસ કરીને યુવતીઓ, કિશોરીઓમાં વધારે જોવા મળે છે. ઘણી છોકરીઓને પોતાના અથવા તો અન્યના વાળ ખાવાની ટેવ હોય અથવા તો ભૂલથી વાળ ગળી જવાના કારણે આ પ્રકારની સમસ્યામાંથી પસાર થવું પડતુ હોય છે. તેઓએ વધુમાં જણાવ્યું છે કે, અમારી ટીમ દ્વારા જ્યારે પરિવારજનોને દિકરીની હિસ્ટ્રી પૂછવામાં આવી ત્યારે તેઓએ પણ જણાવ્યું કે છેલ્લા એક વર્ષથી બાળકીના વાળ ઓછા થતા હોય તેવું જણાઇ રહ્યું હતુ. આ વાતની અમને જાણ થતા અમે દિકરીનું મનોવૈજ્ઞાનિક તબીબો પાસે કાઉન્સેલીંગ પણ કરાવ્યું છે.
નેન્સીના પિતા સૂર્યપ્રકાશ યાદવ કહે છે કે, મારી દિકરીને પેટમાં દુખાવાની ઘણાં સમયથી ફરીયાદ હતી. સિવિલ હોસ્પિટલમાં આવ્યા બાદ તબીબોએ મારી દિકરીને પીડામુક્ત કરવા સર્જરી હાથ ધરી જે સંપૂર્ણપણે સફળ રહી છે. જે બદલ હું સિવિલ હોસ્પિટલના તબીબો અને રાજ્ય સરકારનો હ્યદયપૂર્વક આભારમાનું છું.
સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગ દ્વારા અગાઉ પણ ટ્રાઇકોબેઝોર સર્જરી કરવામાં આવી છે. યુવતીઓ, કિશોરીઓ કે જેમના વાળ ઓછા થતા હોય જેમને વાળ ખાવાની ટેવ હોય તેમને કાઉન્સેલીંગ કરાવવું પણ જરૂરી છે જેના થકી આ પ્રકારની મોટી સમસ્યામાંથી બચી શકાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે