શું વિરોધ બાદ જંત્રી વધારાના મુદ્દે નમતું જોખશે સરકાર? અચાનક નિર્ણય લાગુ કરાતા સરકાર સામે લોકોમાં રોષ

ગુજરાત સરકાર દ્વારા જંત્રીના ભાવમાં વધારો કરવાના નિર્ણય બાદ હજુ લોકોમાં અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. બીજીતરફ ક્રેડાઈ-ગાહેડ એસોસિએશનના ડેવલોપર્સે જંત્રીમાં વધારા બાબતે મુખ્યમંત્રી સાથે પણ બેઠક યોજી હતી. 
 

શું વિરોધ બાદ જંત્રી વધારાના મુદ્દે નમતું જોખશે સરકાર? અચાનક નિર્ણય લાગુ કરાતા સરકાર સામે લોકોમાં રોષ

બ્યૂરો રિપોર્ટ, ઝી મીડિયાઃ રાજ્ય સરકારે જંત્રીમાં કરેલો વધારો સોમવારથી અમલમાં આવી ગયો. મિલ્કતોનાં દસ્તાવેજ કરાવવા સબ રજીસ્ટ્રારની કચેરીઓ પર પહોંચેલા લોકો ખુશ નહતા. જેમણે મિલ્કતો ખરીદી હતી, પણ દસ્તાવેજ કરાવવાનાં બાકી હતા, તેમના પર નાણાકીય ભાર વધ્યો છે, જેની ચિંતા અને મૂંઝવણ લોકોનાં ચહેરા પર જોઈ શકાતી હતી. સાથે જ સમય આપ્યા વિના તાત્કાલિક નિર્ણય લાગુ કરી દેવાતા સરકાર સામે રોષ પણ હતો.

જંત્રી ભરનાર લોકોમાં એવા કિસ્સા પણ જોવા મળ્યા છે, જેમાં કોઈ વ્યક્તિએ અગાઉ જંત્રી ભરી દીધી હતી, પણ તેને ફરીથી એટલી જ રકમ ભરવા માટે કેહવાયું છે. આવી સ્થિતિ સર્જાતા કેટલાક લોકોએ વધારાની જંત્રી ભરવા ઉછીના રૂપિયા લેવાની પણ ફરજ પડી છે.

જો કે હજુ પણ કેટલા કિસ્સામાં જૂના દર પ્રમાણે જંત્રી ભરી શકાય છે. જો કે આ બાબત શરતોને આધીન છે...જો ચાર ફેબ્રુઆરી કે તે પહેલાં મિલ્કત ખરીદનાર અને વેચનારે કરાર પર સહી કરી હોય અને મોડામાં મોડા 6 તારીખ સુધી સ્ટેમ્પ મેળવ્યો હોય તો તેમના દસ્તાવેજ જુની જંત્રી પ્રમાણે થશે.

રાજ્યની કેટલીક સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં  સોમવારે અરજદારોની પાંખી હાજરી હોવા મળી. કચેરીઓમાં સામાન્ય દિવસો જેટલી ભીડ નહતી. જેની પાછળનું કારણ લોકોમાં હજુ પ્રવર્તતી મૂંઝવણ છે. વકીલો, રેવન્યુ બાર એસોસિએશન અને બિલ્ડરો પણ સરકારના નિર્ણયને વખોડી રહ્યા છે.

ક્રેડાઈ-ગાહેડ એસોસિએશનના ડેવલોપર્સે જંત્રીમાં વધારા બાબતે મુખ્યમંત્રી સાથે પણ બેઠક યોજી હતી. મુખ્યમંત્રીને લેખિતમાં આવેદન પણ અપાયું. બિલ્ડરોની માગ છે કે નવી જંત્રીનો અમલ પહેલી મેથી કરવામાં આવે. ક્રેડાઈના હોદ્દેદારોનું માનીએ તો મુખ્યમંત્રીએ તેમની માગણીઓ પ્રત્યે હકારાત્મક અભિગમ દેખાડ્યો છે..

હવે જોવું એ રહેશે કે જંત્રી બાબતે રાજ્ય સરકાર શું નિર્ણય લે છે. 100 ટકાના વધારા બાદ અમુક ટકા વધારો પરત ખેંચાય તો પણ નવાઈ નહીં, કેમ કે આગામી સમય ચૂંટણીઓનો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news