પૂરનો ખતરો! ગુજરાતના આ શહેરની શાળા-કોલેજોમાં આવતીકાલે રજા જાહેર કરાઈ
Vadodara Flood : વડોદરાની વિશ્વામિત્રી નદીની જળસપાટી વધીને 22 ફૂટ, વિશ્વામિત્રીની સપાટી વધતા નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, વડોદરામાં ભારે વરસાદના કારણે આવતીકાલે સ્કૂલ કોલેજમાં રજા જાહેર કરાઈ
Trending Photos
Vadodara News : ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ ઉદભવી છે. આવામાં વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં ફરી પૂરનું સંકટ ઉભું થયું છે. વડોદરા શહેરમાં સવારથી અત્યારસુધી 7 ઇંચ વરસાદ વરસ્યો છે. ડેસરમાં 5 ઇંચ, સાવલીમાં સાડા ત્રણ ઇંચ, વાઘોડિયામાં પોણા ત્રણ ઇંચ વરસાદ, ડભોઇમાં 2 ઇંચ, પાદરામાં 5 ઇંચ, કરજણમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે ઠેર ઠેર રોડ રસ્તા પર પાણી ભરાયા છે. શહેરના કારેલીબાગ મુક્તાનંદ સર્કલથી સંગમ ચાર રસ્તા સુધી રોડ પર પાણી ભરાયા છે. રોડ પાણીમાં ગરકાવ, ઘૂંટણસમા પાણીમાં જવા લોકો મજબૂર થયા છે. ત્યારે વડોદરામાં ભારે વરસાદના કારણે આવતીકાલે સ્કૂલ કોલેજમાં રજા જાહેર કરાઈ છે.
શાળા-કોલેજમાં રજા જાહેર
ભારે વરસાદને પગલે વડોદરામાં ભારે વરસાદના કારણે આવતીકાલે 27 ઓગસ્ટ, 2027 ના રોજ સ્કૂલ કોલેજમાં રજા જાહેર કરાઈ છે. જિલ્લા શિક્ષણાધિકારી આર આર વ્યાસે આ જાહેરાત કરી છે. સ્કૂલ સંચાલકોને પરિપત્ર મોકલી સ્કૂલમાં રજા આપવા સૂચના અપાઈ છે. આવતીકાલે પણ વડોદરામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
વડોદરા માટે ચિંતાજનક સમાચાર
- આજવા ડેમ ભયજનક સપાટીએ
- આજવા ડેમની જળસપાટી 213.95 ફુટે પહોંચી
- આજવા ડેમની મહત્તમ સપાટી 214 ફુટ
- અકોટા બ્રિજની જળસપાટી 30.13 ફુટ
- કાલાઘોડા બ્રિજની જળસપાટી 26.54 ફુટ
- સમા હરણી બ્રિજની જળસપાટી 28.43 ફુટ
અમદાવાદથી ખતરનાક વરસાદી સિસ્ટમ 150 કિલોમીટર દૂર, ત્રાટકી તો અમદાવાદ થશે પાણી પાણી
વડોદરા માટે ભયાનક આગાહી
અમદાવાદ, ભાવનગર, આણંદ અને વડોદરામા સિસ્ટમ સક્રિય થઈ છે. આજે અને આવતીકાલે બે દિવસ મેઘતાંડવની આગાહી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી કે, અમુક વિસ્તારમા 15 ઇંચથી વધારે વરસાદ વરસાની આગાહી છે. આગામી 36 કલાક ગુજરાત માટે ભારે વરસાદનો ખતરો છે. ડિપ્રેશન વધુ સ્ટ્રોંગ બન્યુ જેની અસરથી આવનારા 36 કલાકમા આટલા જિલ્લાઓમાં મેઘ તાંડવ થશે. ભારેથી અતિભારે વરસાદ પડશે. તેથી સાવધાન રહેજો.
વિશ્વામિત્રી નદીની સપાટી વધી
ભારે વરસાદને પગલે વડોદરાની વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 24 ફૂટ પર પહોંચી ગઈ છે. વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે. વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થતાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે. આજવા સરોવરની સપાટી વધીને 213 ફૂટ થઈ છે. 31 ઓગસ્ટ સુધી તંત્ર 212 ફૂટની સપાટી જાળવી રાખશે. આજવા સરોવરમાથી 62 દરવાજા ખોલી સતત વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
વડોદરામાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા
શહેરના એરપોર્ટ સર્કલથી સરદાર એસ્ટેટ ચાર રસ્તા સુધી ભરાયા પાણી છે. પરિવાર ચાર રસ્તાથી સોમા તળાવ ચાર રસ્તા સુધી મુખ્ય રોડ પર પણ પાણી જ પાણી છે. પાણી ભરાવાને કારણે વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. વડોદરામાં ભારે પવન સાથે વરસાદના 70 સ્થળોએ વૃક્ષ ધરાશાયી થયા છે. ફાયર બ્રિગેડ દ્વારા વૃક્ષોને દૂર કરવાની કામગીરી ચાલુ છે.
આનંદનગર સોસાયટીના 560 ઘરોમાં પાણી ઘૂસ્યા
વડોદરાના કારેલીબાગમાં આવેલ આનંદનગર સોસાયટીમાં પાણી ભરાયા છે. આનંદનગર સોસાયટીના 560 ઘરોમાં વરસાદી પાણી પહોંચ્યા છે. સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે, તો ઘરોમાં પગના પંજા ડૂબી જાય એટલું પાણી છે. સ્થાનિક લોકોએ કહ્યું કે, આવી સ્થિતિ છે છતાં સ્થાનિક કોર્પોરેટર, ધારાસભ્ય હજી સુધી જોવા નથી આવ્યાં. આનંદનગરમાં વર્ષોથી પાણી ભરાય છે. તંત્ર વરસાદી ગટર નથી બનાવતું. લોકોએ ઘરમાં પોતાનો સામાન ઊંચાઇએ મૂક્યો છે. લોકોએ કહ્યું, અમે હેરાન છે, અમારું સાંભળવા માટે કોઈ નથી.
મુખ્યમંત્રીએ વડોદરાની સ્થિતિની માહિતી મેળવી
મુખ્યમંત્રીએ ખાસ કરીને નવસારી , વલસાડ, ડાંગ, પંચમહાલ તથા વડોદરા અને છોટા ઉદેપુર સહિતના વધુ અસર ગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો સાથે તેમજ વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાથે કોન્ફરન્સ દરમિયાન વાતચીત કરીને તેમના જિલ્લામાં નદીઓના પાણીનો આવરો, ટ્રાફિક નિયમન તેમજ નીચાણ વાળા વિસ્તારોના લોકોના કરવામાં આવેલા સ્થળાંતરની ઝીણવટ પૂર્વકની સમીક્ષા કરી હતી.
નર્મદા ડેમની સપાટીમાં વધારો, વડોદરાના 42 ગામમાં એલર્ટ
ઉપરવાસમાંથી પાણીની આવક વધી રહી છે, જેને પગલે હાલ નર્મદા ડેમ 135.30 મીટરે પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી 3,37367 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ઉપરવાસમાંથી વધુ પાણીની આવક થવાના શકયતાને લઈ ડેમમાંથી પાણી વધુ છોડાયું છે. નર્મદા નદીમાં 3,95000 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. જેથી નર્મદા ડેમના 23 ગેટ સીઝનમાં પ્રથમ વાર ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમના 2.2 મીટર 23 ગેટ હાલ ખુલ્લા છે. નર્મદા ડેમમાં કુલ 4740.60 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. નર્મદા નદી બે કાંઠે થતા ભરૂચ, વડોદરા અને નર્મદાના 42 જેટલા ગામોને એલર્ટ કરાયા છે.
સાવલી તાલુકામાં મુશળધાર વરસાદના પગલે લસુંન્દ્રા ગામનું તળાવ ઓવર ફ્લો થયું. ગામ તળાવના પાણી ગામમાં ઘૂસ્યા છે, જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ગામમાં પ્રવેશવાના તમામ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ગામમાં પ્રવેશવાના રોડ પર ઢીચણ સમા પાણી ભરાયાં
ચાંદોદમાં નર્મદાનું રૌદ્ર સ્વરૂપ
યાત્રાધામ ચાંદોદ ખાતે નર્મદા નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. પંચાયત દ્વારા સાયરાન વગાડી ગ્રામજનોને ચેતવવામાં આવ્યા છે. નર્મદા નદીના પાણીમાં વધારો નોંધાતા પંચાયતે સાયરન વગાડ્યું. ઐતિહાસિક મહલરાવ ઘાટના 111 પૈકી 18 પગથિયાં ડૂબવાના બાકી રહી ગયા છે. બોટ અને નર્મદા સ્નાન પર તંત્રએ પ્રતિબંધ લગાવ્યો છે. ઘાટ ઉપર પોલીસ બંદોબસ્ત લગાવી દેવાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે