જિજ્ઞેશ મેવાણી સામે 2 હાથ જોડીને ચૌંધાર આંસુએ રડ્યો પરિવાર, જાણી લો શું છે આ મહેસાણાની ચકચારી ઘટના

જીગ્નેશ મેવાણીની હાજરીમાં જ પરિવારજનોએ હાથ જોડી, માથા પછાડીને આંક્રદ કરી મુક્યો હતો. સાથે હત્યારાઓને ઝડપી પાડવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની ચીમકી પણ આપવામાં આવી છે.

જિજ્ઞેશ મેવાણી સામે 2 હાથ જોડીને ચૌંધાર આંસુએ રડ્યો પરિવાર, જાણી લો શું છે આ મહેસાણાની ચકચારી ઘટના

તેજસ દવે, મહેસાણાઃ મહેસાણા જિલ્લાના વિસનગરમાં બનેલી ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી દીધી છે. વિસનગરના બાસણા ગામ નજીક બનાવ બન્યો છે. જેમાં એરંડાના ખેતરમાંથી નગ્ન હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. યુવતીની હત્યા પહેલા દુષ્કર્મ આચર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. યુવતીના કપડાં અને બેગ મૃતદેહના સ્થળથી 500 મીટર દૂર થી મળ્યા હતા. યુવતીનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો છે. 

હાલમાં યુવતીના મૃતદેહનો પોસ્ટ મોર્ટમ કરવા માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં જીગ્નેશ મેવાણી પરિવારજનોને મળવા પહોંચ્યા હતા. બીજી બાજુ જીગ્નેશ મેવાણીની હાજરીમાં જ પરિવારજનોએ હાથ જોડી, માથા પછાડીને આંક્રદ કરી મુક્યો હતો. સાથે હત્યારાઓને ઝડપી પાડવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની ચીમકી પણ આપવામાં આવી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, મહેસાણા-વિસનગર હાઇવે ઉપર આવેલા બાસણા ગામના પાટિયા નજીક ખેતરમાંથી નગ્નઅવસ્થામાં યુવતીનો મૃતદેહ મળી આવતા આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે. અને અલગ અલગ પ્રકારના તર્ક પણ લોકો લગાવી રહ્યાં છે. પોલીસે યુવતી કોણ છે અને ક્યાંની રહેવાસી છે તે દિશામાં તપાસ કરતાં બે દિવસ પહેલા ગુમ થયેલી દલિત પરિવારની દીકરી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પ્રાથમિક માહિતી અનુસાર વિસનગરના વાલમ ગામની યુવતીની લાશ હોવાનું પ્રાથમિક તપાસમાં વિગત સામે આવી છે.

મહેસાણા ખાતે આવેલા એક મોલમાં નોકરી કરતી દલિત પરિવારની દીકરીનો મૃતદેહ નગ્ન હાલતમાં મળતા યુવતી સાથે અઘટિત ઘટનાને અંજામ આપ્યા બાદ હત્યા કરી હોવાની આશંકા સેવાઇ રહી છે. યુવતીના શરીર ઉપરના તમામ કપડાં અને તેની પાસેની બેગ મૃતદેહથી 500 મીટર દૂર હાઇવે નજીક ખેતરમાંથી મળી છે. બે દિવસથી ગુમ યુવતીનો મૃતદેહ હત્યા થયેલી હાલતમાં મળતા વિસનગર સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઘટનાસ્થળે વિકૃત હાલતમાં અને જાનવર એ કરડી ખાધેલી હાલતમાં મૃતદેહ સુધી પહોંચેલી પોલીસ એ હત્યાની સાથે દુષ્કર્મની શંકા આધારે હત્યાનો ભેદ ઉકેલવા ચક્રોગતિમાન કરી દીધા છે. 

પ્રાથમિક તબક્કે યુવતીને ગળું દબાવી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. હાલમાં યુવતીની લાશને અમદાવાદ ફોરેન્સિક પીએમ અર્થે મોકલવામાં આવી છે. હાલ અમદાવાદ સિવિલમાંથી પરિવાર યુવતીનો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી રહ્યો છે. અને હોસ્પિટલમાં આ મુદ્દે ભારે હોબાળો પણ થયો. પીડિત પરિવાર હાલ ન્યાયની માગ કરી રહ્યો છે. જ્યાં સુધી પોલીસ દ્વારા સચોટ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહિ આવે તેવું પરિવારનું કહેવું છે. 

બીજી બાજુ દલિત દીકરીની હત્યાના બનાવ અંગે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી. દીકરીના મોત અંગે જીગ્નેશ મેવાણીએ દલિતો પર થતા અત્યાચારોને લઈને રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. દલિત પરિવાર જ્યારે જીગ્નેશ મેવાણી સામે આવ્યા ત્યારે રીતસરના હાથ જોડી, ન્યાય માટે કાકલુદી કરતા હોય તેમ નજરે પડ્યા હતા. એક તરફ દીકરીનો દેહ નગ્નાવસ્થામાં મળે છે અને બીજી બાજુ ઘટનાના 24 કલાક પછી પણ હત્યારાઓ ફરાર છે ત્યારે તેમણે મેવાણી સામે રીતસર માથા પછાડ્યા હતા. તેઓ પોતાની આ કમનસીબી પણ લાચાર નજરે પડી રહ્યા હતા. પોલીસ દીકરીને તાત્કાલિક ન્યાય અપાવે તે માટે ચોધાક આંસુએ રજૂઆત કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news