અંબુજા કમ્પનીમાં નોકરી અપાવવાના બહાને છેતરપીંડી કરતા 9 શખ્સોની સાયબર ક્રાઇમે કરી ધરપકડ
આરોપીઓ દિલ્હીમાં HDFC બેંકના ક્રેડિટ કાર્ડ સેલ કરવાના બહાને એક કોલ સેન્ટર ચલાવતા. આ લોકોએ nokri.comના ભળતા નામથી એક વેબસાઈટ બનાવી હતી અને તેમાં લોકો દ્વારા ભરવામાં આવતા બાયોડાટાના આધારે છેતરપિંડી આચરતા હતા.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદઃ અંબુજા સિમેન્ટ કંપનીમાં નોકરી અપાવવાના બહાને છેતરપીંડી કરતા 9 શખ્સોની અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે(Cyber Crime Branch) ધરપકડ કરી છે. આરોપીઓ nokri.com ના ભળતા નામની સાઇટ બનાવી નોકરી વાંચ્છુકો પાસેથી અલગ અલગ ફી પેટે રૂપિયા પડાવતા હતા. સાયબર ક્રાઈમની ટીમે ચોક્કસ બાતમીના આધારે નવ શખ્સોને દિલ્હીના લક્ષ્મી નગર વિસ્તારમાંથી ઝડપી લીધા છે.
આરોપીઓ દિલ્હીમાં HDFC બેંકના ક્રેડિટ કાર્ડ સેલ કરવાના બહાને એક કોલ સેન્ટર ચલાવતા. આ લોકોએ nokri.comના ભળતા નામથી એક વેબસાઈટ બનાવી હતી અને તેમાં લોકો દ્વારા ભરવામાં આવતા બાયોડાટાના આધારે છેતરપિંડી આચરતા હતા. તેઓ બાયોડાટા મોકલનાર વ્યક્તિનો સંપર્ક સાધીને સૌથી પહેલા તેને ડુપ્લિકેટ ઓફ લેટર મોકલીને વિશ્વાસ કેળવતા હતા. તેઓ વેબસાઈટ માટે બેન્ક એકાઉન્ટ ડિટેઈલ મેળવીને ફીના નામે પૈસા પણ ઉઘરાવતા હતા.
ઝડપાયેલા આરોપીઓએ અમદાવાદના એક વ્યક્તિ પાસેથી અંબુજા કંપનીમાં સારા પેકેજથી નોકરી અપાવવાના બહાને રૂ.4 લાખથી વધુની રકમ પડાવી લીધી હતી. આ વ્યક્તિની ફરિયાદના આધારે સાયબર ક્રાઈમે વિસ્તૃત તપાસ કરીને 9 આરોપીઓને ઝડપી લીધા હતા. તેમની પાસેથી 33 જેટલા મોબાઈલ ફોન, લેપટોપ સહિતની ઈલેક્ટ્રોનિક સામગ્રી પણ મળી આવી છે. સાયબર ક્રાઈમે આ કોલ સેન્ટર રેકેટમાં મુખ્ય સૂત્રધારને પકડવાની દિશામાં તપાસ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે