રાજ્યના 75 શહેર અને નગરમાં યોજાશે 'સાંસ્કૃતિક અમૃત યાત્રા', 23 માર્ચે સોમનાથથી થશે પ્રારંભ

પહેલાં ચરણમાં આ કાર્યક્રમ આગામી તારીખ 23 માર્ચે ચોપાટી ગ્રાઉન્ડ, સોમનાથ મંદિર સામે, સોમનાથ, તારીખ 24 માર્ચે, એગ્રીકલ્ચર યુનિવર્સિટી કેમ્પસ, ઓડીટોરીયમની પાછળ, મોતીબાગ, જુનાગઢ ખાતે યોજાશે. આ સમગ્ર આયોજનમાં નામી કલાકારો સાથે સ્થાનિક કલાકારો પણ પોતાની પ્રસ્તુતી કરશે

રાજ્યના 75 શહેર અને નગરમાં યોજાશે 'સાંસ્કૃતિક અમૃત યાત્રા', 23 માર્ચે સોમનાથથી થશે પ્રારંભ

હિતલ પારેખ, ગાંધીનગર: સમગ્ર દેશ જ્યારે આઝાદીની 75 મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે ત્યારે, કોરોનાના બે-બે કઠીન વર્ષ લગભગ પુરા થઇ ચુક્યા છે. ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ગુજરાતના પસંદ કરાયેલા 75 શહેરો અને નગરો ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત "આઝાદીની અમૃત યાત્રા" શિર્ષક હેઠળ જાણીતા કલાકારો દ્વારા દેશભક્તિ સહિતના જાણીતા ગીતો તથા આઝાદી સાથે જોડાયેલી અનેક ઘટનાઓને મલ્ટી મીડિયાના સહારે જીવંત કરી એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

પહેલાં ચરણમાં આ કાર્યક્રમ આગામી તારીખ 23 માર્ચે ચોપાટી ગ્રાઉન્ડ, સોમનાથ મંદિર સામે, સોમનાથ, તારીખ 24 માર્ચે, એગ્રીકલ્ચર યુનિવર્સિટી કેમ્પસ, ઓડીટોરીયમની પાછળ, મોતીબાગ, જુનાગઢ ખાતે યોજાશે. આ સમગ્ર આયોજનમાં નામી કલાકારો સાથે સ્થાનિક કલાકારો પણ પોતાની પ્રસ્તુતી કરશે.

આઝાદીના વિવિધ પ્રસંગોમાંથી ખાસ પ્રસંગોની પસંદગી કરી જાણીતા નાટ્ય લેખક - દિગ્દર્શક નિસર્ગ ત્રીવેદી એ. એ પ્રસંગોને નાટ્ય સ્વરૂપ આપી લેખન અને દિગ્દર્શનની બેવડી જવાબદારી સંભાળી છે. જ્યારે વિષય સાથે જોડાયેલા ચુનંદા ગીતો પર નૃત્ય નિર્દેશનની જવાબદારી જાણીતા નૃત્ય નિર્દેશક અંકુર પઠાણે સંભાળી છે. કોરોના કાળ પછી વધુમાં વધુ કલાકારોને આ કાર્યક્રમમાં સમાવી એક નોંધનીય રોજગારી ઉભી કરવાનો હકારાત્મક અભિગમ રાજ્ય સરકાર દ્વારા રાખવામાં આવ્યો છે.

આગામી તારીખ 23 માર્ચના રોજ સોમનાથ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં સ્થાનિક કલાકારો સાથે ગુજરાતના નામી કલાકારો સંગીતા લાબડીયા તથા બ્રીજરાજ લાબડીયા પોતાના સ્વરો રેલાવશે. તથા વિષય પ્રસ્તુતિ કરશે જુનાગઢથી શરૂ કરીને વિશ્વ કક્ષા સુધી પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે તેવી રાધા મહેતા. કાર્યક્રમનું સંચાલન જુનાગઢના જાણીતા કલાકાર રાજુભાઇ ભટ્ટ જ્યારે સ્થાનિક કલાકારોમાં પોતાની પ્રસ્તુતી કરશે. નિરૂ દવે, શિતલ નાણાવટી તથા અવધ ભટ્ટ.

આગામી તારીખ 24 માર્ચના રોજ જુનાગઢ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં સ્થાનિક કલાકારો સાથે ગુજરાતીઓના ગૌરવ સમા કલાકાર અને પાશ્વ ગાયક પાર્થિવ ગોહિલ પોતાના સ્વરો રેલાવશે. ગુજરાતના સુરીલા અને જાણીતા કલાકાર સાત્વની ત્રીવેદી અને બહાદુર ગઢવી પણ સાથે જોડાશે. જુનાગઢ ખાતે પણ રાધા મહેતા જુનાગઢ મુક્તિ દિન સહિતની વાતો સાથે સ્ટેજ શોભાવશે. ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર ડો. રણજીત વાંક કાર્યક્રમનું સંચાલન કરશે.

ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તરફથી યોજાનાર આ મેગા કાર્યક્રમને ગુજરાત પ્રવાસન નિગમ, જીલ્લા વહીવટી તંત્ર, શ્રી સોમનાથ ટ્રસ્ટ, જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, જુનાગઢ મહાનગર પાલિકા, સોમનાથ નગરપાલિકા સહિત બન્ને જીલ્લાના પ્રાભારી મંત્રીઓ, સંસદસભ્યો, ધારાસભ્યો અને સ્થાનિક આગેવાનોનો સહકાર મળ્યો છે.

આ કાર્યક્રમ પ્રેક્ષકો વિનામુલ્યે જોઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. બન્ને જગ્યાએ સાંજે 6:30 વાગ્યે યોજાનાર આ કાર્યક્રમમાં સૌ નગરજનોને ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચાર અહીં વાચો:-

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news