બરોડા ડેરીના વિવાદ મામલે સીઆર પાટીલ એક્શનમાં, આવતીકાલ સુધીમાં લેવાઈ શકે છે મોટો નિર્ણય

વડોદરાની બરોડા ડેરીમાં પશુપાલકોને વધુ ભાવફેર આપવા મામલે ડેરીના શાસકો અને ભાજપના ધારાસભ્યો સામ-સામે આવી ગયા છે. આજે રાત્રે ડેરીના તમામ ડિરેકટરો સાથે સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રભારી મુલાકાત કરશે

બરોડા ડેરીના વિવાદ મામલે સીઆર પાટીલ એક્શનમાં, આવતીકાલ સુધીમાં લેવાઈ શકે છે મોટો નિર્ણય

રવિ અગ્રવાલ/ વડોદરા: વડોદરાની બરોડા ડેરીમાં પશુપાલકોને વધુ ભાવફેર આપવા મામલે ડેરીના શાસકો અને ભાજપના ધારાસભ્યો સામ-સામે આવી ગયા છે. આજે રાત્રે ડેરીના તમામ ડિરેકટરો સાથે સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રભારી મુલાકાત કરશે. ત્યારે બરોડા ડેરીના વિવાદને લઈ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ એક્શનમાં આવ્યા છે. સી આર પાટીલે કેતન ઈનામદારને ફોન કરી વાતચીત કરી છે. આવતીકાલ સુધીમાં ભાવફેરને લઈને મોટો નિર્ણય લેવાઈ શકે છે.

કેતન ઇનામદાર આજે પશુપાલકો સાથે બરોડા ડેરી સામે બે દિવસના પ્રતિક ધરણા કરવાના હતા પરંતુ વડોદરા મકરપુરા પોલીસે તેમને પ્રતિક ધરણાની મંજૂરી આપી ન હતી. જેના કારણે તેઓએ સર્કિટ હાઉસ ખાતે જ ધરણા શરૂ કરી દીધા હતા. જો કે, કેતન ઇનામદારે ધરણા શરૂ કરતા જ તેમને મનાવવા માટે જિલ્લા ભાજપના પ્રભારી પરાક્રમ સિંહ આવી પહોંચ્યા હતા. તેમજ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ પણ સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતા. જો કે, પશુપાલકોને યોગ્ય ભાવફેરની રકમ મળવી જોઇએ તે વાત ગઈકાલે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ કરી હતી અને તેમણે કેતન ઇનામદારને સમર્થન આપ્યું હતું. ત્યારે તેઓ પણ અહીં પ્રતિક ધરણા માટે કેતન ઇનામદારને મળવા આવ્યા હતા.

પ્રતિક ધરણા મામલે ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું હતું કે, પરાક્રમ સિંહને વિશ્વાસ અને આશા છે કે, ભાવફેરની રકમમાં વધારો આવશે અને મને પણ એવું છે કે, જો અમારું મવડી મંડળ અંદર પડે તો સો ટકા પરિણામ સારૂં જ આવશે. પણ મને આ બરોડા ડેરીના સત્તાધિશો પર સહેજ પણ વિશ્વાસ નથી રહ્યો. ભાવફેરની રકમ અમને નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે અને ગુરુવારના અમારો હલ્લાબોલ કાર્યક્રમ યથાવત રહેશે અને આગળ જતા અમારી લડતને વધુ ઉગ્ર બનાવીશું. કેતન ઇનામદારે વધુમાં જણાવ્યું હતું કે, ભાવફેરની રકમમાં વધારા સિવાય અમારું આંદોલન નહીં સમેટાય. ભાવફેરની રકમ જ અમારા આંદોલનનો અંત છે.

જો કે, બરોડા ડેરીના વિવાદને લઈ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ એક્શનમાં આવ્યા છે. બરોડા ડેરીના વિવાદ મામલે સીઆર પાટીલે કેતન ઈનામદારને ફોન કરી વાતચીત કરી છે. કેતન ઈનામદાર સહિત જિલ્લા ભાજપના ધારાસભ્યો આજે સાંજે કે આવતીકાલે સવારે સી આર પાટીલ સાથે મુલાકાત કરશે. કેતન ઈનામદારે વાતને સમર્થન આપ્યું છે. આવતીકાલ સુધી ભાવફેરને લઈને મોટો નિર્ણય લેવાઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news