પત્નીને ભરણપોષણ ચૂકવવામાં નિષ્ફળ પતિને કોર્ટે ફટકારી 390 દિવસની સજા

પતિ સમયસર ભરણપોષણ ન ચૂકવતાં 39 માસની ખોરાકીની રકમ રૂ. 2,17,000 (અંકે રૂપિયા બે લાખ સત્તર હજાર) ચડી ગઈ હતી. જેમાં બંને પક્ષકારોને સાંભળ્યા બાદ અત્રેની ફેમિલી કોર્ટે એક માસના દસ દિવસ લેખે પતિને 390 દિવસની સાદી કેદની સજા ફટકારી હતી

પત્નીને ભરણપોષણ ચૂકવવામાં નિષ્ફળ પતિને કોર્ટે ફટકારી 390 દિવસની સજા

તેજશ મોદી, સુરત: પત્નીને ભરણપોષણ ચૂકવવામાં નિષ્ફળ ગયેલા પતિને સુરતની ફેમિલી કોર્ટે 390 દિવસની સજા ફટકારી છે. પતિ જેલમાં જતા બાકી રિકવરી વસૂલવા પત્નીએ રેવન્યુ રાહે કાર્યવાહી કરવાની રહેશે.

આ કેસની વિગત એવી છે કે, કતારગામ રેલ રાહત કોલોની ખાતે રહેતા મીનાબેનના લગ્ન તા. 05/12/2008 ના રોજ વેડરોડ સ્થિત વિજય નગર સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ (બન્ને પક્ષકારોના નામ બદલેલા છે) સાથે થયાં હતાં. જેમાં તેમને હાલ એક પુત્ર (ઉં.વ. 8) છે. જે પુત્ર મેન્ટલ ચેલેન્જ હોવાની જાણ થતાં પતિ પત્નિ વચ્ચે ઝગડાઓ શરુ થયાં હતાં તથા સાસુ અને નણંદ પણ નાની-નાની વાતે મીનાબેન સાથે ઝગડો કરતા હતા. જેનાથી કંટાળી તેમણે પિયરનો આશરો લીધો હતો અને પુત્ર તથા પોતાના માટે ભરણપોષણ મેળવવા એડવોકેટ અશ્વિન જે. જોગડિયા મારફતે સુરતની ફેમિલી કોર્ટમાં ભરણપોષણ મેળવવા અરજી કરી હતી. જે અરજીમા બાળકના રૂા. 2000 અને પત્નીના રૂા. 3500 મળી કુલ રૂા. 5500 દર મહિને ચૂકવવા પતિને કોર્ટે આદેશ કર્યો હતો.

દરમિયાન પતિ સમયસર ભરણપોષણ ન ચૂકવતાં 39 માસની ખોરાકીની રકમ રૂ. 2,17,000 (અંકે રૂપિયા બે લાખ સત્તર હજાર) ચડી ગઈ હતી. જેમાં બંને પક્ષકારોને સાંભળ્યા બાદ અત્રેની ફેમિલી કોર્ટે એક માસના દસ દિવસ લેખે પતિને 390 દિવસની સાદી કેદની સજા ફટકારી હતી. જો પતિ રિકવરીની રકમ ભરી દે તો પણ જેલ મુક્ત કરવાનો કોર્ટે હુકમમાં નિર્દેશ કર્યો હતો અને જો ન ભરે તો રિકવરીની રકમ રેવન્યુ રાહે પત્ની વસૂલી શકશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news