કોંગ્રેસના વધુ એક નેતાનુ વિવાદાસ્પદ નિવેદન, કહ્યું-11 ટકા માટે કોંગ્રેસ હાર્દિક-નરેશ પટેલ પાછળ પડી છે
Kadir Pirzada Controversy statement : કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ કદિર પીરજાદાએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, 11 ટકા માટે હાર્દિક-નરેશ પટેલ પાછળ કોંગ્રેસ પડી અને લઘુમતિને ભૂલી જાય છે. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવા સામેથી આવ્યા હતા. તમે એ ભૂલી ગયા છો કે લઘુમતીઓ કોંગ્રેસની સરકાર બનાવતા હતા
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરાત કોંગ્રેસના નેતાઓ હાલ નિવેદનબાજીથી ચર્ચામાં છે. એક પછી એક નેતાઓના નિવેદનોનો વિરોધ રહ્યો છે. જગદીશ ઠાકોરના લઘુમતીઓના નિવેદન બાદ હવે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ કદીર પીરજાદાને પાટીદાર અગ્રણી નરેશ પટેલ પર નિવેદન કરવુ ભારે પડ્યુ છે. રાજકોટમાં કોંગ્રેસના ધારાસભ્યએ કદીર પીરજાદાનો વિરોધ કર્યો છે. મહત્વનું છે કાદિર પીરજાદાએ નરેશ પટેલને ઉલ્લેખીને કરેલા નિવેદનથી પાટીદાર સમાજમાં રોષ છે. જેથી લલિત વસોયાએ જગદીશ ઠાકોરોને પત્ર લખી રોષ વ્યક્ત કર્યો.
શુ નિવેદન કર્યુ હતું
કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ કદિર પીરજાદાએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, 11 ટકા માટે હાર્દિક-નરેશ પટેલ પાછળ કોંગ્રેસ પડી અને લઘુમતિને ભૂલી જાય છે. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવા સામેથી આવ્યા હતા. તમે એ ભૂલી ગયા છો કે લઘુમતીઓ કોંગ્રેસની સરકાર બનાવતા હતા. અમે જગદીશ ઠાકોરને પહેલાથી કહેતા હતા કે, અમારા છે તેની તાકાતથી 120 સુધી પહોંચવાની કોશિશ કરો અને મને જોડો. અમને ભૂલી જશો તો શું થશે, અમને પ્રતિનિધિત્વ નહીં આપો તો શું થશે. ખુદ હી કો કર બુલંદ ઇતના, કી હર તકદીર સે પહેલે ખુદા બંદે સે ખુદ પૂછે ,બતા તેરી રજા કયા હે ? ફરીયાદ કરવાનું છોડી દો.
લલિત વસોયાએ પાર્ટીને પત્ર લખ્યો
ત્યારે કાદિર પીરજાદાના નિવેદનનો લલિત વસોયાએ વિરોધ કર્યો છે. લલિત વસોયાએ જગદીશ ઠાકોરને પત્ર લખીને રોષ વ્યક્ત કર્યો છે. તેમણે પત્રમા કહ્યુ કે, આવા નિવેદનથી પાટીદાર સમાજની લાગણીને ઠેસ પહોંચી છે, અને તેમાં ભારે રોષ ફેલાયો છે. આવા નિવેદનોથી પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે. આવા બેજવાબદારી ભર્યા નિવેદન ભવિષ્યમાં કોઇ ના કરે તેવી માંગ તેમણે કરી છે.
ઉલ્લેખનીય છે કે, કદીર પીરજાદાના આ નિવેદનનો દિનેશ બાંભણિયાએ પણ વિરોધ દર્શાવ્યો છે. તેમણે કહ્યુ કે, ગઇકાલે પીરજાદા કદિર ભાઇએ નરેશ પટેલને લઇને જે નિવેદન કર્યું છે તેને લઇને પાટીદાર સમાજમાં ખુબ જ દુઃખ અને આક્રોષની લાગણી ઉભી થઇ છે. ત્યારે, કોંગ્રેસ પ્રમુખને વિનંતી કરું છું કે, જવાબદાર હોવાના નાતે કોઇપણ સમાજ વિશે આવી ટિપ્પણી કરવી યોગ્ય નથી. તો આજને આજ માફી માંગવામાં આવે અને કોંગ્રેસ પક્ષ પોતાનો ખુલાસો કરે, વિનંતીની સાથે ચેતવણી પણ આપીએ છીએ. જો ટુંક સમયમાં માફી નહીં માગવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ હોદ્દેદારોનો વિરોધ કરીશું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે