રાતોની રાતો દિવાલો જોઈને વિતાવી, જેલ કરતા પણ વિકટ સ્થિતિ જોઈ : ભરતસિંહ સોલંકી

રાતોની રાતો દિવાલો જોઈને વિતાવી, જેલ કરતા પણ વિકટ સ્થિતિ જોઈ : ભરતસિંહ સોલંકી
  • ભરતસિંહ સોલંકીએ મીડિયાને જણાવ્યું હતું કે, પરમકૃપાળુ પરમાત્માના કારણે મને જીવતદાન મળ્યું છે. સિમ્સ હોસ્પિટલની ટીમનો ઋણી છું.
  • તેઓ સમગ્ર એશિયામાં સૌથી લાંબો સમય હોસ્પિટલમાં રહેનારા દર્દી બન્યા છે. 

આશ્કા જાની/અમદાવાદ :101 દિવસ બાદ પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ કોરોનાને મ્હાત આપી છે. 101 દિવસ બાદ આજે તેઓ પોતાના ઘરે પહોંચ્યા હતા. ત્યારે ભરતસિંહ સોલંકી (Bharatsinh Solanki) એ પોતાને નવુ જીવન મળ્યું હોય તેવું અનુભવ્યું હોવાનું જણાવ્યું. તો આ સાથે જ તેઓ સમગ્ર એશિયામાં સૌથી લાંબો સમય હોસ્પિટલમાં રહેનારા દર્દી બન્યા છે. 

ભરતસિંહ સોલંકી રાજ્યસભાની ચૂંટણી બાદ કોરોના સંક્રમિત થયા હતા. તેઓને હાઈ બ્લડપ્રેશર, કિડનીની બીમારી અને દમની સમસ્યા પણ હતી. 24 જુનના રોજ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 24 જુનના રોજ તેઓને વડોદરાની બેંકર્સ સુપર સ્પેશિયલ હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. જેના બાદ તબિયત વધુ લથડતા 7 જુલાઈના રોજ અમદાવાદની CIMS હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. 7 જુલાઈથી નિરંતર ચાલી રહેલી તેમના સારવાર બાદ આજે તેઓને ડિસ્ચાર્જ કરાયા હતા. 

હોસ્પિટલમાંથી બહાર નીકળીને ભરતસિંહ સોલંકીએ મીડિયાને જણાવ્યું હતું કે, પરમકૃપાળુ પરમાત્માના કારણે મને જીવતદાન મળ્યું છે. જેમાં સિમ્સ હોસ્પિટલની ટીમનો ઋણી છું. ગુજરાતના લાખો લોકો કાર્યકરોની પ્રાર્થના કામ આવી. મારા માટે આ જેલ કરતા પણ વિકટ પરિસ્થિતિ હતી. અહીંની ડૉક્ટરની ટીમ સતત અમેરિકાના ડોક્ટરો સાથે સંપર્કમાં રહી મારી સારવાર કરતા હતા. 

રાતોની રાતો લાઈટ અને દિવાલ જોઈને વિતાવી
ભરતસિંહ સોલંકીને રેમડેસીવીરના અને ટોસિલીઝુમાબના ઇન્જેક્શન અપાયા હતા. તો 4 જુલાઈએ પ્લાઝ્મા થેરાપી પણ અપાઈ હતી. તેઓને કસરત પણ વારંવાર કરાવવામાં આવતી હતી. આઇસીયુમાં ભરતસિંહ લકવાગ્રસ્ત પણ થયા હતા. ત્યારે તેઓએ હોસ્પિટલમાંથી વિદાય લેતા સમયે હોસ્પિટલના તબીબ અને સ્ટાફનો આભાર માન્યો હતો. તેઓએ કહ્યું કે, તમામનો આભાર કે જેમના થાકી મને જીવતદાન મળ્યું. તબીબોના અથાગ પ્રયત્નોથી આજે માપા પર જાદુ થયો હોય એવું લાગી રહ્યું છે, ખૂબ વિકટ પરિસ્થિતિમાં સમય પાસ થયો. એઈમ્સના રણદીપ ગુલેરીયા અને અમેરિકાના ડોકટરો સાથે કન્સલ્ટેશન બાદ આજે આ સ્થિતિએ છું. મને માનસિક પ્રેશર હતું કે, ક્યારે આનો અંત આવશે. તબીબોના પ્રયત્નો સફળ રહ્યા. કોવિડથી દર્દીને કેવીરીતે બહાર કાઢવો એનો હજી કોઈ રસ્તો નથી. જે લોકો હિંમત નથી હારતા તેઓ સાજા થાય છે. મને હતું કે મને કાંઈ ના થાય અને હું લોકો વચ્ચે ફરી આવું. પોઝિટિવ આવ્યા બાદ મારા જુના ફોટા અને હાલની સ્થિતિમાં તમને ઘણો બદલાવ લાગે છે. કોવિડમાં કેટલીક અસરો લાંબા સમયગાળાની હોય છે. મારા ફેફસામાં કાયમી અસરો જોવા મળી રહી છે. પહેલા કરતા વજનમાં પણ બદલાવ થયો છે. મારો અવાજ પણ બદલાયો છે, સમય જતા એમાં પણ સુધારો આવશે. રાતોની રાતો લાઈટ અને દિવાલો જોઈને વિતાવી છે. ભગવાનના સહારે સમય કાઢ્યો. માનસિક રીતે હું વધારે મજબૂત થયો છુ. 

તેઓએ લોકોને સલાહ આપી કે, જે લોકો માસ્ક વગર ફરે એમને પ્રાર્થના છે કે કોરોના કહીને નથી આવતો. હું ઓવરકોન્ફિડન્ટ હતો કે મારી ઇમ્યુનિટી સારી છે. એટલ કંઈ નહિ થાય. પરંત માસ્ક લગાવવું સરળ છે, કોવિડ બાદની સ્થિતિ વધારે વિકટ છે. 101 દિવસ ખૂબ મોટી વાત છે. જેલ કરતા પણ વધુ અઘરું છે તે સાચી વાત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news