કોંગ્રેસમાં નવા-જૂની થવાના એંધાણ, જોધાજી ઠાકોરે કરી CM સાથે ગુપ્ત બેઠક
પાટણમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોરની નારાજગી સામે આવી છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોરે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બંધ બારણે બેઠક કરી છે.
Trending Photos
પ્રેમલ ત્રિવેદી/પાટણ :લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ઉમેદવારોના નક્કી કરતા પહેલા પણ પક્ષપલટો થયો હતો, ઉમેદવારોની જાહેરાત બાદ પણ કેટલાક નેતાઓ પક્ષપલટો કરી રહ્યાં છે. ત્યારે પાટણમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોરની નારાજગી સામે આવી છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોરે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બંધ બારણે બેઠક કરી છે.
હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જવા માટે વધુ રૂપિયા ખર્ચવા પડશે, જાણો કેમ
હારીજની એક હોટલમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોરે સી.એમ સાથે બેઠક કરી છે. ત્યારે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે કોંગ્રેસ પક્ષમાં નવા-જૂની થવાના એંધાણ છે. આ બેઠક બાદ જોધાજી ભાજપમાં જોડાય તેવી ચર્ચાઓ ચારેકોર ફેલાઈ છે.
ઉલ્લેખનીય છે કે, પાટણમાં કોંગ્રેસના ઉમેદવારને લઈને પાટણમાં પૂર્વ ધારાસભ્યો અને તેમના સમર્થકો સાથે સર્કિટ હાઉસ ખાતે એક બેઠક યોજાઈ હતી. જેમાં આગામી લોકસભા ચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારને ટિકીટ આપવામાં આવે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમજ જગદીશ ઠાકોરનો અને રાધનપુર કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો સ્પષ્ટપણે વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે કોંગ્રેસે જગદીશ ઠાકોરને જ ફરીથી ટિકીટ આપી છે. પાટણમાં કોંગ્રેસ તરફથી જગદીશ ઠાકોરની ઉમેદવારીને લઈ નારાજગી વાતો અગાઉ સામે આવી હતી. સ્થાનિક ઉમેદવારની અવગણનાને લઇ પાટણ કોંગ્રેસમાં બળવો કરાયો હતો. જેમાં ત્રણ પૂર્વ ધારાસભ્યો જોધાજી ઠાકોર, ચમનજી ઠાકોર અને ખાનસિંહ ધારપુરીયા તથા પૂર્વ મંત્રી પોપટજી ઠાકોર, અને પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ અભેસિંહ ઠાકોરે રાજીનામા આપ્યા હતા. થોડા દિવસ અગાઉ જોધાજી ઠાકોર કોંગ્રેસમાં રાજીનામુ ધર્યા બાદ કોંગ્રેસમાં પરત ફર્યા હતા. ત્યારે જોધાજીની સીએમ સાથેની મુલાકાત બાદ પાટણના રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાની શક્યતા છે.
અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જોધાજી ઠાકોરની તૈયારી
રાજીનામાં આપી દેનારા ઠાકોર નેતાઓ પૈકીના જોધાજી ઠાકોરની અપક્ષ તરીકે ચૂંટણી લડવાની તૈયારી બતાવી હતી. તેમણે ગુરુવારે ઉમેદવારી પત્ર પણ ચૂંટણી અધિકારી પાસેથી મેળવી લીધું હતું. સરસ્વતી તાલુકાની વાગડોદની બેઠક પરથી જોધાજી ૧૯૯૫ અને ૧૯૯૮માં ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા. પરંતુ ૨૦૦૨માં તેમણે ભાજપના રણછોડ રબારીને હરાવ્યા હતા. ૨૦૦૭માં પણ તેઓ જીત્યા હતા. ૨૦૧૨માં કોંગ્રેસે તેમને રિપીટ કરતાં તેઓ હાર્યા હતા. જોધાજીએ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે, પક્ષ દ્વારા છેલ્લા કેટલાક સમયથી આયાતી ઉમેદવાર જ મૂકવામાં આવે છે. જગદીશ ઠાકોર બનાસકાંઠાના અને અલ્પેશ ઠાકોર વિરમગામના છે. હું એમ નથી કહેતો કે મને ટિકિટ આપો, પણ કોઇ સ્થાનિકને ટિકિટ આપો એવી મારી માગણી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે