સરહદ પર તંગ માહોલને કારણે કોંગ્રેસની CWCની બેઠક કેન્સલ, નહિ આવે રાહુલ-પ્રિયંકા
હાલ સરહદ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવના માહોલમાં આવતીકાલે અમદાવાદમાં યોજાનારી કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક કેન્સલ કરાઈ છે. જેને પગલે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની ગુજરાત મુલાકાત તથા તેમની રેલી પણ કેન્સલ કરાઈ છે.
Trending Photos
હિતેન વિઠલાણી/ગાંધીનગર : હાલ સરહદ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવના માહોલમાં આવતીકાલે અમદાવાદમાં યોજાનારી કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક કેન્સલ કરાઈ છે. જેને પગલે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની ગુજરાત મુલાકાત તથા તેમની રેલી પણ કેન્સલ કરાઈ છે.
આવતીકાલે યોજાનારી CWCની બેઠક માટે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી ત્રણેય હાજર રહેવાના હતા. ત્યારે ત્રણેયની હાજરીને લઇ ગુજરાત કોંગ્રેસે તડામાર તૈયારીઓ કરી હતી. ત્યારે હવે આ તૈયારીઓ પર પણ બ્રેક લગાવી દેવાઈ છે. કોંગ્રેસ પાર્ટીએ આક્રમક રાજનીતિક શૈલી પર અમલ કરતા કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC)ની બેઠક ગુજરાતમાં યોજવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, CWC કોંગ્રેસ પાર્ટીની સૌથી તાકાતવાર ફોરમ છે. ગત ઓક્ટોબર મહિનામાં CWCની બેઠક મહારાષ્ટ્રના વર્ધામાં થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, 58 વર્ષ બાદ CWCની બેઠક અમદાવાદમાં મળવાની હતી. હાલ રદ કરાયેલી મીટિંગની જાહેરાત થોડા દિવસ બાદ ફરીથી કરવામાં આવશે તેવું કોંગ્રેસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આવતીકાલે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી અડાલજ ખાતે જનસંકલ્પ રેલીને પણ સંબોધન કરવાના હતા, ત્યારે હવે આ રેલી પણ રદ કરાઈ છે.
આ નેતાઓ પણ રહેવાના હતા ઉપસ્થિત
CWCની બેઠકને પગલે કોંગ્રેસના ટોચના અનેક નેતાઓ ગુજરાત આવવાના હતા. વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગે, રાજ્યસભા વિપક્ષ નેતા ગુલામનબી આઝાદ, પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમ્, લોકસભાના પૂર્વ સ્પીકર મીરાંકુમાર સહિતના 25 જેટલા નેતાઓ અમદાવાદ આવી પહોંચવાના હતા. લોકસભા, રાજ્યસભાના વિપક્ષ નેતાઓ, રાજ્યસભા સાંસદ એહમદ પટેલ, પૂર્વ મંત્રી પી. ચિદમ્બરમ, પૂર્વ મંત્રી આનંદ શર્મા, કે.સી. વેણુગોપાલ, ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત, પૂર્વ ખજાનચી મોતીલાલ વોરા, રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સુરજેવાલા, પૂર્વ મંત્રી કુમારી શૈલજા, આસામના પૂર્વ મુખ્યમંત્રી તરૃણ ગોગોઈ, એ.કે. એન્ટની સહિતના 25 કેન્દ્રીય કોંગ્રેસના નેતાઓ આજે અમદાવાદ પહોંચવાના હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે