વરસાદ પડતાં જ ગુજરાતનો વિકાસ 'ખાડા'માં સમાયો, રાજ્યના વિવિધ શહેરોમાં રસ્તાઓમાં પડ્યા મોટા-મોટા ખાડા
ગુજરાતમાં એક તરફ ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા, પરંતુ હવે પાણી તો ઉતરી ગયા છે. રાજ્યમાં વરસાદને કારણે અનેક જગ્યાએ રસ્તાઓની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. મહાનગરોમાં પણ રસ્તાઓ પર ખાડાઓ પડી ગયા છે.
Trending Photos
અમદાવાદઃ ગુજરાતમાં મુશળધાર વરસાદ બાદ અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. હવે પાણી તો ઓસરી ગયા છે. પરંતુ રાજ્યના રોડ એટલા ખખડી ગયા છે કે તેના પરથી નીકળવું એટલે જીવને જોખમમાં નાંખવો. નાના શહેરો અને ગામડા જ નહીં પરંતુ મહાનગરોમાં સ્થિતિ વિકટ છે. રાજ્યના તમામ મોટા મહાનગરોના રોડ પર અનેક ખાડા પડી ગયા છે જેના કારણે વાહન ચાલકોની હાલત કફોડી બની છે. જુઓ ખખડી ગયેલા રોડનો આ ખાસ અહેવાલ...
ચારેય મહાનગરના વિકાસની મોટી મોટી વાતો સરકાર કરે છે, પરંતુ ચોમાસાનો વરસાદ પડ્યો તેની સાથે જ આ શહેરોના રોડ કેવા થઈ ગયા છે તે જોઈ શકાય છે. અમદાવાદના બોપલ-ઘુમા વિસ્તારમાં રોડ બેસી ગયો છે, તો રાજકોટમાં વરસાદ પછી રોડ પર નકરાં ખાડા અને કિચડથી વાહન ચાલકો પરેશાન છે. તો વડોદરા રાજ્યની વધુ એક ભૂવાનગરી બની ગયું છે જ્યારે સુરતની શાન કહેવાતો કેબલ બ્રિજ હવે ખાડા બ્રિજ બની ગયો છે.
અમદાવાદના બોપલમાં થોડા સમય પહેલા જ અમદાવાદ મહાનગરપાલિકામાં આ વિસ્તારને ભેળવવામાં આવ્યો છે. પરંતુ અહીંના લોકોની પરેશાની ઓછી થવાની જગ્યાએ વધી રહી છે. ન્યૂ આનંદ આશ્રમ સામે બનેલો રોડ બેસી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. ઝી 24 કલાકે પોતાની જવાબદારીનું વહન કરતાં ઓનલાઈન ફરિયાદ કરીને રોડને કોર્ડન કરવા માટે અપીલ કરી હતી...
રાજકોટના શિતલપાર્કથી જામનગર જઈ રહેલો રોડ પણ અત્યંત બિસ્માર બની ગયો છે. વરસાદ પછી આ રોડની દશા કેવી છે તે અમારે કહેવાની જરૂર નથી. રોડ પર જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા છે જેના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે....
રાજ્યમાં ભૂવાનગરીનું બિરુદ આપણા અમદાવાદને મળ્યું છે. પરંતુ આ બિરુદ હવે વડોદરાને પણ મળવા જઈ રહ્યું છે. કારણ કે અમદાવાદ પછી વડોદરાના રોડ જોખમી બન્યા છે. વડોદરામાં ચોમાસાની શરૂઆત થતાં જ અનેક જગ્યાએ ભૂવા પડી જાય છે. આ નવાયાર્ડ વિસ્તારમાં સ્મશાન પાસે ભૂવો પડ્યો છે. ભૂવો એટલો મોટો છે કે ટુવ્હીલર ચાલક તો તેમાં આખો સમાઈ જાય. 4 દિવસથી પડેલા આ ભૂવાને રિપેર કરવામાં મનપાને કોઈ રસ જ નથી...ત્યારે કોંગ્રેસના કોર્પોરેટરે સ્થળ પર પહોંચી વિરોધ કર્યો હતો.
રાજ્યની જનતા અને તેમાં પણ મહાનગરની જનતા તગડો ટેક્સ ભરે છે. આ તમામ ટેક્સ સારા રોડ-રસ્તા અને સુખ સુવિધા માટે લેવામાં આવે છે. પરંતુ જનતાને ટેક્ષના બદલામાં શું મળે છે તે આપણે જોયું. આખરે ક્યારે જનતાને ટેક્ષના બદલામાં યોગ્ય વળતર મળશે?, ક્યારે સારા રોડ અને પ્રાથમિક સુવિધાઓ મળશે?. આ ચારેય મહાનગરમાં તંત્ર ક્યારે જાગે છે અને ક્યારે ખખડી ગયેલા રોડનું રિપેરિંગ કરે છે તે જોવું રહ્યું..
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે