વડોદરા : પીઝા હટના પીઝામાંથી વંદો નીકળ્યો, અધિકારીઓને ચેકિંગ માટે 40 મિનીટ બહાર ઉભા રાખ્યા
Trending Photos
તૃષાર પટેલ/વડોદરા :વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં આવેલ આંતરરાષ્ટ્રીય પિઝા હટ્સ નામના આઉટલેટમાં ગ્રાહકે મંગાવેલ પીઝામાંથી વંદો નીકળતાં ગ્રાહકે પાલિકાના આરોગ્ય વિભાગમાં ખાદ્ય પદાર્થ અંગેની ગુણવત્તાને લઈને રજુઆત કરી હતી. આ મામલે સયાજીગંજ પોલીસ મથકે પીઝા હટ રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી કરવા અરજી પણ આપવામાં આવી છે.
Live : જન્માષ્ટમીનું કાઉન્ટડાઉન શરૂ : ગુજરાતના મંદિરો કૃષ્ણમય બન્યા, જુઓ મંદિરોમાં કેવો છે જશ્નનો માહોલ
વડોદરાના નીરલ મહેતા તેમના પરિવાર સાથે ગુરુવારના રોજ રાત્રે 9 વાગ્યાની આસપાસ રેસકોર્ષ સ્થિત પીઝા હટ ખાતે પીઝા ખાવા માટે ગયા હતાં. આ રેસ્ટોરન્ટ ખાતે પહોંચ્યા બાદ તેમણે પીઝાનો કોમ્બો પેક ઓર્ડર કર્યો હતો. ઓર્ડર આવ્યા બાદ નીરલ મહેતાની છ વર્ષની દીકરીએ પીઝાનો એક ટુકડો ખાવાના શરૂઆત કરી હતી. પીઝા ખાતી માસૂમ દીકરી તરફ નીરલ મહેતાએ જ્યારે ધ્યાનથી જોયું ત્યારે તેઓને પીઝામાં કંઇ અજુગતું જોવા મળ્યું હતું. ઓર્ડર કરેલા પીઝાના એ ટુકડાને હાથમાં લઇને તેઓએ જ્યારે નજીકથી જોયું ત્યારે ટુકડામાં વંદો જોવા મળ્યો હતો. પીઝા હટ્સ નામની નામાંકિત બ્રાન્ડના પીઝામાં આ પ્રકારે વંદો નીકળતા નીરલ મહેતાનો પરિવાર ચોંકી ઉઠ્યો હતો. જેથી તાત્કાલિક આ અંગે પીઝા હટના મેનેજરને જાણ કરતા તેણે ‘અંદર આવોને વાત કરીયે’ તેવું સૌપ્રથમ કહ્યું હતું, પરંતુ આ વાતનો કોઈ નિકાલ કર્યો ન હતો. સ્ટોરના મેનેજરને બોલાવી બતાવતા મેનેજરે ઉડાઉ જવાબ આપી વાત ફેરવી કાઢી હતી.
મહત્વનું છે કે રેસકોર્સ જેવા પોશ વિસ્તારમાં આવેલી આ પ્રકારની બ્રાન્ડેડ રેસ્ટોરન્ટમાં પ્રિમીયમ પ્રાઇસ લેવામાં આવી છે, અને તેની સામે ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરવામાં આવી રહ્યું હોવાની બાબતને નીરલ મહેતાએ ગંભીરતાથી લઈને રાત્રે જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી સમગ્ર મામલાની જાણ કરી હતી અને ત્યારબાદ નીરલે આ બાબતે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી.
ત્યાર બાદ જાગૃત ગ્રાહક નીરલ મહેતાએ સમગ્ર બાબતે વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગને જાણ કરી હતી. જેના પગલે આરોગ્ય વિભાગના છ જેટલા અધિકારીઓ તપાસ માટે પીઝા હટ પહોંચ્યા હતા. અધિકારીઓએ આઉટલેટની સંપૂર્ણ તપાસ કરી હતી. જોકે આરોગ્ય વિભાગની હાજરીના પગલે આઉટલેટના સંચાલકો દ્વારા આઉટલેટના દરવાજા બંધ કરી દેવાતા એક તબક્કે અધિકારીઓ પણ વિચારમાં મૂકાયા હતા. પહેલા તો રેસ્ટોરન્ટમાં પ્રવેશ કેવી રીતે કરવો તે અંગે વિચારમાં પડ્યા હતા. લગભગ ચાલીસ મિનિટની રાહ જોયા બાદ સ્ટાફ દ્વારા દરવાજો ખોલવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગના અધિકારીઓએ સમગ્ર રેસ્ટોરન્ટની તપાસ કરી હતી. આરોગ્ય વિભાગના અધિકારીઓની તપાસ દરમિયાન રેસ્ટોરન્ટના ઈન્ડોર કિચનમાં ભારે ગંદકી જોવા મળી આવી હતી. જે બાબતે પાલિકાના આરોગ્ય વિભાગે ગંદકીને લઇને શિડ્યુલ ચારની નોટિસ આ રેસ્ટોરન્ટના મેનેજરને આપી હતી. આ ઉપરાંત રેસ્ટોરન્ટમાં રહેલા ખાદ્ય પદાર્થના નમૂના પણ આરોગ્ય વિભાગે લીધા હતા અને વધારાના સામાનનો નાશ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા ગેંડા સર્કલ પાસેની કેએફસી અને મનીષા ચોકડી પાસેના મેકડોનાલ્ડમાં પણ જીવડાં નીકળ્યાં હોવાની ઘટના સામે આવી હતી.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે