વડોદરામાં કોલેરા ફાટ્યો? નળમાંથી આવે છે ગંદુ પાણી, 20 વર્ષની યુવતીનુ થયુ મોત

Girl Died After Drinking Polluted Water : વડોદરાના મેયરના મત વિસ્તારમા જ નળમાંથી આવે છે દૂષિત પાણી, ગંદુ પાણી પીવાથી 20 વર્ષીય યુવતીનું થયુ મોત

વડોદરામાં કોલેરા ફાટ્યો? નળમાંથી આવે છે ગંદુ પાણી, 20 વર્ષની યુવતીનુ થયુ મોત

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં મેયરના વોર્ડમાં 20 વર્ષની યુવતીનું શંકાસ્પદ કોલેરાના કારણે મોત થતાં સન્નાટો ફેલાયો છે. યુવતીના મોત બાદ કોંગ્રેસ અને મેયર યુવતીના ઘરે પહોંચી પરિવારને સાંત્વના આપી હતી. દૂષિત પાણીથી 20 વર્ષની ઉન્નતિનું મોત થતાં રાજકીય પક્ષો તેના પરિવારને મળી આશ્વાસન આપવા પહોંચ્યા હતા. પરંતુ સ્થાનિક લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો.

વડોદરાના જેતલપુર વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી દૂષિત પાણીની સમસ્યા છે, જે અંગેની રજૂઆત સ્થાનિક લોકોએ અવારનવાર વોર્ડ ઑફિસમાં કરી હતી. પરંતુ બે વર્ષ સુધી કોઈ જ કામગીરી થઈ નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ છે. આ વિસ્તારમાં આવતું ગંદુ પાણી પીવાના કારણે 20 વર્ષની યુવતી ઉન્નતિ સોલંકી અને તેના પિતા બંને ઝાડા ઉલટીના રોગમાં સપડાયા હતા. જેમાં ઉન્નતિને ઝાડા ઉલટી વધુ થતાં હોસ્પિટલ લઈ જતા સમયે જ તેનું મોત નિપજ્યું હતું. જ્યારે ઉન્નતિના પિતા હજી પણ હોસ્પિટલમાં દાખલ થઈ સારવાર મેળવી રહ્યા છે.

મેયરના વિસ્તારમા જ આવે છે દૂષિત પાણી 
20 વર્ષની યુવતીનું મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં ભારે રોષ છે. મહત્વની વાત છે કે, જેતલપુર મેયર કેયુર રોકડીયાનો ઇલેક્શન વોર્ડ છે. પણ મેયર કે અન્ય કોર્પોરેટર આજદિન સુધી વિસ્તારમાં જોવા સુદ્ધા નથી ગયા. યુવતીના મોતની જાણકારી મળતાં મેયર કેયુર રોકડીયાએ વિસ્તારમાં જઈ મૃતકના પરિવારની મુલાકાત લીધી. જેમાં લોકોએ વર્ષો જૂની પાણીની લાઈન હોવાથી દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ કરી. તો મેયર નવી લાઈન નાખવાનું આશ્વાસન આપ્યું. સાથે આરોગ્ય વિભાગની ટીમે વિસ્તારમાં સર્વે પણ શરૂ કર્યો. મેયર કેયુર રોકડીયાએ વિરોધ રાગ આલાપ્યો હતો કે, વિસ્તારમાં કોલેરાનો હજી એકપણ કેસ નથી મળ્યો અને આ વિસ્તારમાં અત્યારસુધી મને દૂષિત પાણીને લઈ કોઈએ ફરિયાદ નથી કરી.

તો બીજી તરફ, કોંગ્રેસના પાલિકાના નેતા અમીબેન રાવતે સ્થળ પર જઈ પરિવારની મુલાકાત કરી. સાથે જ યુવતીના પરિજનને 10 લાખ રૂપિયાનું વળતર આપવાની મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી માંગ કરી છે. તાત્કાલિક પાણીની નવી લાઈન નાખવા રજૂઆત પણ કરી છે. 

મહત્વની વાત છે કે વડોદરામાં ગાયકવાડી સમયની પાણીની લાઈનો છે, જેને આજદિન સુધી બદલવામાં આવી નથી. જેના કારણે શહેરમાં ઠેરઠેર દૂષિત પાણીની સમસ્યા વધુ જોવા મળે છે. જેનો ભોગ લોકો બને છે. ત્યારે સ્માર્ટ પાલિકાએ આવી તમામ લાઈનો બદલી લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળે તેવી સુવિધા ઊભી કરવાની જરૂર છે. પરંતુ પાલિકાના અધિકારીઓ અને શાસકોને લોકોની ચિંતાની કંઈ પડી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news