કોરોના વાયરસને કારણે ગુજરાતના વેપારીઓની હાલત કફોડી, એડવાન્સ પેમેન્ટ ચૂકવ્યું છતા યાર્નનો ઓર્ડર નથી નીકળતો
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ :ચીન (China) સહિત જુદા જુદા દેશોમાં કોરોના વાયરસ (Coronavirus) ને કારણે મચેલા હાહાકારની અસર ગુજરાતના એમ્બ્રોઈડરી યાર્ન (Embriodary Yarn) ના વેપારીઓ પર જોવા મળી છે. એક મહિના પહેલા યાર્ન માટે આપવામાં આવેલા ઓર્ડરના શિપમેન્ટ હજુ પણ ચીનથી ભારત તરફ ન નીકળતા ગુજરાતના એમ્બ્રોઈડરી યાર્નનો વેપાર કરતા વેપારીઓના 250 કરોડ જેટલા એડવાન્સ પેટે ચૂકવવામાં આવેલા નાણાં ફસાયા છે. ત્યારે રાજ્યના હજારો વેપારીઓની આગામી 2 મહિનામાં હાલત વધુ કફોડી બનવાની ભીતિ વેપારીઓએ વ્યક્ત કરી છે.
જાગ્યા ત્યારથી સવાર... હારેલું BJP આજે કારમી હાર બાદ કરશે મંથન, તો AAPએ પણ બોલાવી મીટિંગ
ચીનમાં કોરોના વાયરસને પગલે સર્જાયેલી સ્થિતિને કારણે ચીનથી ગુજરાતમાં આવતી અનેક ચીજવસ્તુઓની અછત સર્જાતા વેપારીઓના વેપાર પર અસર પહોંચી છે, ત્યારે રાજ્યનો એમ્બ્રોઈડરી યાર્નના વેપારીઓ પણ તેમાંથી બાકાત નથી રહ્યા. અમદાવાદમાં એમ્બ્રોઈડરી યાનના વ્યવસાય સાથે 300થી વધુ વેપારીઓ સંકળાયેલા છે. જ્યારે કે, રાજ્યભરમાં આ વેપારીઓનો આંક એક હજારથી વધુ છે. કોરોના વાયરસની અસરને પગલે ચીનથી આવતી તમામ ચીજો પર રોક લાગી ગઈ છે. જેમાં એમ્બ્રોઈડરીના ધંધામાં વપરાતું યાર્ન પણ આવતું બંધ થઈ ગયું છે. જેને લઈ માર્કેટમાં યાર્નની અછત ઉભી થઇ છે. એમ્બ્રોઈડરી યાર્નના વેપારી રાકેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, ચાઈનાથી ગ્રે યાર્ન આવે છે. આ યાર્ન માટે 10 ટનનું કન્ટેનર હોય છે. યાર્નની કિલોગ્રામમાં કિંમત ગણીએ તો 440 થી 450 હોય છે, પણ હાલ અછતના કારણે 550 રૂપિયા આપતા પણ મળતું નથી. ભારતમાં યાર્નની 3 જ કંપનીઓ છે. પણ ચાઇના કંપનીની ગુણવત્તા સારી અને 10 રૂપિયા કિંમત ઓછી હોય છે. અહીંની કંપનીઓ સારી ગુણવત્તાનો માલ 25 રૂપિયા વધારીને આપે છે, જેથી તે મોંઘું પડે છે. ચીનથી ગ્રે યાર્ન આવતું બંધ થતાં ડાઈંગની ફેકટરીઓ સદંતર બંધ થઈ ગઈ છે. ચાઈનાથી છેલ્લા 15 દિવસથી એક પણ શિપ ભારત રવાના નથી કરાયા. જો એકવાર ચાઈનાથી શિપમેન્ટ નીકળે તો 30 દિવસે ભારતના વેપારીઓ સુધી પહોંચે છે. જેથી વેપારીઓએ આપેલ એડવાન્સ પણ અટક્યા છે. રાકેશભાઈનો પણ 25 થી 30 લાખ રૂપિયાનો આપેલો ઓર્ડર કોરોના વાયરસને કારણે અટક્યો છે.
ભારતની કંપનીઓ સારી ગુણવત્તાનો માલ 25 રૂપિયા વધારીને વેપારીઓને આપે છે. ગ્રે યાર્નની ડાઈંગ ફેકટરીઓ બંધ કરવાની ફરજ પડી રહી છે. છેલ્લા 15 દિવસથી એક પણ શિપમેન્ટ ચાઈનાથી ભારત આવવા રવાના કરાઈ નથી. જેના કારણે એમ્બ્રોઈડરીના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓની સ્થિતિ આગામી 2 મહિનામાં વધુ કથળશે તેવું કહી શકાય. અમદાવાદ ટ્રેડ એસોસિએશનના સભ્ય અરુણ ગોહિલે જણાવ્યું હતું કે, હાલ 70 ટકા વેપાર પહેલા કરતા ઓછો થઈ રહ્યો છે. હાલની સ્થિતિને જોતા આગળના દિવસમાં હજુ ખરાબ પરિસ્થિતિ આવશે. જ્યારે એક કન્ટેનર બુક કરવાના હોય ત્યારે તેના માટે એડવાન્સમાં રૂપિયા 25થી 30 લાખ આપવાના હોય છે. એક અંદાજ મુજબ ગુજરાતમાં ઓછામાં ઓછા 1 હજાર જેટલા ડિલર છે, જેમના ઓર્ડર અને અટવાયેલા નાણાંનો અંદાજ લગાવીએ તો રૂપિયા 250થી 300 કરોડ સુધી જઈ પહોંચે છે.
મહત્વનું છે કે, કોરોના વાયરસના અસરને પગલે એમ્બ્રોઈડરી યાર્ન ડાઈંગના વેપાર અને વેપારીઓની સમસ્યા વધી છે. અમદાવાદમાં હાલ આ વેપાર સાથે સંકળાયેલા 40થી 50 હજાર કારીગરો છે. આ વેપારીઓને યાર્ન મળતું બંધ થઈ જતા આ કારીગરોને પણ અસર થવાની ભિતી વેપારીઓ સેવી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે