IndvsAus માં દીકરા ચેતેશ્વર પૂજારાની સફળતા પર પિતા બોલ્યા, પરિવાર માટે ગર્વની વાત છે

IndvsAus માં દીકરા ચેતેશ્વર પૂજારાની સફળતા પર પિતા બોલ્યા, પરિવાર માટે ગર્વની વાત છે
  • Ind vs Aus મેચની જીતના મુખ્ય શિલ્પીઓમાંથી એક રાજકોટના ખેલાડી ચેતેશ્વર પૂજારા પણ છે
  • પૂજારાએ તેમની 80 મી ટેસ્ટ મેચની 134 મી ઇનિંગમાં 6000 રન પૂરા કર્યા

રક્ષિત પંડ્યા/રાજકોટ :ઑસ્ટ્રેલિયા સામે બ્રિસ્બેનમાં ભારતીય ટીમને મળેલી જીતથી સૌ કોઈ ખુશ છે. ભારતીય ખેલાડીઓ (Ind vs Aus) ના સારા પ્રદર્શન અને ટીમ વર્કના કારણે આ જીત (India Wins) મળી છે. આ જીતના મુખ્ય શિલ્પીઓમાંથી એક રાજકોટના ખેલાડી ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) પણ રહ્યા. બ્રિસ્બેનમાં ક્રીઝ પર ટકી રહીને પૂજારાએ જીતનો પાયો મજબૂત કર્યો હતો. ચેતેશ્વર પૂજારાના પિતા અરવિંદ પૂજારાએ કહ્યું કે, ચેતેશ્વરને આ સીરિઝ હંમેશા યાદ રહેશે. આ સીરિઝ દરમિયાન ચેતેશ્વર પૂજારાએ પોતાની કરિયરના 6 હજાર રન પણ પૂરા કર્યા છે.

મૂળ રાજકોટના અને ભારતીય ક્રિકેટ ટીમના ‘રન મશીન’ તરીકે જાણીતા ચેતેશ્વર પુજારાએ પોતાના ટેસ્ટ કરિયરમાં 6000 રન પૂરા કર્યા છે. ચેતેશ્વર પૂજારા ટેસ્ટ કરિયરમાં 6000 રન પૂરા કરનાર ભારતના 11 મા ખેલાડી બન્યા છે અને આજે તેમને પોતાના કરિયરના 6000 રન ઓસ્ટ્રેલિયા સામે સિરીઝમાં ત્રીજા મેચના પંચમ દિવસે પૂર્ણ કર્યા છે. આ સાથે પૂજારાએ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ત્રીજી ટેસ્ટના પાંચમા દિવસે મેચમાં પોતાની બીજી અડધી સદી પણ પૂર્ણ કરી 205 બોલમાં 77 રન બનાવી આઉટ થયો હતો.

પૂજારાએ તેની 80 મી ટેસ્ટ મેચની 134 મી ઇનિંગમાં 6000 રન પૂરા કર્યા છે. આ સમય દરમિયાન, તેણે 48 ની સરેરાશથી 18 સદી અને 27 અડધી સદી ફટકારી છે. તેનો અંગત સર્વોચ્ચ સ્કોર 206 નોટઆઉટ છે. પૂજારા ભારત માટે સૌથી ઝડપી 6000 ટેસ્ટ રન બનાવવાની દ્રષ્ટિએ, છઠ્ઠા નંબર પર પહોંચી ગયો છે. આ કેસમાં તેણે પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. અઝહરુદ્દીને 143 ઇનિંગ્સમાં આ સ્થાન પ્રાપ્ત કર્યું હતુ.

10 વર્ષ પહેલા બેંગલુરુમાં ઓસ્ટ્રેલિયા સામે મેચથી પોતાના કરિયરની શરૂઆત કરનાર પૂજારાએ, તેની કારકિર્દીની 18 મી ઇનિંગમાં 1000 રન પૂરા કર્યા હતા. એ જ રીતે 2000 રન 46 ઇનિંગ્સમાં, 3000 રન 67 ઇનિંગ્સમાં, 4000 રન 84 ઇનિંગ્સમાં, 5000 રન 108 અને 134 ઇનિંગ્સમાં 6000 રન પૂરા કર્યા છે.

પૂજારા સિવાય, ભારત તરફથી સચિન તેંડુલકર (15921), રાહુલ દ્રવિડ (13265), સુનિલ ગાવસ્કર (10122), વીવીએસ લક્ષ્‍મણ (8781), વિરેન્દ્ર સેહવાગ (8503), વિરાટ કોહલી (7318), સૌરવ ગાંગુલી (7212), દિલીપ વેંગસરકર (6868), મોહંમદ અઝહરુદ્દીન (6215) અને ગુંડપ્પા વિશ્વનાથ (6080) એ ટેસ્ટ મેચોમાં 6 હજાર કે તેથી વધુ રન ભારત માટે બનાવ્યા છે.

ભારતીય ટીમ દ્વારા ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતી છે, સાથે જ ભારતીય ટીમે ટેસ્ટ સિરીઝની સાથે 32 વર્ષનો ગાબા સ્ટેડિયમનો રેકોર્ડ પણ તોડ્યો છે. ત્યારે દીકરાની આ સફળતા પર પિતા અરવિંદ પૂજારાએ કહ્યું કે, આ એક ઐતિહાસિક જીત છે. ચેતેશ્વર પૂજરાએ સિરીઝમાં સૌથી વધુ બોલ ફેસ કર્યા એ મહત્વનું છે. પરિવાર માટે ગર્વની વાત છે અને ખુશી થાય છે આટલી મોટી જીતમાં ચેતેશ્વરનો સિંહ ફાળો છે. ચેતેશ્વરને આ સિરીઝ હંમેશા માટે યાદગાર રહેશે. 

ઉલ્લેખનીય છે કે, ચેતેશ્વર પૂજારાએ આ સિરીઝ દરમિયાન પોતાના કરિયરના 6000 રન પૂરા કર્યા છે. 2018-19 અને 2020-21 માં જે રીતે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું તે ખૂબ જ મહત્વનું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news