કેન્દ્ર સરકાર થઈ ગુજરાતીઓ પર મહેરબાન, દિલ ખોલીને આપી 65 હજાર કરોડની સબસીડી
Renewable Energy : પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતામાં ગુજરાત અગ્રેસર, વર્ષ ૨૦૩૦ સુધીમાં ગુજરાતનું રિન્યુએબલ એનર્જીમાં ૧૦૦ ગીગાવોટની ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્યાંક
Trending Photos
Gujarat Government : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સબળ નેતૃત્વ હેઠળ પવન ઊર્જામાં ગુજરાત હવે સમગ્ર દેશમાં નંબર વન રાજ્ય બની ગયું છે. પવન ઊર્જા એટલે કે વિન્ડ એનર્જી દ્વારા વીજળી ઉત્પન્ન કરવાની ગુજરાતની ક્ષમતા હવે ૧૨,૧૩૩ મેગાવોટ પર પહોંચી છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં રાજ્ય સરકારે પરંપરાગત-રિન્યુએબલ એનર્જીમાં ૧૦૦ ગીગાવોટની ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે.
વડાપ્રધાનના અધ્યક્ષતા સ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં આગામી નાણાકીય વર્ષ માટે રજૂ કરાયેલા બજેટમાં દેશમાં ૧ કરોડ રહેઠાણો ઉપર સોલાર પેનલ લગાવવા 'પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના' જાહેર કરી છે. આ યોજના અંતર્ગત સોલાર પેનલ્સના ઇન્સ્ટોલેશન માટે રૂ. ૬૫,૭૦૦ કરોડની સબસિડી પુરી પાડવાની મંજૂરી આપી છે.
ઊર્જા મંત્રી કનુ દેસાઈના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં સ્વચ્છ ઊર્જાના નવા લક્ષ્યાંકને હાંસલ કરવા તેમજ 'શૂન્ય કાર્બન વીજળી' ઉત્સર્જનનું લક્ષ્ય હાંસલ કરવા રાજ્ય સરકારે “ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી -૨૦૨૩” અમલી બનાવી છે. આ નીતિનો મુખ્ય ઉદેશ્ય પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પન્ન કરતા પ્રોજેક્ટસનું નિર્માણ કરવાનું છે અને આ નીતિમાં સૌર, પવન અને હાઇબ્રિડ જેવી તક્નીકોનો સમાવેશ થાય છે. સાથે જ આ નીતિમાં વિવિધ પ્રકારના પ્રોજેક્ટ્સ જેવા કે ગ્રાઉન્ડ અને કેનાલ માઉન્ટેડ સોલાર, રૂફટોપ અને ફલોટિંગ સોલાર તેમજ હાઈબ્રિડ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
- પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત સમગ્ર દેશમાં સોલાર પેનલ્સના ઇન્સ્ટોલેશન માટે રૂ.૬૫,૭૦૦ કરોડની સબસીડીને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી અપાઈ
- MGVCLને ગ્રીડ કનેક્ટેડ સોલાર રૂફટોપ ઈન્સ્ટોલેશન માટે સમગ્ર દેશમાં સૌથી શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ એવોર્ડ એનાયત
- કેન્દ્ર સરકારની ‘મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી’ દ્વારા ગુજરાતને પવન ઊર્જા ક્ષેત્રે નંબર વન રાજ્ય તરીકેનો એવોર્ડ અપાયો
રાજ્યના દરેક જિલ્લાના ગ્રામીણ ક્ષેત્રમાં રૂફટોપ સોલારને અપનાવવા સોલાર વિલેજનું નિર્માણ કરાશે. આ સોલાર વિલેજના નેજા હેઠળ વપરાશ પછી બાકીની વીજળીનું વેચાણ કરી રૂફટોપ સોલાર ધરાવતા તમામ પરીવારો વધારાની આવક મેળવી શક્શે. રહેણાંક વિસ્તારમાં આ યોજના થકી કુલ ૩,૦૦૦ મેગાવોટ જેટલી સૌર ઊર્જા ક્ષમતામાં વધારો થશે. જેના પરિણામે રાજ્યના અંદાજીત ૧૭ હજારથી વધુ નાગરિકોને રોજગારી પણ મળશે.
સમગ્ર દેશમાં સોલાર રૂફટોપ ઈન્સ્ટોલેશનમાં ગુજરાતની શ્રેષ્ઠ કામગીરી
દેશમાં સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશનની કામગીરીમાં ગુજરાત કુલ ૨૩ ટકા જેટલી કામગીરી સાથે દેશમાં પ્રથમ ક્રમે છે. ઇન્ડિયા સ્માર્ટ ગ્રીડ ફોરમ દ્વારા દેશમાં ઊર્જા ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ‘નવીનીકરણ રિન્યુએબલ એનર્જી પ્રોગ્રામ: સોલાર એવોર્ડ-૨૦૨૩’ જાહેર કરવામાં આવ્યો હતો. તાજેતરમાં આ એવોર્ડ મધ્ય ગુજરાત વીજ કંપની લી. (MGVCL)ને ‘ગ્રીડ કનેક્ટેડ સોલાર રૂફટોપ ઈનસ્ટોલેશન’ માટે સમગ્ર દેશમાં સૌથી શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ દિલ્હી ખાતે આપવામાં આવ્યો હતો. MGVCL દ્વારા જૂન ૨૦૨૩ સુધીમાં ૫૯૮ મેગાવોટના સોલાર રૂફટોપ પ્રોજક્ટસની કામગીરીનો લક્ષ્યાંક પૂરો કરવામાં આવ્યો હતો. જેનાથી પ્રતિવર્ષ અંદાજીત ૭,૪૭૫ લાખ ટન કાર્બન ડાયોક્સાઇડ (CO2) ઉત્સર્જનમાં બચત થતી હોવાથી, આ બચત દર વર્ષે અંદાજીત ૩૦૦ લાખ વૃક્ષોનું વાવેતર કરવા બરાબર છે અને તે પરંપરાગત ઊર્જા સ્ત્રોતોનું પણ સંરક્ષણ કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ વર્ષ ૨૦૨૧-૨૨માં એશોસીએશન ઓફ રિન્યુએબલ એનર્જી એજન્સી ઓફ સ્ટેટસ (AREAS) દ્વારા મધ્ય ગુજરાત વીજ કંપની લી. (MGVCL)ને જ આ એવાર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પ્રતિવર્ષ તા.૧૫મી જૂને ‘વિશ્વ પવન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ નિમિત્તે કેન્દ્ર સરકારના ‘મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી’ દ્વારા ગુજરાતને પવન ઊર્જા ક્ષેત્રે નંબર વન રાજ્ય તરીકેનો એવોર્ડ પણ દિલ્હી ખાતે એનાયત કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા પાવર ફાઇનાન્સ કોર્પોરેશન અને એન.બી.એફ.સી. સાથે રૂ. ૨૫,૦૦૦ કરોડના એમ.ઓ.યુ. ગાંધીનગર ખાતે કરવામાં આવ્યા હતા. આ એમ.ઓ.યુ.નો મુખ્ય ઉદ્દેશ વીજળીના પ્રોડક્શન, ટ્રાન્સમિશન અને ડીસ્ટ્રીબ્યુશન પ્રોજેક્ટ્સ માટે વિસ્તૃત નાંણાકીય સહયોગ પુરો પાડવાનો છે અને આ રાજ્યમાં વીજક્ષેત્રે હાથ ધરવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટ્સને વેગ આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ બની રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે