લો બોલો! ગુજરાતમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે લગાવેલા CCTV કેમેરા જ હવે માંગી રહ્યા છે પોતાની સુરક્ષા!

યુનિવર્સિટીની મહત્વની ફેકલ્ટી ગણાતી કોમર્સ, આર્ટસ અને સાયન્સ ફેકલ્ટીમાં મોટાભાગના સીસીટીવી બંધ હાલતમાં અથવા તો તૂટી ગયા છે. આર્ટસ ફેકલ્ટીમાં તો યુનિવર્સિટીની વિજિલન્સ ઑફિસ બહાર લાગેલા સીસીટીવી કેમેરા જ બંધ હાલતમાં છે.

લો બોલો! ગુજરાતમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે લગાવેલા CCTV કેમેરા જ હવે માંગી રહ્યા છે પોતાની સુરક્ષા!

રવિ અગ્રવાલ/વડોદરા: એમ એસ યુનિવર્સિટીમાં લાખો રૂપિયાના ખર્ચે લગાવેલા સીસીટીવી કેમેરા શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે લગાવેલા સીસીટીવી કેમેરા હવે પોતે સુરક્ષા માંગી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે.

વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સત્તાધીશોએ અંદાજિત 80 લાખના ખર્ચે વિવિધ ફેકલ્ટી, હોસ્ટેલ, કોલેજમાં મળી 1300 જેટલા સીસીટીવી કેમેરા લગાવ્યા છે. યુનિવર્સિટીમાં ભણતા વિધાર્થીઓ અને સ્ટાફની સુરક્ષા માટે લગાવેલા સીસીટીવી મેન્ટેનન્સના અભાવે ભંગાર બન્યા છે.

યુનિવર્સિટી કેમ્પસમાં અને વિવિધ ફેકલ્ટીમાં લાગેલા સીસીટીવી કેમેરા તૂટી ગયા છે, કેટલાક નમી ગયા છે, તો કેટલાક સીસીટીવી કેમેરાના વાયરો કાપી નાખ્યાં છે. તો કેટલાક સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે...તેમ છતાં યુનિવર્સિટી તંત્રની ઊંઘ નથી ઉડી રહી...યુનિવર્સિટીમાં ભણતા વિધાર્થીઓ સીસીટીવીનું રેગ્યુલર મેન્ટેનન્સ થાય અને બંધ સીસીટીવી કેમેરા વહેલીતકે શરૂ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

યુનિવર્સિટીની મહત્વની ફેકલ્ટી ગણાતી કોમર્સ, આર્ટસ અને સાયન્સ ફેકલ્ટીમાં મોટાભાગના સીસીટીવી બંધ હાલતમાં અથવા તો તૂટી ગયા છે. આર્ટસ ફેકલ્ટીમાં તો યુનિવર્સિટીની વિજિલન્સ ઑફિસ બહાર લાગેલા સીસીટીવી કેમેરા જ બંધ હાલતમાં છે...કેટલાક તૂટી ગયા છે છતાં કોઈ કામગીરી કરાતી નથી. યુનિવર્સિટીમાં તાજેતરમાં વિદ્યાર્થિનીની છેડતી, વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, બહારથી આવેલા અસામાજિક તત્વો દ્વારા વિદ્યાર્થીઓ પર હુમલો જેવી ઘટનાઓ બની છે, તેમ છતાં કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ રહેલા યુનિવર્સિટી સત્તાધીશોની ઊંઘ ઉડી રહી નથી.

એટલું જ નહિ યુનિવર્સિટીએ સીસીટીવી કેમેરા પાછળ લાખોનો ખર્ચ કર્યો છતાં યુનિવર્સિટીના મુખ્ય પ્રવેશ દ્વારો પર આજદિન સુધી એક પણ સીસીટીવી કેમેરા જ લગાવ્યા નથી. યુનિવર્સિટીના PRO સીસીટીવી કેમેરા બંધ રહેવા અને તૂટી જવા મામલે જેતે ફેકલ્ટીના ડીનને જવાબદાર ઠેરવી રહ્યા છે. સીસીટીવી કેમેરા રીપેરીંગ કરવાની સત્તા જેતે ડીનને આપવામાં આવી છે, યુનિવર્સિટીએ અવાર નવાર ફેકલ્ટી ડીનને સીસીટીવી કેમેરા ચાલુ કરવા સૂચના આપી છે છતાં ફેકલ્ટી ડીન સત્તાધીશોને ગાંઠતા નથી.

નેક A+ ગ્રેડ ધરાવતી એમ એસ યુનિવર્સિટીના બાહોશ વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવ કેમ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ચિંતિત નથી તે સવાલ ઉઠવા પામી રહ્યા છે. મહત્વની વાત છે કે યુનિવર્સિટીએ માત્ર દેખાડો પૂરતા સીસીટીવી કેમેરા લગાવી સંતોષ માણ્યો હોય તેવું ફલિત થઈ રહ્યું છે. જેના કારણે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સુરક્ષા રામભરોસે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news