મોજશોખ માટે કંપનીના 47 લાખ લઈ નાશી છુટેલો કેશિયર ઝડપાયો, પોલીસે રોકડ સહિત મુદ્દામાલ કર્યો કબજે
મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી મનીષ શર્મા છેલ્લા સાતેક વર્ષથી અમદાવાદમાં જ અલગ-અલગ જગ્યાએ કાપડનો માલ આપી કંપનીની રોકડ રકમ લેવડદેવડ માટે કેશિયર તરીકેનું કામ કરતો હતો.
Trending Photos
મૌલિક ધામેચા, અમદાવાદઃ અમદાવાદના ન્યુક્લોથ માર્કેટમાંથી 47 લાખ રૂપિયાની ઉઠાંતરી કરી ફરાર થયેલા આરોપીને ગણતરીના દિવસોમાં ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો છે. પકડાયેલો આરોપી અન્ય કોઈ નહીં પરંતુ કંપનીનો જ કર્મચારી મનીષ શર્મા હવાનું સામે આવતા ક્રાઈમ બ્રાન્ચે સીટીએમ પાસેથી રોકડ 38 લાખ રોકડ સહિત 41 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આરોપીને કાગડાપીઠ પોલીસને હવાલે કર્યો છે.
મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી મનીષ શર્મા છેલ્લા સાતેક વર્ષથી અમદાવાદમાં જ અલગ-અલગ જગ્યાએ કાપડનો માલ આપી કંપનીની રોકડ રકમ લેવડદેવડ માટે કેશિયર તરીકેનું કામ કરતો હતો. પરંતુ મોજશોખના કારણે રોજબરોજ આવતી રોકડ પર મનીષની નજર બગડતા કંપનીના 47 લાખ રૂપિયા લઇ ફરાર થઈ ગયો હતો. જોકે આ અંગેની ફરિયાદ સરોગી સુપર સેલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી કરવામાં આવી હતી. ત્યારે સામે આવ્યું કે ઓફિસના તમામ પૈસાની લેવડદેવડ કરનાર અને છેલ્લા સાતેક વર્ષથી માલિકને વિશ્વાસમાં લઇ ફરાર થઇ જનાર આરોપી અન્ય કોઈ નહીં પરંતુ કેશિયર મનીષ શર્મા છે.
આ અંગે ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ માહિતી મળતા વડોદરા એક્સપ્રેસ હાઈવે નજીક સીટીએમ પાસેથી મનીષને પોલીસે ઝડપી લીધો હતો. બાદમાં તેની પાસે રહેલા સરસામાનની તપાસ કરતા 38 લાખ રોકડ, લેપટોપ, મોબાઈલ ફોન અને બ્રાન્ડેડ પર્ફ્યુમ સહિત ચાંદીના 20 જેટલા બિસ્કીટ પણ મળ્યા હતા. આરોપી મનીષ શર્માની પોલીસે વધુ પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે કંપનીના 47 લાખ રૂપિયા લઈને આરોપી મનીષ શર્મા સૌથી પહેલા કપડાની ખરીદી કરવા ગયો. ત્યારબાદ મોબાઈલ ફોન અને ગોગલ્સ ખરીદી કરીને ફ્લાઈટમાં દિલ્હી ગયો હતો. બાદમાં અમદાવાદ પરત આવી ફરીથી ગોવા અને મુંબઈ હોટલોમા રોકાઇ પોતાના મોજશોખ ચોરીના રૂપિયે કરતો હતો.
મહત્વનું છે કે અંગેની ફરિયાદ કંપનીએ આપતા મનીષ રજા મૂકી નોકરીએ આવવાનું બંધ કરી દેતા હોય તેની ઉપર શંકા ગઈ હતી. જેને આધારે પોલીસે તુરંત જ તેને પકડી લઈ 41 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો છે. પોલીસે રિકવર કરેલ આ મુદ્દામાં પોતાના મોજશોખમાં કેટલાક રૂપિયા ઉડાવ્યા હોવાનું પણ સામે આવી છે. પોલીસે કબ્જે કરેલ મુદ્દામાલમાં સ્પષ્ટ જોઈ શકાય છે તે પ્રમાણે બ્રાન્ડેડ કપડા, ઈમ્પોર્ટેડ ગોગલ્સ પણ ખરીદી આ ચોરીના રૂપિયાથી કરી હતી. ત્યારે અગાઉ પણ આ મોડેસ ઓપરેન્ડીથી કેટલા રૂપિયા કંપનીના રૂપિયા વાપર્યા છે તે અંગે વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે