મોટી ખબર : જેલમાં બંધ જયસુખ પટેલ બહાર આવશે, કોર્ટે આપ્યા શરતી જામીન
Morbi Bridge Tragedy : સુપ્રીમ કોર્ટ દ્વારા મોરબી બ્રિજ હોનારત કેસમાં ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલને શરતોના આધારે જામીન આપવામાં આવ્યા, મોરબીની કોર્ટ જામીનની શરતો નક્કી કરશે
Trending Photos
Morbi Bridge Tragedy : મોરબી ઝુલતો પુલ દુર્ઘટના મામલામાં મોટા ખબર આવ્યા છે. ઓરેવાના માલિક જયસુખ પટેલના જામીન મંજૂર થયા છે. સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કર્યા છે. 14 મહિના બાદ ઓરેવાના માલિક જયસુખ પટેલની જેલમાંથી મુક્તિ થશે. મોરબીની કોર્ટ જામીનની શરતો નક્કી કરશે. સુપ્રીમ કોર્ટના બે જજની બેન્ચનો ચુકાદો આવ્યો છે. સુપ્રીમ કોર્ટના નામાંકિત ધારાશાસ્ત્રી મુકુલ રોહતગી અને ગુજરાતના વિદ્વાન વકીલ નિરૂપણ નાણાવટીએ આ અંગે દલીલો કરી હતી.
મોરબી બ્રિજ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. છતાં 135 મૃતકોને હજી ન્યાય મળ્યો નથી. 135 થી વધુ મૃતકોના પરિવારજનો સરકાર સમક્ષ ન્યાયની માંગણી કરી રહ્યા છે. મોરબીમાં તા, ૩૦/૧૦/૨૨ ના રોજ સાંજના સમયે ઝુલતો પૂલ તૂટી પડ્યો હતો અને ત્યાં હરવા ફરવા માટે આવેલા લોકોમાંથી બાળકો, મહિલા, વૃદ્ધો, સગર્ભા મહિલા સહિત કુલ મળીને ૧૩૫ લોકોના મોત નિપજ્યાં હતા. જેમાં ઓરેવા કંપની, તેના ડિરેક્ટરો અને કર્મચારીઓને સંપૂર્ણપણે જવાબદાર દર્શાવવામાં આવ્યું હતું. જો કે, હજુ સુધી આ ગોઝારી ઘટનામાં સ્વજન ગુમાવનારા પરિવારોને ન્યાય મળ્યો નથી.
સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને શરતી જામીન આપ્યા છે. 400 દિવસ જેટલા સમયથી જેલમાં હતા અને બહાર આવવા હવાતિયા મારી રહયા હતા.તેઓ અનેક કોર્ટમાં અરજી પણ કરી ચુક્યા હતા. અંતે તેમને આજે સુપ્રીમ કોર્ટે શરતી જામીન આપ્યા છે.
અગાઉ સુપ્રીમ કોર્ટે અરજી સાંભળવાનો ઈન્કાર કર્યો હતો
ગત નવેમ્બર મહિનામાં ગુજરાતના મોરબી પુલ હોનારતમાં આરોપી જયસુખ પટેલની જામીન અરજી સાંભળવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે, હાલ નીચલી અલદાત કે હાઈકોર્ટમાંથી જામીન મેળવવાના પ્રયાસો કરો. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 30 ઓક્ટોબરના રોજ થયેલી દુર્ઘટનામાં કુલ 135 લોકોના મોત થયા હતા. ઓરેવા કંપની પાસે આ પુલનો વહીવટ હતો. જયસુખ પટેલ ઓરેવા કંપનીના એમડી છે.
શું બન્યુ હતું
મોરબીમાં ગત તા. ૩૦/૧૦/૨૦૨૨ ના રોજ ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને ૧૩૫ લોકોના મોત થયા હતા અને આ બનાવ સંદર્ભે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી અને તે ફરિયાદ આધારે પોલીસે જે તે સમયે મેન્ટેનન્સ અને મેનેજમેન્ટનું કામ કરનાર એજન્સીના કુલ મળીને નવ કર્મચારીઓની ધરપકડ કરી હતી. ઝૂલતા બ્રિજના સમારકામ અને સંભાળવાની સમગ્ર જવાબદારી ઓરેવા કંપની પર હતી. ઓરેવા કંપનીની બેદરકારીથી બ્રિજ તૂટ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો.
શું છે ઓરેવા અને કોણ છે જયસુખ પટેલ?
અજંતા ઓરેવા ગ્રુપ ઓફ કંપનીઝના MD જયસુખ પટેલ ઘડિયાળ, કેલ્ક્યુલેટર, હોમ એપ્લાયન્સીસ તથા એલઈડી બલ્બના ઉદ્યોગમાં જાણીતું નામ છે. તેમની કંપનીની ઘડિયાળો એક સમયે ભારતભરમાં ધૂમ મચાવતી હતી. બાદમાં તેમણે વારંવાર ચીનની મુલાકાત લઈને સીએફએલ અને એલઈડી લેમ્પના બિઝનેસમાં ઝંપલાવ્યું હતું. ફિલિપ્સ કંપની સામે તેમણે ખૂબ સસ્તા દામે 1 વર્ષની ગેરન્ટી આપતા બલ્બ શરુ કર્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે