અમિત શાહ ગુજરાતની મુલાકાતે, રાજકોટ આગની ઘટના અંગે સ્થાનિક નેતાઓનો લેવાશે ક્લાસ?

Rajkot Fire Case: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ બપારે રાજકોટ પહોંચશે. જ્યાંથી તેઓ સોમનાથના દર્શને જશે. આ દરમિયાન રાજકોટમાં તેઓ ગેમ ઝોનમાં આગની ઘટના મુદ્દે સ્થાનિક નેતાઓ અને અધિકારીઓનો ક્લાસ લઈ શકે છે.

અમિત શાહ ગુજરાતની મુલાકાતે, રાજકોટ આગની ઘટના અંગે સ્થાનિક નેતાઓનો લેવાશે ક્લાસ?

ઝી બ્યૂરો, અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે  આવશે. આજે સાંજના 4 કલાકે અમિત શાહ સોમનાથ પહોંચશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમનાથ મહાદેવના દર્શન કરવા જશે. આવતી કાલે વહેલી સવારે સોમનાથ દાદાની આરતીમાં ભાગ લેશે. સોમનાથ દાદાની પૂજા બાદ અમિત શાહ બપોરે રવાના થશે. જોકે, સૂત્રોની માનીએ તો રાજકોટ ગેમ ઝોનમાં આગ મામલે સ્થાનિક નેતાઓ અને અધિકારીઓનો પણ ક્લાસ લઈ શકે છે. સમગ્ર મામલામાં કોની બેદરકારી હતી, ક્યાં ચુક રહી, આવી ઘટનાઓ ન બને તે માટે શું કરવું, અને સ્થાનિક નેતાઓની ભૂમિકા સહિતના મુદ્દાઓ પર અમિત શાહ ગુજરાત ભાજપની ટીમ સાથે ચર્ચા કરી શકે છે. જોકે, સત્તાવાર આ અંગે કોઈ જાણકારી અપાઈ નથી. અમિત શાહ બપોર પછી રાજકોટના હીરાસર એરપોર્ટ પર આવશે, ગેમ ઝોન અગ્નિકાંડની માહિતી મેળવી શકે છે. ઉલ્લેખનીય છેકે, રાજકોટ આગકાંડમાં મજા માણતા 12 બાળકો સહિત 28 લોકોની જિંદગી આગમાં ભૂંજાઈ ગઈ. પરંતુ આ ઘટનામાં રાજકોટ કોર્પોરેશનની પણ એટલી જ બેદરકારી સામે આવી છે. રાજકોટ આગકાંડમાં 4 અધિકારીઓની પોલીસે ધરપકડ કરી છે. 

બપોર પછી અમિત શાહ હીરાસર એરપોર્ટ આવશે-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બપોર પછી રાજકોટના હીરાસર એરપોર્ટ ખાતે આવશે. ટૂંકું રોકાણ કર્યા બાદ તેઓ સોમનાથ જવા રવાના થશે. દર વખતે ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત પડ્યા બાદ અમિત શાહ સોમનાથ મહાદેવના દર્શન કરવા આવે છે. હીરાસર એરપોર્ટ ખાતે TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે સ્થાનિક નેતાઓનો ક્લાસ લેવાય તેવી શક્યતા છે. આવું રાજકીય સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. અગ્નિકાંડ મામલે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી શકે છે. બપોરના સમયે અધિકારીઓ-પદાધિકારીઓ હીરાસર એરપોર્ટ દોડી જશે.

ઘટના બાદ બે પીઆઈને કરાયા સસ્પેન્ડઃ
ઘટના બન્યાના બીજા જ દિવસે રાજકોટના બે પીઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના તાત્કાલિક પીઆઈ વી.આર. પટેલ અને લાયસન્સ બ્રાન્ચના તત્કાલીન પીઆઈ એન.આઈ. રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં ગાંધીનગરથી રાજકોટ ખાતે અન્ય બે તત્કાલીન પીઆઈને લાવવામાં આવ્યા હતા. અગાઉ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂકેલા પીઆઇ જે.વી.ધોળા અને વી.એસ.વણઝારાને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ લાવવામાં આવ્યા છે. બન્ને પૂર્વ પીઆઈની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછ બાદ પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી થાય તેવી પૂરી શક્યતા છે.

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોનાં મોત મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં રાજકોટ મહાનગરપાલિકાના 4 અધિકારી જવાબદાર હોવાનું સ્પષ્ટ થયું છે. જેને લઈને ચારેય અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. જેમાં રાજકોટ મનપાના તત્કાલીન ટીપીઓ (ટાઉન પ્લાનિંગ ઓફિસર) મનસુખ સાગઠિયા, એટીપીઓ (આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર) મુકેશ મકવાણા અને ગૌતમ જોષી તેમજ ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા સામે પોલીસ ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરાઈ છે. મનપા બાદ હવે પોલીસ વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી થઈ શકે તેવું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

નિયમો નેવે મુક્યા હોવાનું તપાસમાં ખુલ્યુંઃ
સીટના સભ્યોએ રાજકોટમાં ઘટનાસ્થળે પહોંચી તેમજ જરૂરી પૂરાવા મેળવી પ્રાથમિક રિપોર્ટ તૈયાર કર્યો હતો. ઇમર્જન્સી એક્ઝિટ નહી હોવાને કારણે જે લોકો બહાર ન નીકળી શક્યા તે જીવતા ભૂંજાઈ ગયાનો ચોંકાવનારો નિર્દેશ રિપોર્ટમાં કરવામાં આવ્યો હતો. સીટના અહેવાલ મુજબ એન્ટ્રી-એક્ઝિટ ગેટ અલગ રાખવામાં આવ્યા નહોતા. ગેમ ઝોનમાં લોકોના પ્રવેશ માટે નાની જગ્યા હતી અને કોઈ ઇમર્જન્સી એક્ઝિટ રાખવામાં આવી નહોતી. જેથી નેશનલ બિલ્ડિંગ કોડ તથા ફાયર સેફ્ટીના નિયમોનો ખુલ્લો ભંગ કરવામાં આવ્યો હતો.

રાજકોટ અગ્નિકાંડમાં કઈ રીતે બની હતી આખી ઘટના?
રાજકોટના કાલાવડ રોડ પર સયાજી હોટલ પાસે TRP ગેમ ઝોનમાં 25 મેને શનિવારે સાંજે સાડા પાંચ વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમો અને તાલુકા પોલીસ સ્ટેશનની ટીમો દોડી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. બાદમાં અંદર સર્ચ કરતા એક પછી એક એમ 28 મૃતદેહ મળી આવ્યા હતા. માત્ર 55 મિનિટમાં જ 24 મૃતદેહ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. મૃતદેહની હાલત એવી થઈ ગઈ કે, DNA ટેસ્ટથી ઓળખ મેળવવા પરિવારજનોના સેમ્પલ એર એમ્બ્યુલન્સથી ગાંધીનગર એર લિફ્ટ કરવાની નોબત આવી હતી. પૂરાવાનો નાશ કરવા રાજકોટ મનપાના પાંચ જેસીબી કામે લાગી ઘટનાના 24 કલાકમાં જ આખા ગેમ ઝોનને ધ્વસ્ત કરી દેવામાં આવ્યો છે. ગેમ ઝોનની જગ્યા હાલ મેદાનમાં ફેરવાઈ ગઈ છે. ગેમ ઝોન ધ્વસ્ત થયા પછી પણ માનવ અંગો મળી આવ્યા હતા જેને સિવિલ હોસ્પિટલ DNA રિપોર્ટ માટે ખસેડાયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news