Gujarat Election Result : આખરે પાટીલે કરી બતાવ્યું, ભાજપના ઐતિહાસિક જીત પાછળ ‘ચાણક્ય ચંદ્રકાંત’ની કમાલ છે
Gujarat Assembly Election Results 2022 : પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ભાજપના સંગઠનમાં નવો જોમ ભર્યો... વ્યૂહાત્મક રણનીતિમાં પાટીલ અજોડ સાબિત થયા... પરિવર્તનના નિયમથી પાટીલે બદલી રાજકારણની તસવીર.... 150 પ્લસનો લક્ષ્યાંક નક્કી કરીને હાંસલ કર્યો
Trending Photos
Gujarat Assembly Election Results 2022 : ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં જૈ ઐતિહાસિક જીત મેળવી છે. તેમાં પક્ષના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનો સિંહફાળો છે. પાટીલે લક્ષ્યાંક નિર્ધારિત કર્યો અને પછી પોતાની આક્રમક વ્યુહરચનાના જોરે લક્ષ્યાંક હાંસલ પણ કર્યો છે.
બીજા તબક્કાના મતદાન પહેલાના પાટીલના આ શબ્દો પરિણામોમાં સાચા પડ્યા છે. પાટીલે સૌથી પહેલા ભાજપ માટે 150 પ્લસ બેઠકોનો નિર્ધાર કર્યો હતો, તેની સામે સવાલ પણ ઉઠ્યા, શંકા પણ વ્યક્ત કરાઈ, જો કે પાટીલનો આ લક્ષ્યાંક આખરે સાચો પડ્યો. ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત પાછળ તેઓ મોટા ચહેરા છે.
2021ની શરૂઆતમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની હતી, તે પહેલા 20 જુલાઈ 2020ના રોજ પાટીલને ગુજરાત ભાજપની કમાન સોંપવામાં આવી હતી. આ સાથે જ પાટીલ એક્શનમાં આવ્યા અને ભાજપ માટે ચાણક્ય તરીકે કામ કર્યું. તેમની વ્યુહરચનાથી જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે અભૂતપૂર્વ જીત હાંસલ કરી. આ માટે તેમણે પેજ સમિતિના સ્તરેથી ભાજપના સંગઠનને મજબૂત બનાવ્યું. તેમણે ટિકિટ મેળવવા ઉમેદવારો માટે નિયમ બનાવ્યા. જેનાથી ભાજપને મોટો ફાયદો થયો.
પાટીલ એવા ઘણા નિર્ણયો લીધા, જેનાથી ભાજપમાં કામ કરવાની એક નવી પેટર્ન ઉમેરાઈ. વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ, પેજ સમિતિ અને સહકાર ક્ષેત્રમાં પાર્ટીના મેન્ડેટની તેમણે શરૂઆત કરાવી. કાર્યકરોમાં તેમણે ટેક્નોલોજીના ઉપયોગ પર ભાર આપ્યો. વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ વહેંચણીમાં પણ પાટીલે ઘણું ધ્યાન આપ્યુ.
2019ની લોકસભા ચૂંટણીમાં 6 લાખ 89 હજાર 668 મતની લીડ મેળવીને રેકોર્ડ નોંધાવનાર પાટીલની કામગીરીના વખાણ તાજેતરમાં જ પ્રધાનમંત્રીએ સ્ટેજ પરથી કર્યા હતા. પાટીલ અગાઉ પ્રધાનમંત્રી મોદી માટે તેમના મતવિસ્તાર વારાણસીમાં પણ પ્રચારનો મોરચો સંભાળી ચૂક્યા છે. એવામાં 2024ની લોકસભાની ચૂંટણીને જોતાં તેમને પક્ષમાં મોટી જવાબદારી સોંપાય તો નવાઈ નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે