રૂપાલાના વિવાદમાં હાઈકમાન્ડની એન્ટ્રી : ખાસ નેતાઓને દિલ્હી બોલાવી બનાવી નવી રણનીતિ

Parasottam Rupala : રૂપાલાનો વિવાદ વધતા દિલ્હી હાઈકમાન્ડે ગુજરાતના ક્ષત્રિય નેતાઓને દિલ્હી બોલાવીને મીટિંગ કરી, ક્ષત્રિયોને સમજાવવા માટે હવે નવી રણનીતિ બનાવવામાં આવશે
 

રૂપાલાના વિવાદમાં હાઈકમાન્ડની એન્ટ્રી : ખાસ નેતાઓને દિલ્હી બોલાવી બનાવી નવી રણનીતિ

Loksabha Election 2024 : ગુજરાતમાં હવે ક્ષત્રિયોની લડાઈ આરપારની લડાઈ બની છે. રૂપાલાને રાજકોટ બેઠકથી હટાવવા એ ક્ષત્રિયો માટે વટનો સવાલ બની રહ્યો છે. ગઈકાલે અમદાવાદના ધંધૂકામાં રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજનું સંમેલન ભરાયુ હતું. જેમાં 9 કે 10 તારીખે રાજકોટમાં 5 લાખ ક્ષત્રિયોને ભેગા કરવા એલાન કરાયું છે. જો ટિકિટ નહીં કપાય તો અમદાવાદ GMDCમાં પણ મહાસંમેલન થશે. આવામાં દિલ્હી હાઈકમાન્ડે ક્ષત્રિય નેતાઓને દિલ્હીમાં બોલાવીને ઉકેલ માટે મનોમંથન કર્યાની માહિતી સામે આવી છે. 

વિવાદમાં દિલ્હીની એન્ટ્રી
ગુજરાત ભાજપ દ્વારા ક્ષત્રિયોને મનાવવા, રીઝવવાના અનેક પ્રયાસો કરાયા. પરંતું ક્ષત્રિયો માન્યા નથી. તેમની રૂપાલા વિરુદ્ધની લડત હજી ચાલુ જ છે. ત્યારે આ મડાગાંઠ ન ઉકેલાતા હવે દિલ્હીની એન્ટ્રી થઈ છે. ત્યારે વાટાઘાટોનો બીજો રાઉન્ડ શરૂ કરાયો છે, જેમાં ખુદ દિલ્હીએ દસ્તક આપી છે. આ માટે ગુજરાતના ક્ષત્રિય નેતાઓને ઉકેલ શોધવા માટે દિલ્હી બોલાવાયા હતા.

કયા નેતાઓને દિલ્હી બોલાવાયા હતા
ગુજરાત ભાજપમાં ક્ષત્રિય નેતાઓની વાત કરીએ તો, ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓ રવિવારના રોજ દિલ્હીમાં બેઠક કરી આવ્યા છે. તેઓને બોલાવી ક્ષત્રિયોને સમજાવવા માટે હવે નવી રણનીતિ બનાવવામાં આવશે. જેમાં રાજકોટ બેઠક પર રૂપાલાને બદલવા કે આંદોલનનો કોઈ બીજો ઉકેલ ખરો કે નહિ તે મુદ્દે ચર્ચાઓ કરાશે. દિલ્હી હાઈકમાન્ડ પણ હવે આ વિવાદનો અંત લાવવા માંગે છે. તેથી ક્ષત્રિય નેતાઓ સાથે વાટાઘાટો કરાઈ હતી. 

ડભોઈમાં ભાજપના કાર્યકરો પર પ્રતિબંધ
વડોદરાના ડભોઈ તાલુકામાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ જોવા મળ્યો. શાઠોદ ગામમાં ભાજપના કાર્યકરો પર પ્રતિબંધ લગાવાયો છે. મુખ્ય પ્રવેશ દ્વાર પર રાજપૂત સમાજે બેનર લગાવ્યું. જેમાં ભાજપના કોઈપણ કાર્યકર-આગેવાનોએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવુ લખાયું છે. રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી પર રાજપૂત સમાજ અડગ છે. તો માંડવા ગામના રાજપૂત ફળિયામાં પણ ભાજપ વિરુદ્ધ બેનર લાગ્યા હતા. મહત્વનું છે કે રાજપૂત સમાજ વિશે કરેલી ટિપ્પણી પછી પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા મામલે રાજ્યના અનેક જિલ્લાઓમાં જોરશોરથી વિરોધ થઈ રહ્યો છે. રાજપૂત સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી સિવાય નમતું જોખવા તૈયાર નથી.   

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news