સુરતમાં 'ખેલા' : ભાજપના દલાલને જીતાડવામાં કોણ બન્યું 'દલાલ', કોંગ્રેસ નહીં ચૂપ બેસે
Loksabha Election 2024: ગુજરાતમાં તમામ 26 લોકસભા સીટ 5 લાખથી વધુ મત સાથે જીતવાના ટાર્ગેટ સાથે ઉતરેલી ભારતીય જનતા પાર્ટીને આજે મોટી સફળતા મળી છે. સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ થઈ ગયા છે. પરંતુ આ મુદ્દાને કોંગ્રેસ કોર્ટમાં લઈ જશે.
Trending Photos
સુરતઃ પરીક્ષા પહેલાં જ જો તમને તમારા પરિણામની ખબર હોય તો તમે નિશ્ચિંત હો છો. તમારા મનમાંથી હાર જીતનો કે નાપાસ થવાનો ડર જતો રહે છે. આ પ્રકારના ખુશમિજાજમાં જ હાલ ભાજપ છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન 7મી મેના રોજ થવાનું છે અને સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનું પરિણામ 4 જૂને આવવાનું છે. જોકે, આ પહેલાં જ ભાજપનો વિજય થઈ ચૂક્યો છે. જી હાં, સુરતમાં એવો ચમત્કાર થયો છેકે, ચૂંટણી પહેલાં જ વિજેતા જાહેર થઈ ગયા છે ભાજપના મુકેશ દલાલે કેવી રીતે કર્યો આ કમાલ જુઓ આ રિપોર્ટમાં..
ગુજરાત અને દેશની રાજનીતિમાં આજે સૂરતમાં અનોખા આ ઐતિહાસિક દ્રશ્યો જોવા મળ્યા. આવા દ્રશ્યો ગુજરાતમાં ક્યારેય પહેલાં જોવા મળ્યા નથી અને કદાચ બની શકે કે આગામી સમયમાં ક્યારે જોવા મળે પણ નહીં.. લોકસભા ચૂંટણીમાં સુરતની બેઠક એકમાત્ર એવી બેઠક છે જેની ચર્ચા આજે સમગ્ર દેશમાં થઈ રહી છે અને એનું કારણ છે લોકસભાની ચૂંટણી પહેલાં જ ભાજપના ઉમેદવારની જીત..
સુરત બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ ચૂંટણી લડ્યા વગર જ સાંસદ બની ગયા. ચૂંટણી પહેલાં જ કેમ પાટીલ સહિત અહીં હાજર તમામ નેતાઓ વિક્ટરી સાઈન દેખાડી રહ્યા છે. સુરત લોકસભા બેઠક બિનહરીફ બની છે.. અપક્ષ સહિત તમામ અન્ય ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી છે. સુરત લોકસભાનાં ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ બનતા લોકસભા ચૂંટણી પહેલાં જ ભાજપનું ખાતું ખુલી ગયું છ. લોકસભા ચૂંટણીમાં ભાજપે સુરત બેઠક પર જીત મેળવી લીધી છે. તમારા મનમાં પણ સવાલ થતો હશે કે આ ચમત્કાર આખરે થયો કેવી રીતે આ ચમત્કાર કારણ જાણવા માટે છેલ્લાં બે દિવસનો રાજકીય ડ્રામા જાણવો પડે..
સમગ્ર પ્રકરણની શરૂઆત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોના એફિડેવિટથી થાય છે. ત્રણેય ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું કે, કુંભાણીના ફોર્મમાં અમારી સહી નથી. જેને લઈને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો. ચૂંટણી અધિકારીએ નિલેશ કુંભાણીને ટેકેદારો સાથે હાજર રહેવાનું ફરમાન કર્યું. જોકે, કુંભાણીએ પોતાના ટેકેદારોનું અપહરણ થયું હોવાનું નિવેદન આપ્યું. ચૂંટણી અધિકારીએ કુંભાણીનું ફોર્મ રદ કરતા પહેલાં સુનાવણી કરી હતી. ઉમેદવારી પત્ર રદના વિરોધમાં કલેક્ટર સમક્ષ સુનાવણી થઈ અને રવિવારે ચૂંટણી અધિકારીએ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કર્યું. સોમવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભાજપ સિવાય તમામ ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી લીધી દલાલ બિનહરિફ થઈ ગયા..
કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતાં સાત જેટલા ઉમેદવારો મેદાને હતા. જ્યારે જે તમામ અપક્ષ સહિતના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર બિનહરિફ જાહેર કરવામાં આવ્યા. મુકેશ દલાલ બિન હરીફ ચૂંટાઈ જતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વીટ કરીને શુભેચ્છાઓ પાઠવી.. એટલું જ નહીં મુકેશ દલાલની જીતથી સુરત ભાજપના કાર્યકરોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
સુરતમાં પોતાની સાથે થયેલા ખેલમાં ન્યાય મેળવવા માટે કોંગ્રેસ હવે કોર્ટનો સહારો લેશે. કેવી રીતે સુરતની બેઠક પર ચૂંટણી રદ કરવી અને કેવી રીતે ફરીથી ચૂંટણી યોજવી તે અંગે કાયદાકીય સલાહ લેશે. સુરતમાં થયેલા કોંગ્રેસ સાથે ખેલની નોંધ કોંગ્રેસ હાઈકમાન્ડે પણ લીધી. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને પ્રધાનમંત્રી મોદી પર પ્રહાર કર્યા. જોકે, હવે ભાજપની આ જીતને કેવી રીતે કોંગ્રેસ કાયદાકીય રીતે પડકારશે એ તો આવનારો સમય જ બતાવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે