વડોદરા: પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય, કોંગ્રેસે દુર કર્યા સંગઠનના 180 હોદ્દેદારો!

કોંગ્રેસની પેટા ચૂંટણીમાં હાર બાદ વડોદરા કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે સંગઠનના તમામ 180 હોદ્દેદારોને હોદ્દા પરથી દુર કરવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ પ્રમુખના નિર્ણય લેતાની સાથે જ કોંગ્રેસ કાર્યલય પર હોદ્દેદારો દોડી આવ્યા હતા.  

વડોદરા: પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય, કોંગ્રેસે દુર કર્યા સંગઠનના 180 હોદ્દેદારો!

રવિ અગ્રવાલ/ વડોદરા: વડોદરાના વોર્ડ નંબર 11માં ભાજપના મહિલા કોર્પોરેટરના અવસાન બાદ યોજાયેલ પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર શકુન્તલા સોલંકીનો ભવ્ય વિજય થતા કોંગ્રેસમાં ભડકો થયો છે. કોંગ્રેસની પેટા ચૂંટણીમાં હાર બાદ વડોદરા કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે સંગઠનના તમામ 180 હોદ્દેદારોને હોદ્દા પરથી દુર કરવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ પ્રમુખના નિર્ણય લેતાની સાથે જ કોંગ્રેસ કાર્યલય પર હોદ્દેદારો દોડી આવ્યા હતા.  

વડોદરાના વોર્ડ નંબર 11માં ભાજપના મહિલા કોર્પોરેટર મમતાબેનનું અવસાન થતા પેટા ચૂંટણી યોજાઈ હતી. પેટા ચૂંટણીની આજે મતગણતરી થઈ હતી. જેમાં ભાજપના મહિલા ઉમેદવાર શકુન્તલા સોલંકીને 10410 મત, જ્યારે કોંગ્રેસના મહિલા ઉમેદવાર શ્વેતા મહેતાને 5932 મત મળ્યા હતા. જેથી ભાજપ ઉમેદવાર શકુન્તલા સોલંકીનો 4478 મતથી વિજય થયો હતો.
વડોદરા કોંગ્રેસ
કોંગ્રેસ ઉમેદવાર શ્વેતા મહેતાની કારમી હાર થતા જ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે તાબડતોડ સંગઠનના તમામ 180 હોદ્દેદારોને હોદ્દા પરથી બરખાસ્ત કરવાનો નિર્ણય લીધો. જેના કારણે કોંગ્રેસમાં હડકંપ મચી જવા પામ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલના નિર્ણય બાદ દાંડીયાબજાર કોંગ્રેસ કાર્યલય પર કોંગ્રેસના દુર કરાયેલા હોદ્દેદારો દોડી આવ્યા હતા. કોંગ્રેસ પ્રમુખે શહેરના કોંગ્રેસ ઉપપ્રમુખથી લઈ વોર્ડના પ્રમુખોને હોદ્દા પરથી દુર કર્યા છે. 

વિધાનસભા ચૂંટણી અને કોર્પોરેશનની પેટા ચૂંટણીમાં સતત કોંગ્રેસનો પરાજય થતા કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે પરાજય માટે સંગઠનને જવાબદાર ઠેરવ્યો છે. કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે કહ્યું કે છેલ્લા પાચ વર્ષથી સંગઠનમાં ફેરફાર થયો નથી. તેમજ સંગઠનમાં મોટાભાગના એવા લોકો હતા જે માત્ર હોદ્દા લઈ ઘરમાં બેસી રહેતા હતા. જેથી આવા તમામ 180 હોદ્દેદારોને તાત્કાલીક હોદ્દા પરથી દુર કરી એક અઠવાડિયામાં નવા હોદ્દેદારોની નિમણુંક કરાશે. 

કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે વધુમાં કહ્યું કે નવા સંગઠનમાં યુવા ચહેરાઓ અને પાર્ટી માટે સતત કામ કરતા લોકોની જ પસંદગી કરાશે જેનાથી આવનારી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ વડોદરા શહેરમાં સારૂ પ્રદર્શન કરી શકશે. કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે પેટા ચૂંટણીમાં હાર માટે સંગઠનની નિષ્ક્રયતાને જવાબદાર ઠેરવી છે તેમજ લોકોએ આપેલ જનાદેશનો સ્વીકાર કર્યો છે.  

કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલના સંગઠનમાં ફેરફારના નિર્ણય બાદ ખરેખર કોંગ્રેસને આવનારી લોકસભાની ચૂંટણીમાં વડોદરામાં સફળતા મળે છે કે પછી હંમેશની જેમ હારનો સ્વાદ ચાખવાનો વારો આવે છે તે તો સમય જ પુરવાર કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news